કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-1962નો પ્રારંભ

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં મૂંગા પશુધનની સારવાર-માવજત સુશ્રુષાના મહાઅભિયાન કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રનો પ્રારંભ કરાવતાં જીવદયાની સંસ્કૃતિને વધુ વ્યાપક ફલક આપવા આ સેવા આગામી દિવસોમાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં વિસ્તારવાની નેમ વ્યકત કરી છે. આ સંદર્ભમાં રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલ આ સરકારે જીવ માત્ર પ્રત્યે કરૂણા, દયા રાખીને સાડા ૬ કરોડ ગુજરાતીઓ સાથે ૩ કરોડ મૂંગા-અબોલ પશુઓને પણ એટલી જ અહેમિયત આપી છે.

મુખ્યમંત્રીએ રાજ્યના પશુપાલન વિભાગે શરૂ કરેલી કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬રનો લોકાર્પણ પશુપાલન મંત્રી બાબુભાઇ બોખિરીયા, કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ક્રિષ્ણા રાજ અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં સંપન્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, અહિંસા-કરૂણાના પૂજારી મહાત્મા ગાંધીજીની આ ધરતી ઉપર સત્ય, અહિંસા, જીવથી શિવ અને આત્માથી પરમાત્માનો શાશ્વત ભાવ આપણે અકબંધ રાખ્યો છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, એકાત્મ માનવતાવાદના પંડિત દિન દયાળજીના સિદ્ધાંત સાથોસાથ પર્યાવરણ પ્રેમીઓ, વન્ય જીવ પ્રેમીઓ, પશુ-પંખી પ્રેમીઓ સૌનો ધ્યેય અને દ્રષ્ટિકોણ તો ઇશ્વરે-કુદરતે જે આપ્યું છે તેની રક્ષા થાય-સંવર્ધન થાય તેવો જ રહ્યો છે.

આ કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર એ ભાવની પૂષ્ટિ કરે છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ આ વર્ષે ઉત્તરાયણના પતંગ પર્વે રાજ્યવ્યાપી કરૂણા અભિયાન ચલાવીને સેવા સંસ્થાઓ-પક્ષી જીવદયા પ્રેમીઓએ ર૬ હજાર નિર્દોષ પક્ષીઓના જીવ બચાવ્યા છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ પશુમાવજત-રોગનિવારણ અને સારવારના જીવદયા ભાવથી રાજ્યમાં પ૦ હજાર પશુ આરોગ્ય મેળા યોજ્યા છે અને ૧૬ર થી વધુ જટિલ પશુરોગ નાબૂદ કર્યા છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી.

રૂપાણીએ કહ્યું કે, રાજ્યના પશુપાલકોના પશુધનની ચિંતા કરતાં અંતરિયાળ વિસ્તાર સહિત ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કર્યુ છે. આવા ૧૧પ૦ ફરતાં પશુ દવાખાના શરૂ કરવાની નેમ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પશુસંવર્ધન અને દૂધ ઉત્પાદન વૃદ્ધિ માટે તાલુકે તાલુકે નંદીઘર પણ સ્થપાશે.

તેમણે આ સેવા અભિયાન અનાથ પશુઓ માટે સારવારનું એક પરમ સેવા માધ્યમ બનશે તેવી અપેક્ષા દર્શાવતા રાજ્ય સરકારે ગૌશાળા-પાજરાપોળ માટે બજાર ભાવથી પ૦ ટકા ભાવે જમીન આપવાના જીવો-જીવવા દો અને જીવાડોની સંસ્કૃતિને ઉજાગર કરતા નિર્ણયની પણ સમજ આપી હતી.

પશુપાલન મંત્રી બાબુભાઇ બોખિરીયાએ આ એનિમલ એમ્યુલન્સ ૧૯૬ર સેવાનું ૧૦૮ GVK સાથે જોડાણ થવાથી રાજ્યના પશુપાલકોને પોતાના પશુઓ અને નિરાધાર પશુઓને સારવાર ત્વરિત મળશે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. તેમણે જેમ માનવજીવનમાં વિપદા દરમ્યાન ૧૦૮ ઇમરજન્સી સંજીવની બની છે તે જ પરિપાટીએ આ ૧૯૬ર હેલ્પલાઇન સેવા પણ  જીવરક્ષાની પૂજ્ય બાપૂની ભાવના સાકાર કરશે તેમ જણાવ્યું હતું. કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ક્રિષ્ણા રાજે ગાંધી-સરદારની આ પવિત્ર ભૂમિ પશુસંરક્ષણ-માવજત માટેના આ અદકેરા પ્રયોગથી દેશનું દિશા દર્શન કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ગુજરાતમાં પશુધન વૃદ્ધિ અને દૂધ ઉત્પાદન વ્યવસાયમાં ગ્રામીણ નારીશક્તિના યોગદાનને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી હતી અને આ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ગૌસેવા આયોગ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઇ કથીરીયા, વિધાનસભા ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર, સંસદીય સચિવ રણછોડભાઇ દેસાઇ, ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પશુપાલન અગ્રસચિવ સંજીવપ્રસાદ, સચિવ મૂરલીક્રિષ્ણા અને પશુપાલકો-નારીશક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!