રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવા મોબાઇલ એપનો શુભારંભ

ગાંધીનગર: રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો અંતરિયાળ વિસ્તાર સુધી ટેકનોલોજીના માધ્યમ દ્વારા પહોંચે તે માટે રાજ્ય સરકારે આ સેવાઓ મોબાઇલ એપ દ્વારા પહોંચાડવા મોબાઇલ એપનો શુભારંભ કર્યો છે. જનસેવા કેન્દ્ર અંતર્ગત વિવિધ સરકારી સેવાઓને ડિજિટલ બનાવવાનો નવતર અભિગમ અપનાવી ડિજિટલ ગુજરાતના નિર્માણ ક્ષેત્રે ગુજરાતે અગ્રીમ કદમ ઉપાડ્યું છે, એમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જણાવાયું છે.

ગુજરાત સરકારે વિવિધ યોજનાકીય લાભો નાગરિકોને ડિજિટલ માધ્યમથી પહોંચાડવા માટે ૧લી એપ્રિલ-૨૦૧૬થી ડિજિટલ ગુજરાત પોર્ટલની શરૂઆત કરાઇ છે. મોબાઇલ એપને આ પોર્ટલ સાથે જોડીને ૪૦ થી વધુ સેવાઓનો આ એપ્લિકેશનમાં સમાવેશ કરાયો છે. આ એપ્લિકેશન ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડાયેલી છે. પ્રાથમિક તબક્કે ૪૦ જેટલી સેવાઓનો આ એપ્લિકેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં ૫૦૦થી વધુ સરકારી સેવાઓનો લાભ આ એપ્લિકેશન દ્વારા લોકો સુધી પહોંચાડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે. આ એપ્લિકેશનમાં આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, ઈ-ધરા અને રેશનકાર્ડ જેવી લોકોપયોગી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશનની મદદથી નાગરિકો ડિજિટલ લોકર પણ ઓપરેટ કરી શકશે જેને લીધે ભવિષ્યમાં અન્ય સેવાના
લાભ માટે ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રક્રિયા સરળ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ૧લી એપ્રિલ ૨૦૧૬થી ડિજિટલ ગુજરાત પોર્ટલનો શુભારંભ કરી દેવાયો છે. જે રાજ્યનાં નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ માટેનું એક પ્લેટફોર્મ પર પૂરી પાડે છે. રાજ્યમાં હાલ જમીન મહેસુલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, શિક્ષણ વિભાગ તથા પંચાયત વિભાગની ૮૩ જેટલી સેવાઓનો લાભ આ પોર્ટલનાં માધ્યમથી પૂરો પાડવામાં આવી રહ્યા છે. આ પોર્ટલ દ્વારા પ્રી-મેટ્રિક અને પોસ્ટ-મેટ્રિક સ્કોલરશીપ યોજના(૬૦ યોજના)ના લાભ સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં આપવાની મહત્વાકાંક્ષી યોજના રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ.૧૫૦ કરોડથી પણ વધુ રકમની સ્કોલરશીપના લાભ સીધા વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવામાં આવ્યા છે. નોટબંધી બાદ ડિજિટલ નાણાંકીય વ્યવહારો તથા ડિજિટલ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા અને યોજનાઓના લાભ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વની કામગીરી કરવામાં આવી છે.

error: Content is protected !!