રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી:

ગાંધીનગર:મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તા. ૧૦ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી ચાલનારા રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનો અમદાવાદથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર ભારતમાં એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જે પક્ષીઓની પણ મનુષ્ય જેટલી જ ચિંતા કરી કાળજી લે છે.

ઉત્તરાયણ ગુજરાતનો બ્રાન્ડ તહેવાર બની ગયો છે. ઉત્તરાયણમાં પતંગની દોરીથી અનેક અબોલ પક્ષીઓ ઘાયલ થાય છે, આવા પક્ષીઓનો જીવ બચાવી અહિંસક અને કરૂણાસભર ગુજરાત બનાવવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, કરૂણા અભિયાન દ્વારા પ્રતિવર્ષ  ૨૦,૦૦૦ જેટલા અબોલ પક્ષીઓનો જીવ બચાવી શકાયો છે. આ રીતે છેલ્લા બે વર્ષના અભિયાન દ્વારા ૪૦,૦૦૦ પક્ષીઓને બચાવી શકાયા છે.

તેમણે કરૂણા અભિયાનની વિશદ ભૂમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં ૬૫૦ જેટલા સ્થળો પર ૧૦,૦૦૦ જેટલા લોકો પક્ષી બચાવવાના આ અભિયાનમાં જોડાશે.

રાજ્યવ્યાપી કરૂણા અભિયાન…            

વન વિભાગ, પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ સાથે પક્ષીઓ માટે કાર્યરત એન.જી.ઓ. પણ જીવ દયાના આ મહાયજ્ઞમાં જોડાવાના છે.

સામાન્ય માનવી માટે આપાતકાલમાં મદદ સહાય માટે જે રીતે ૧૦૮ ની સેવા કાર્યરત છે તેવી જ રીતે પક્ષીઓ માટે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવેલો છે. છેલ્લા બે વર્ષમાં ૧,૮૦,૦૦૦ પક્ષી બચાવાના કોલ આ નંબર પર મળ્યા છે અને તેના આધારે અનેક પક્ષીઓને રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે પક્ષીઓને યોગ્ય સમયે, યોગ્ય સારવાર મળે અને પ્રિ-ઓપરેટીવ અને પોસ્ટ-ઓપરેટીવ સારવાર થાય તે માટે અદ્યતન ટેકનોલોજી સાથેના ઓપરેશન થિેએટર આઈ.સી.યુ સાથે તૈયાર કરી પક્ષીઓ સંપૂર્ણ રીતે સાજા થઈ જાય ત્યાં સુધીની સારવાર વ્યવસ્થા રાજ્યમાં આપણે જીવદયાના સંસ્કાર ઊજાગર કરતા ઊભી કરી છે.

ઉત્તરાયણના તહેવારમાં ચાઈનીઝ દોરીથી પક્ષીઓના મોટા પ્રમાણમાં મૃત્યુ થાય છે તે ધ્યાનમાં રાખીને ચાઈનીઝ દોરી માટેનો કડક કાયદો અમલમાં લાવી “જીવો અને જીવવા દો” ને ખરા અર્થમાં ચરિતાર્થ કરવું છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ પક્ષીઓના બચાવ માટે કાર્યરત એન.જી.ઓ.ના સ્વયંસેવકો સાથે વાર્તાલાપ કરી જીવદયાના તેમના કાર્યની સરાહના કરી હતી.

કરૂણા અભિયાન શુભારંભના આ પ્રસંગે મેયર શ્રીમતી બિજલબેન પટેલ, વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડૉ. રાજીવકુમાર ગુપ્તા, એ.સી.એફ. શ્રી શકીરા બેગમ, કલેક્ટરશ્રી ડૉ. વિક્રાંત પાંડે તથા વન વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!