અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં 8 ફેબ્રુઆરી,2018 સુધી સુનાવણી સ્થગિત

નવી દિલ્હી, દેશગુજરાત: રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદની માલિકીના વિવાદની સુનાવણી સુપ્રીમ કોર્ટે શરૂ કરી દીધી છે. સુન્ની વકફ બોર્ડની હાજરીમાં એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, આ કેસમાંના દસ્તાવેજો અધૂરા છે. ઉત્તરપ્રદેશ (યુપી) સરકાર તરફથી તુષાર મહેતાએ કહ્યું હતું કે, એવું નથી. કપિલ સિબ્બલે કહ્યું કે, આ નિર્ણય સમગ્ર દેશને અસર કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપે પોતાના ચૂંટણી જાહેરનામામાં અયોધ્યામાં રામ મંદિર બાંધવાની વાત કરી હતી. તેથી, જુલાઈ 2019 સુધી આ કેસની સુનાવણી ટાળવી જોઈએ.

એટલું જ નહીં વકીલ કપિલ સિબ્બલ, રાજીવ ધવન અને દાવેદારોના વકીલોએ કહ્યું હતું કે, આ મુદ્દાના સાત ન્યાયમૂર્તિઓ સાથેની મોટી ખંડપીઠમાં સુનાવણી થવી જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળીને, અદાલતે 8 ફેબ્રુઆરી 2018 સુધી સુનાવણી મોકૂફ રાખી છે.

સુપ્રીમ કોર્ટની સુનાવણી પછી શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું હતું કે સારી વાત એ છે કે સુપ્રીમ કોર્ટે અમારી દ્વારા રજૂ કરવામાં આવેલા ફોર્મ્યુલાને  રેકોર્ડમાં લીધો છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નાઝિર આ ત્રણ સભ્યોની સ્પેશિયલ બેન્ચ અલ્હાબાદ હાઈકોર્ટના 2010ના ચુકાદા સામે ચાર સિવીલ કેસોમાં 13 અપીલની સુનાવણી કરી રહ્યા છે. અદાલતે આ બાબતમાં સ્પષ્ટતા કરી દીધી છે કે, તે આ બાબતને નાગરિક અપીલ સિવાય અન્ય કોઇ ફોર્મની પરવાનગી નહીં આપે અને હાઈકોર્ટ દ્વારા અપનાવવામાં આવેલી કાર્યવાહી સ્વીકારશે.

error: Content is protected !!