શ્રીદેવીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માટે કોણે આપ્યો હતો આદેશ, આરટીઆઈમાં થયો ખુલાસો

મુંબઈ, દેશગુજરાત: બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, અભિનેત્રીને આપવામાં આવેલા રાજકીય સન્માન અંગે સવાલો ઉભા થયા હતા. જે અંગે માહિતીનો અધિકાર (આરટીઆઈ) કાર્યકર્તા અનીલ ગલગલીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સામાન્ય વહીવટ વિભાગ પાસેથી માહિતી માગી હતી. શુક્રવારે આરટીઆઈનો ખુલાસો આવતા માહિતી મળી હતી કે, શ્રીદેવીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર માટે મુખ્યમંત્રી ફડણવીસે જ આદેશ આપ્યો હતો.

આરટીઆઈમાં વધુમાં આપવામાં આવેલી માહિતીમાં વિભાગે જણાવ્યું હતું કે, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાવવાનો અધિકાર મુખ્યમંત્રીનો હોય છે અને મૃત વ્યક્તિને મળેલા કોઈપણ રાષ્ટ્રીય સન્માન અથવા પદ્મ સન્માનનો તેની સાથે કોઈ સંબંધ નથી.

માહિતી પ્રમાણે, 25 ફેબ્રુઆરી, 2018ના દિવસે જ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મુંબઈ ઉપનગરી જિલ્લા અધિકારી અને મુંબઈ પોલીસ ડીજીને મૌખિક આદેશ અપાયા હતા.

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયું હતું. જેના 3 દિવસ પછી દુબઇ વહીવટીતંત્રે 27 ફેબ્રુઆરીના રોજ શ્રીદેવીના પરિવારને તેમનો મૃતદેહ  સોંપ્યો હતો અને 28 ફેબ્રુઆરીએ મુંબઈમાં તેમના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!