રાજ્યવ્યાપી ‘મા નર્મદા મહોત્‍સવ યાત્રા’નો સુરેન્‍દ્રનગરથી પ્રારંભ

સુરેન્દ્રનગર, દેશગુજરાત: મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘નર્મદા મહોત્‍સવ યાત્રા’ નો બુધવારે સુરેન્‍દ્રનગરથી શુભારંભ કરાવ્‍યો હતો. મા નર્મદાના જળને વધાવવા માટે રાજયના તમામ ગામડાંઓને આવરી લેતી આ નર્મદાયાત્રા તા.૬ થી ૧૭ સપ્‍ટેમ્‍બર દરમિયાન ગામડે-ગામડે ફરી નાગરિકોને નર્મદાજળની વધામણી આપશે અને તેનું મહત્‍વ સમજાવી પાણીના ટીપે-ટીપાની બચત કરવાનો સંદેશો રાજયની જનતાને આપશે.
આ પ્રસંગે મુખ્‍યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગૌરવભેર જણાવ્‍યું હતું કે, તા. ૧૬ જુને નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. ખેતરે-ખેતરે પહોંચેલા નર્મદાના પાણીથી રાજયનો ખેડૂત વિકાસમાં અગ્રેસર બની શકશે. ગુજરાત હરિયાળી ક્રાંતિનું નેતૃત્વ લેશે એવો વિશ્વાસ પણ રૂપાણીએ આ  પ્રસંગે વ્‍યકત કર્યો હતો.
‘સૌની’ યોજનાની વિગતો આપતા મુખ્‍યમંત્રીએ કહ્યું કે, આ યોજનાનો સૌથી વધુ રૂપિયા ૨૨૦૦ કરોડનો લાભ સુરેન્‍દ્રનગર જિલ્‍લાને થયો છે, જિલ્‍લાનો ખેડૂત વર્ષમાં ત્રણ પાક લઈ શકશે અને પ્રત્‍યેક ગામડાં વધુને વધુ સમૃદ્ધ થશે. મુખ્‍યમંત્રીશ્રીએ નર્મદા ડેમના નિર્માણની તવારિખી વિગતો આપી જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી વધારાનું પોણા ચાર ગણું પાણી સંગ્રહ કરી શકાશે, જેનાથી સમગ્ર ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલશે. ‘સૌની’ યોજનાથી જ ઢાંકી પપીંગ સ્‍ટેશન તથા ધોળી ધજા ડેમમાં નર્મદાના નીર પહોંચી શકયા છે એવી મુખ્‍યમંત્રીની જાહેરાતને ઉપસ્‍થિત જનસમુદાયે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
નર્મદા યોજનાનો વિરોધ કરતા વિપક્ષની મુખ્‍યમંત્રી રૂપાણીએ ઉગ્ર શબ્‍દોમાં ઝાટકણી કાઢી હતી. અને તેમની બેધારી નીતિ સામે વડાપ્રધાન મોદીની શાંત પણ મકકમ નીતિની સરાહના થકી રાજયને મળેલા નર્મદા નીર માટે વડાપ્રધાન પ્રત્‍યે આભારની લાગણી વ્‍યકત કરી હતી. મુખ્યમંત્રીએ નર્મદા યોજનાનો પાયો નંખાયો ત્યારથી ૧૯૯પમાં ભાજપાને સત્તા સુકાન મળ્યું ત્યાં સુધી સત્તા સંભાળનારા પૂર્વ શાસકોએ માત્રને માત્ર ગુજરાત વિકાસ વિરોધી માનસિકતાથી યેનકેન પ્રકારે વિલંબમાં પાડી હતી તેમ પણ તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ ૨૦૧૪માં શરૂ કરેલી ‘સૌની’ યોજના ઝડપથી પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા મુખ્‍યમંત્રીએ દોહરાવી હતી. મુખ્‍યમંત્રીએ રાજયના નાગરિકોને જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા રાજયના તમામ રસ્‍તાઓ ૧૫ સપ્‍ટેમ્‍બરથી ૧૫ ડીસેમ્‍બર દરમિયાન યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવશે, જેથી જનજીવન પૂર્વવત ધબકતું થઈ શકે. મુખ્‍યમંત્રી વિજયભાઈએ બુધવારે સુરેન્‍દ્રનગરથી પ્રસ્‍થાન કરાવેલી ‘નર્મદા મહોત્‍સવ યાત્રા’નું રાજયના ગામે-ગામ ફરીને ૧૭ સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાન મોદીની ઉપસ્‍થિતિમાં તેમના જન્‍મ દિવસ નિમિત્તે ૧૭ સપ્‍ટેમ્‍બરે ડભોઈ ખાતે સમાપન થશે. આ યાત્રા દરમ્‍યાન નર્મદાનીરના પૂજન અર્ચન કરી નર્મદા જળના સમજપૂર્વકના કરકસરયુકત ઉપયોગ માટે સંકલ્‍પબદ્ધ થવા મુખ્‍યમંત્રીએ અપીલ કરી હતી. મુખ્‍યમંત્રીનું સુરેન્‍દ્રનગરના ધારાસભ્‍યો તથા સંસદસભ્‍યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ધાર્મિક સંતો તથા પ્રતિષ્‍ઠિત નાગરિકોએ ફુલોના વિશાળ હાર તથા સ્‍મૃતિચિહન અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.
