હજુ અનિશ્ચિત પણ અમદાવાદ અને સુરતમાં કેટલાક થિયેટર/મલ્ટીપ્લેક્સમાં પદ્માવત રીલીઝ કરે તો એસઆરપી પ્રોટેક્શન અપાશે

અમદાવાદઃ લાંબા સમયથી વિવાદમાં સપડાયેલી ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ દેશભરમાં રીલીઝ થવાની છે. ત્યારે ફિલ્મની રીલીઝ પર અગાઉ પ્રતિબંધ લગાવનાર ચારેય રાજ્યોમાં તોફાની તત્વો દ્વારા વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ફિલ્મનું ગુજરાતમાં પ્રદર્શન ન કરવાનો નિર્ણય કર્યો છે. તેમ છતાં અમદાવાદના અમુક થિયેટર્સની સુરક્ષા માટે શહેરની પોલીસ કમિશનર કચેરીએ સિનેમાઘર દીઠ એસઆરપીની એક પ્લાટૂન(32 કર્મીઓ) અને એક પીએસઆઈ આપવાનો નિર્ણય કર્યો છે. આ સુરક્ષા અંતર્ગત 10 સિનેમાઘરોને 10 પીએસઆઈ અને 10 પ્લાટૂન ફાળવવામાં આવ્યા છે. ફિલ્મ રીલિઝને લઈ થિયેટર્સ માલિકો પણ હજુ અવઢવમાં છે. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) ના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે, વીએચપી અને બજરંગ દળ 25 જાન્યુઆરીએ લોકશાહી ઢબે ફિલ્મનો વિરોધ કરશે અને ફિલ્મને રીલીઝ થવા દેશે નહીં.

સુરત જિલ્લા ક્લેક્ટર અને થિયેટર માલિકો વચ્ચે યોજાયેલી મિટીંગમાં 24 પૈકી 21 થિયેટરના માલિકો હાજર રહ્યાં હતાં. 8 થિયેટર માલિકોએ ફિલ્મ રિલિઝ કરવા અંગે સહમતિ દર્શાવી હતી અને 16 થિયેટરના માલિકોએ ફિલ્મ રજૂ ન કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ કમિશનરે અગાઉ કહ્યું હતું કે, જે લોકો ફિલ્મ દર્શાવશે તેમને સંપૂર્ણ બંદોબસ્ત આપવામાં આવશે.

થિયેટર માલિકો ફિલ્મના પ્રદશનને લઈને અસમંજસ છે, પ્રશાસન પોતાની તૈયારી છે અને સામે પક્ષે ફિલ્મની રિલીઝને અટકાવવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે તોફાની તત્વો પણ મેદાને હોવાનું  કહેવામાં આવી રહ્યું છે. ત્યારે 25 જાન્યુઆરીએ ફિલ્મ શાંતિપૂર્ણ માહોલમાં રીલીઝ થાય છે કે કેમ તે જોવું રહ્યું.

Related Stories

error: Content is protected !!