પાટીદાર મંત્રણા બાદ નાયબ મુખ્યમંત્રીની કચેરી દ્વારા જારી અધિકૃત બયાન

ગાંધીનગર: નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા પાટીદાર આંદોલન સંદર્ભે પાટીદાર સમાજની ૬ જેટલી મહત્વની સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ આંદોલનકારી સંસ્થા પાસ અને એસ.પી.જી.ના કન્વીનરો હાર્દિક પટેલ સહિત તમામ સભ્યો સાથે આજે ગાંધીનગર ખાતે ચર્ચા- વિચારણા માટે બેઠક મળી હતી. જેમાં અત્યંત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તેઓ દ્વારા જે ચાર મુદ્દાઓ રજુ કરાયા હતા તે માટે ખૂબ જ ઉંડાણપૂર્વક ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે પાટીદાર સમાજને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે આયોગની રચના કરવા માટે સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ હતું કે, પાટીદાર સમાજની ઉમિયા માતાજી મંદિર-ઉંઝા, ઉમિયા માતાજી મંદિર-સીદસર, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ખોડલધામ-કાગવડ,  સમસ્ત પાટીદાર સુરત અને સરદારધામ-અમદાવાદ મળી કુલ-૬ જેટલી સંસ્થાના હોદ્દેદારો સાથે થયેલ ચર્ચા-વિચારણાના અંતે પાટીદાર સમાજ દ્વારા મુખ્યત્વે શહીદ પરિવારના સ્વજનોને આર્થિક સહાય-નોકરી, પાટીદાર આયોગ, દમનના કેસો પરત ખેંચવા તથા દોષિતો સામે પગલા લેવા અંગે વિસ્તૃત ચર્ચા થઇ હતી. તેમાં શહીદ પરિવારોના
સ્વજનોને સમાજ દ્વારા આર્થિક સહાય તથા સહકારી સંસ્થાઓમાં નોકરી આપવા, આંદોલન સંદર્ભે પાટીદાર યુવાનો તથા અગ્રણીઓ સામે થયેલા કેસો પરત ખેંચવા અંગે તેમજ દમનકારી અધિકારીઓ-અસામાજિક તત્વો સામે પગલા લેવા માટે હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડીશીયલ કમિટીની રચના કરી તપાસ કરવા માટે સંમતિ સધાઇ હતી તે માટે રાજ્ય સરકાર વતી નાયબ મુખ્યમંત્રીએ સંપૂર્ણ બાંહેધરી આપી હતી.

તેમણે ઉમેર્યુ કે, પાટીદાર આંદોલન શરૂ થયુ ત્યારથી જ રાજ્ય સરકાર સતત સમાજ તથા સંસ્થાઓ સાથે પરામર્શ અને સંકલન માં છે જ, ભૂતકાળમાં પણ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ૧૦ ટકા આર્થિક અનામત આપવા માટે વટહુકમ દ્વારા જાહેરાત કરાઇ હતી. પરંતુ કેટલાક સમાજ વિરોધી તત્વોએ હાઇકોર્ટમાં અરજી કરતા તે વટહુકમ રદ થયો હતો અને રાજ્ય સરકાર સુપ્રિમ કોર્ટમાં ગઇ હતી. અને સુપ્રિમ કોર્ટે પણ રાજ્યના ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓના હિતમાં વચગાળાનો નિર્ણય લઇને એડમીશન માન્ય રાખવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત તે વેળાએ મુખ્યમંત્રીએ ‘મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના’ જાહેર કરી હતી. જેના લાભો અનેક વિદ્યાર્થીઓને પુરા પાડવામાં આવી રહ્યાં છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ઇચ્છે છે કે પાટીદાર સમાજના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે આશયથી આજે આ બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં સમાજના અગ્રણીઓ તથા પાસ અને એસ.પી.જી. ના આગેવાનો સાથે ખૂબ જ સારા વાતાવરણમાં વિસ્તૃત ચર્ચાઓ થઇ હતી અને તમામ લોકો આ નિર્ણયો સંદર્ભે સંમત પણ થયા હતા તેના પરિણામ સ્વરૂપે રાજ્ય સરકારે સૈધ્ધાંતિક નિર્ણય કર્યો છે. પરંતુ કેટલાક આગેવાનો રાજકીય રીતે આંદોલનને ચલાવવા માંગે છે. તેઓ આગામી વિધાનસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થશે નહી ત્યા સુધી આવો વિરોધ કરતા રહેશે પરંતુ પાટીદાર સમાજ સારી રીતે જાણે છે કે, રાજ્ય સરકાર સમાજ માટે કેટલી ચીંતીત છે.

તેમણે ઉમેર્યુ કે, અત્યાર સુધી અનેક વખત પાટીદાર સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે ખુલ્લા મને વિસ્તૃત ચર્ચાઓ કરી છે. આજે સૌથી વધુ સમાજના આગેવાનો અને હોદ્દેદારો સાથે ખૂબ સારી રીતે ચર્ચાઓ કરી છે. રાજ્ય સરકારનું મન હંમેશા ખુલ્લુ છે. અને આગામી સમયમાં પણ બનશે તેટલી સહાય રાજ્ય સરકાર કરશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

error: Content is protected !!