દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઇલ વાનનો ગાંધીનગરમાં પ્રારંભ

ગાંધીનગર: વયોવૃદ્ધ અને અશક્ત નાગરિકોને સ્થળ પર સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉમદા હેતુથી દેશની પ્રથમ ફિઝિયોથેરાપી અને
નર્સિંગ મોબાઇલ વાનનો ગુરુવારે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ
આ મોબાઇલ વાનનું નિરીક્ષણ કરી તેમાં ઉપલબ્ધ સુવિધાઓની માહિતી મેળવી હતી.

ગાંધીનગર કડી સર્વ વિશ્વ વિદ્યાલયની ફિઝિયોથેરાપી અને નર્સિંગ ફેકલ્ટી દ્વારા સેવાના હેતુથી શરૂ કરાયેલા આ નવીન આયામ દ્વારા ગાંધીનગરના આજુબાજુના ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં આવેલા વૃદ્ધાશ્રમ તેમજ ગામોમાં ફિઝિયોથેરાપી અને નર્સિંગને લગતી સારવાર વિના મૂલ્યે આપવામાં આવશે તેમ નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

આ મોબાઇલ વાનમાં ચાર પ્રોફેસરો સહિત ફિઝિયોથેરાપી અને નર્સિંગના વિદ્યાર્થીઓ ગામે ગામ જઇ ફિઝિયોરાપીની જરૂર હોય તેવા દર્દીઓને સ્થળ પર જ સારવાર આપશે. આ દર્દીઓ અંગે અગાઉથી સર્વે કરીને એક ચોક્કસ રૂટ પણ બનાવવામાં આવ્યો છે. જેનાથી જરૂરિયાત મંદને સારવાર આપી શકાય. આ મોબાઇલ વાન ફિઝિયોથેરાપી સંબંધિત સેવાઓ જેવીકે, ફિઝિયોથેરાપી અંગે જાગૃતિ, આરોગ્ય વિષયક કાળજી માટે ફિઝિયોથેરાપિસ્ટ સાથે દર્દીની મુલાકાત તેમજ આ પ્રકારના રોગોની ઓળખ કરવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિષયક વર્તન જેમાં ધ્રૂમ્રપાન છોડવું, વજન સંબંધિત અને શારીરિક પ્રવૃત્તિઓ ઉપર ભાર મુકાશે. વધુમાં આ ફિઝિયોથેરાપી અને નર્સિંગ મોબાઇલ વાનમાં પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો, ઘુંટણનો દુખાવો જેવા દર્દમાં વિવિધ સારવાર આપવામાં આવશે. આ આરોગ્યલક્ષી સેવા જે તે સ્થળે ઉપલબ્ધ કરાવવા માટે ગાંધીનગર અને તેની આજુબાજુના ૩૬ જેટલા વૃદ્ધાશ્રમ-સ્વૈચ્છિક સંસ્થાઓ પસંદ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વટવા, પ્રાંતિજ, અડાલજ, ગાંધીનગર, મહુડી, કલોલ, લાંભા, માણસા, જૂના વાડજ, નાના કડી, અમદાવાદ અને સરખેજ જેવા સ્થાનોનો સમાવેશ થાય છે. આ લોકાર્પણ પ્રસંગે કડી સર્વ વિદ્યાલયના અધ્યાપકો, પ્રોફેસરો સહિત મોટી સંખ્યામાં ફિઝિયોથેરાપી અને નર્સિંગની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

error: Content is protected !!