જન્માષ્ટમી: આપણી ભીતર કૃષ્ણત્વના ઉદય નો ઉત્સવ!

શ્રી શ્રી રવિશંકર દ્વારા

કૃષ્ણના જન્મનો ઉત્સવ એટલે જન્માષ્ટમી! કૃષ્ણ એ વ્યક્તિ નથી પરંતુ શક્તિ છે. એક પૂર્ણ અવતાર! અને એ જ કૃષ્ણ મારી ભીતર છે. સ્વ અને કૃષ્ણને ભિન્ન કઈ રીતે જાણી શકાય? કૃષ્ણ સાથે ઐક્ય ની અનુભૂતિ, ઉત્સવ થકી જ થઇ શકે છે. ગીતામાં તેઓ કહે છે કે “ જે મારી અંદર સર્વેને નિહાળે છે, અને સર્વમાં મને જ જુએ છે, તેનાથી હું બિલકુલ અદ્રષ્ટ નથી. તે ભક્ત મારાથી કદાપિ દૂર હોઈ જ શકે નહીં!

કૃષ્ણનું જીવન તો નવધા રસોથી સભર છે. એક મસ્તીખોર શિશુ, એક ગંભીર યોદ્ધા, આનંદ સ્વરૂપ અને જ્ઞાન નો સ્ત્રોત આ સઘળું એક સાથે કૃષ્ણમાં જ સંભવી શકે! કૃષ્ણ અધ્યાત્મિક અને ભૌતિક બંને વિશ્વોના સ્વામી છે. તે વિષદ શિક્ષક પણ છે, અધ્યાત્મ ના પ્રેરક છે અને છતાં બહુ જ કાબેલ રાજકારણી પણ છે. એક તરફ તેઓ યોગેશ્વર છે, તો બીજી તરફ એક તોફાની ચોર! સંપૂર્ણ વિરોધાભાસી મુલ્યો વચ્ચેનું પૂર્ણ સંતુલન એટલે કૃષ્ણ! અને એટલે જ કૃષ્ણને સરળતાથી સમજી શકાતા નથી. ભૌતિક વિશ્વ માટે એક અવધૂત અસંગત છે, અને અધ્યાત્મ જગતમાં એક રાજકારણી અસંગત છે. પરંતુ કૃષ્ણ તો દ્વારકાધીશ છે અને છતાં પણ યોગેશ્વર છે.

કૃષ્ણને સમજવા માટે રાધા, અર્જુન કે ઉદ્ધવ બનવું પડે! ત્રણ અવસ્થામાં વ્યક્તિ ઈશ્વરનું શરણ લે છે: પ્રેમ, દુઃખ અને જ્ઞાન! રાધા પ્રેમમય છે, અર્જુન શોકગ્રસ્ત છે, અને ઉદ્ધવ જ્ઞાની છે. કોઈની કોઈ સાથે સ્પર્ધા નથી, અંતે તો તેઓ કૃષ્ણમાં જ લીન છે. કૃષ્ણ વર્તમાન સમય સાથે અત્યંત સુસંગત છે. કૃષ્ણ આપને પૂર્ણ વૈરાગ તરફ દોરી જતા નથી, કે પૂર્ણપણે ભૌતિકતા તરફ પણ લઇ જતા નથી. કૃષ્ણ આપને કેન્દ્રસ્થ છતાં ગતિશીલ બનાવે છે. કૃષ્ણ ભક્તિ અને કુશળતા બંને સાથે શીખવે છે.આપણા જીવનમાં, પરસ્પર વિરોધાભાસી ગુણોમાં એક સમાન કુશળતા જયારે અભિવ્યક્ત થાય છે, ત્યારે જન્માષ્ટમી નો ઉત્સવ ઉજવાય છે!

કૃષ્ણ કહે છે, “તે મને પ્રિય છે, જે કોઈનો તિરસ્કાર કરતો નથી કે કોઈનો આભારી પણ નથી.” આભારની લાગણીની ઉપસ્થિતિ  દર્શાવે છે કે આપ ઈશ્વરને બદલે અન્ય ના અસ્તિત્વનો સ્વીકાર કરો છો! જયારે આપ ઉપકારની ભાવના અનુભવો છો ત્યારે આપ કર્મના સિદ્ધાંત તેમ જ ઈશ્વરની યોજના ને નકારો છો!

કૃષ્ણ અર્જુન ને કહે છે, તું મને અતિ પ્રિય છે અને ત્યાર પછી તરત જ કૃષ્ણ અર્જુન ને કહે છે કે તું મને સમર્પણ કર! તો સમર્પણ ની શરૂઆત ધારણાથી થાય છે. એ ધારણા કે હું ઈશ્વર ને અતિ પ્રિય છું. અને એ જ ક્ષણે સમર્પણ શક્ય બને છે. સમર્પણ એ કૃત્ય નથી, ધારણા છે. સમર્પણ ભાવ નો અભાવ એ અજ્ઞાન માત્ર છે, ભ્રમણા માત્ર છે. સમર્પણ ની શરૂઆત ધારણા થી થાય છે, પરંતુ અંતે તે એક વાસ્તવિકતા ના સ્વરૂપમાં ઉદિત થાય છે. અને અચાનક જ સમજાય છે કે આ પણ એક ભ્રમ છે. કારણ ઈશ્વરથી હું ભિન્ન જ નથી, તો કોણ કોને સમર્પણ કરે?

જન્માષ્ટમી નો ઉત્સવ ઉત્તમ રીતે ત્યારે જ ઉજવાય છે જયારે આપ જાણો છો કે આપ બે પ્રકારનાં પાત્રો  નિભાવી રહ્યા છો. એક તો એક જવાબદાર મનુષ્ય-જીવન પૃથ્વી પર જીવી રહ્યા છો અને સાથે સાથે આપ જાણો છો કે આપ સઘળી ઘટનાઓ થી પર છો, અલિપ્ત છો. આપ પૂર્ણ બ્રહ્મ છો. અવધૂત હોવાની સાથે સાથે જ આપ કર્મ પણ કરતાં રહો છો. આપ જાણો છો કે કૃષ્ણ આપનાથી ભિન્ન નથી. તે આપની ભીતર જ છે. અને આ ક્ષણે કૃષ્ણત્વ આપનામાં ઉદિત થાય છે. આપ આપનામાં ઉદય પામેલાં કૃષ્ણત્વ નો ઉત્સવ ઉજવો છો, અને તે જ જન્માષ્ટમી છે.

error: Content is protected !!