‘સૌની’ યોજનાથી રાજયની કુલ-૬૨.૮૬ લાખ હેકટરથી વધુ જમીનને તથા સુરેન્‍દ્રનગર જિલ્લાની ૩૧૯ ગામની ૩ લાખ હેકટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે, જેનાથી કપાસ, જીરૂ અને વરિયાળીના પાકનો વાવેતર વિસ્‍તાર વધવાથી રાજયભરમાં ખેતીકીય ઉપજમાં નોંધપાત્ર વધારો થશે, નર્મદૈમૈયાના નીરથી નીપજનારીઆ સમૃદ્ધિને વધાવવા માટે રાજ્યવ્યાપી નર્મદાયાત્રાનો સુરેન્‍દ્રનગર જિલ્‍લાથી શુભારંભ થયો હતો.
નર્મદાષ્‍ટકસ્‍તોત્રના ગાન વચ્‍ચે મુખ્‍યમંત્રી રૂપાણીએ નર્મદાયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જેમાં અન્ય મહાનુભાવો જોડાયા હતા. નર્મદાયાત્રાની ઝાંખી કરાવતી વિવિધ કલાત્‍મક કૃતિઓ, નર્મદામૈયાની મૂર્તિ સાથેના રથ, ખેતીવાડી વિભાગની કામગીરી દર્શાવતો ટેબ્‍લો, ઝાલાવાડની ભાતીગળ સંસ્‍કૃતિ રજુ કરતા કલાત્‍મક છત્રી-મંજીરા- ડાંડીયારાસ, ખેડૂતો, પશુપાલકો નર્મદાનીરને વધાવતી સૌભાગ્‍યવતી બહેનો તથા કુમારિકાઓ, મોટરસાઈકલમાં આરૂઢ થયેલા યુવાનો, પોલીસ બેન્‍ડ, લોકસંસ્‍કૃતિ ઉજાગર કરતા ગરબા વગેરે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પંચાયત રાજય મંત્રી જયંતિભાઇ કવાડીયા, સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષ  આઈ.કે. જાડેજા, ધારાસભ્‍ય વર્ષાબેન દોશી, કિરીટસિંહ રાણા, સંસદસભ્‍ય શંભુપ્રસાદ ટુંડીયા, જળસંપત્તિ વિભાગના સચિવ એમ. કે. જાદવ, નગરપાલિકાના પ્રમુખ શીલાબા ઝાલા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપીન ટોળીયા, સંસદીય સચિવ શામજીભાઈ ચૌહાણ, જિલ્‍લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ અગ્રણીઓ ચંદ્રશેખર દવે, રામભાઈ મેવાડા, જગદીશભાઈ મકવાણા, હિતેન્‍દ્રસિહ ચૌહાણ, અનિરૂદ્ધસિંહ પઢિયાર, મહેશભાઈ મકવાણા, ઘનજીભાઈ પટેલ, નરેશ મારૂ સહિત નાગરિકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!