આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારી કરી આત્મહત્યા, સુસાઇડ નોટમાં લખ્યું – હું તણાવથી પરેશાન થઈ ગયો છું

ઈન્દોરઃ આધ્યાત્મિક ગુરૂ ભૈયુજી મહારાજે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.  જે બાદ તેમને  બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ભૈયુજી મહારાજે પોતાની જાતને ગોળી મારતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “હું તણાવથી પરેશાન થઈ ગયો છું, મારા મોત માટે કોઇ જવાબદાર નથી.” ભૈયુજી ના મોત બાદ તેમના અનુયાયીમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે હાલમાં જ તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો, તે સિવાય અન્ય 4 સંતને પણ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, ભૈયુજી એ આ દરજ્જો લેવાનો ઈનકાર કરી દીધો હતો. 29 એપ્રિલ 1968માં મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના શુલાજપુરમાં જન્મેલા ભૈયુજી ના અનુયાયીઓમાં ધારણા છે કે, તેમને ભગવાન દત્તાત્રેયના આશીર્વાદ પ્રાપ્ત છે. જમીનદાર પરિવારમાંથી આવતા ભૈયુજી મહારાજ દેશના દિગ્ગજ રાજનેતાઓ, બોલીવુડ જગતના કેટલાક સિતારાઓના સંપર્કમાં હતા. તેમના અનુયાયીઓમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અનેક મોટા નેતાઓ, લતા મંગેશકર સહિત ઘણી નામચિન્હ હસ્તિઓ સામેલ હતી. રાજનીતિ, સિનેમા અને કોર્પોરેટ જગતની ઘણીં મોટી હસ્તીઓ તેમના આશ્રમમાં આવી ચૂકી છે.

ઉલ્લખનીય છે કે, ભૈયુજી મહારાજે અગાઉ મોડલિંગનું કેરિયર છોડીને આધ્યાત્મનો માર્ગ પસંદ કર્યો હતો. તેઓ સિયારામ શૂટિંગમાં મોડલ રહી ચૂક્યા છે. આધ્યાત્મ ગુરુ બન્યા બાદ પણ તેમનું જીવન સહજ હતું. તેઓ ક્યારેક ખેતરમાં કામ કરતા દેખાતા તો ક્યારેક ક્રિકેટ રમતા પણ જોવા મળતા હતા. ઘોડેસવારી અને તલવારબાજીમાં પણ મહારથી હતા. આલીશાન ભવનમાં રહેતા ભૈયુજી મહારાજ મર્સિડીઝ જેવી મોંઘી ગાડી અને રોલેક્સની ઘડિયાળ પહેરવાનું પસંદ કરતા હતા.

ગ્લોબલ વોર્મિંગને લઈને ચિંતિત ભૈયુજી મહારાજ ગુરૂ દક્ષિણાના નામ પર પોતાના અનુયાયીઓને એક વૃક્ષ વાવવાનું કહેતા હતા. તેમણે અત્યાર સુધી 18 લાખ વૃક્ષ રોપાવ્યા છે. આદિવાસી જિલ્લા દેવાસ અને દારમાં તેમણે આશરે એક હજાર તળાવ ખોદાવ્યા છે. તેઓ નારિયલ, શાલ, ફૂલમાળા પણ સ્વીકારતા ન હતા.

error: Content is protected !!