રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પરંપરાગત આદિવાસી આહાર મેળાનો પ્રારંભ

ગાંધીનગર: રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત પરંપરાગત આદિવાસી આહાર મેળાનો પ્રારંભ આજે (શુક્રવારે) આદિજાતિ વિભાગના સચિવ આર.સી.મીનાએ અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે કરાવ્યો હતો. આદિજાતિ વિભાગ અને ગૂજરાત વિદ્યાપીઠના આદિવાસી સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ મેળામાં સચિવે કહ્યું કે, આજના આ ફાસ્ટ યુગમાં અસલી અને ઓર્ગેનિક ફુડ મળવું મુશ્કેલ બન્યું છે તેવા સમયે આદિવાસી વિસ્તારમાં કુદરતી રીતે ઉગેલ અને આદિવાસીઓ દ્વારા જ તૈયાર થયેલ વાનગી આ મેળાથી અમદાવાસીઓને માણવા મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ હાટ જેવા રાજ્યમાં અન્ય ૧૨ હાટ નિર્મિત કરવામાં આવી રહ્યા છે જેથી આદિવાસી વિસ્તારમાં ઉત્પાદિત વસ્તુઓ માટે સ્થાનિક કક્ષાએ જ વેચાણ માટેનું બજાર આદિવાસીઓને મળી રહે.

આદિજાતિ વિભાગ દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓની વિગતો આપી તેમણે ઉપસ્થિત આદિજાતિના લોકોને તેનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મેળામાં ૪૫ જેટલા સ્ટોલ પર નાગલીની બનાવટો, લીલી મકાઇની બનાવટો, અળદની બનાવટો, દાળ- પાનીયા, મધ જેવી કુદરતી બનાવટો, આયુર્વેદિક દવાઓ, માટીના વાસણો વગેરેના સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ મેળો તા. ૧૬ મી સપ્ટેમ્બર સુધી બપોરે ૨-૦૦ કલાક થી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

error: Content is protected !!