રાજ્યભરના ૧,૩૭,૫૪૨ ખેડૂતો પાસેથી રાજ્ય સરકારે ટેકાના ભાવે રૂ. ૧૩૭૯.૩૭ કરોડની ૨૭,૫૮,૭૫૨ ક્વિન્ટલ મગફળીની ખરીદી

ગાંધીનગર: રાજ્ય સરકારે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો ખેડૂત કલ્યાણલક્ષી નિર્ણય લીધો છે અને તારીખ ૧૫ નવેમ્બર-૨૦૧૮ થી તા. ૯ જાન્યુઆરી-૨૦૧૯ સુધીમાં રાજ્યભરમાં ૧,૩૭,૫૪૨ ખેડૂતો પાસેથી રૂ.૧૩૭૯.૩૭ કરોડની કિંમતની કુલ ૨૭,૫૮,૭૫૨ ક્વિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. તા. ૯ જાન્યુઆરી-૨૦૧૯ની સ્થિતિએ કુલ ૧,૦૬,૦૯૫ ખેડૂતોને રૂા.૧,૦૬૦.૧૯ કરોડનું ચૂકવણું પણ કરવામાં આવ્યું છે.

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજરશ્રીના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ માટે લઘુતમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે તા.૧૫/૧૧/૨૦૧૮થી ખરીદી શરૂ કરાઇ છે. મગફળીના ખરીદ કેન્દ્ર તરીકે જાહેર કરાયેલા રાજ્યભરના કુલ ૧૨૨ એપીએમસી સેન્ટર ખાતે સંબંધિત જિલ્લા કલેકટરશ્રી દ્વારા તા. ૧લી નવેમ્બર-૨૦૧૮થી ટેકાના ભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદવા માટે ખેડૂતોની નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ નોંધણીના ક્રમાનુસાર સરકારના નિયમ મુજબ રોજની ૨,૫૦૦ કિ.ગ્રા.ની મર્યાદામાં મગફળી લાવવા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવી હતી. જેના કારણે જે તે વિસ્તારના ખેડૂતો જે તે વિસ્તારના એપીએમસી સેન્ટર ખાતે મગફળી વેચાણ માટે પહોંચ્યા હતા.

આ પ્રક્રિયા અંતર્ગત તારીખ ૧૫/૧૧/૨૦૧૮ થી તા.૦૯/૦૧/૨૦૧૯ સુધીમાં રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫,૦૦૦ મુજબ રાજ્યભરના ૧,૩૭,૫૪૨ ખેડૂતો પાસેથી કુલ રૂ.૧૩૭૯.૩૭ કરોડની કુલ ૨૭,૫૮,૭૫૨ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે. રાજ્યભરના ખરીદ કેન્દ્રો ખાતે પૂરતી સંખ્યામાં બારદાન, વજનકાંટા તથા ખરીદી પ્રક્રિયા માટે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે અને તા.૧૦/૦૧/૨૦૧૯થી ક્રમાનુસાર વધુમાં વધુ સંખ્યામાં ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવશે.

error: Content is protected !!