‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ : કેવડિયાને રેલવે નેટવર્ક સાથે સાંકળવામાં આવશે

કેવડિયા : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારીના ભાગરૂપે રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાની સાથે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતના છ જેટલા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા અને નિર્ણયો કર્યાં હતાં.

આ મહત્વપૂર્ણ નિર્ણયો મુજબ સરદાર સાહેબની વિરાટ પ્રતિમા-સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળ કેવડીયા સુધી રેલવે લાઈન નાખવાની કામગીરી ઝડપી બનાવાશે. ગરુડ યોજના અન્વયે આગામી વર્ષ-૨૦૧૯માં ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન અને ત્યાં નિર્માણ પામી રહેલ ફાઈવસ્ટાર હોટલ સહિત મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરી પૂર્ણ કરાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તેમજ ડી.એમ.આઈ.સી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં લેવાયેલ નિર્ણય અનુસાર વડોદરામાં દેશની સૌ પ્રથમ રેલ્વે યુનિવર્સિટી માટે નવું મકાન-જમીન વગેરે કાર્યોમાં ગતિ લાવવા સરકાર અને રેલવે બોર્ડ સાથે મળી કામ કરશે. નવી દિલ્હી ખાતેની બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ  અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.

error: Content is protected !!