એડલ્ટરીને ક્રિમિનલ ઓફેન્સ બનાવી શકાય નહીં, પતિ એ પત્નીનો માલિક નથી: ચીફ જસ્ટિસ દીપક મિશ્રા

નવી દિલ્હી: દેશના 150 વર્ષ જૂના એડલ્ટરી (વ્યભિચાર) કાયદા પર સુપ્રીમ કોર્ટે આજે (ગુરુવારે) મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે,  બંધારણમાં મહિલા અને પુરુષોને સમકક્ષ અધિકારો આપવામાં આવ્યા છે અને કોઇ પણ રીતે મહિલા સાથે અપમાનજનક વ્યવહાર ગેરબંધારણીય છે.

સ્ત્રી-પુરુષના લગ્નેત્તર સંબંધો સાથે સંકળાયેલ આઇપીસીની કલમ-497 પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના વડપણ હેઠળની બંધારણીય બેન્ચે આજે ચુકાદો આપ્યો હતો. આ દરમિયાન બેન્ચે કહ્યું કે, મહિલાઓને સમાજના હિસાબે વિચારવા માટે કહી શકાય નહીં. ચુકાદો સંભળાવતાં મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ વધુમાં કહ્યું કે લોકતંત્રની ખૂબી છે ‘મૈં, તુમ ઔર હમ’. દરેકને સમાન અધિકાર છે અને પતિ પત્નીનો માલિક કે માસ્ટર નથી.

મિશ્રાએ કહ્યું હતું કે, મહિલાને સમાજની ઇચ્છા પ્રમાણે વિચારવાની ફરજ પાડી શકાય નહીં. એડલ્ટરીને ક્રિમિનલ ઓફેન્સ બનાવી શકાય નહીં.સંસદે પણ મહિલાઓ વિરુુદ્ધ ઘરેલુ હિંસા અંગે કાયદો ઘડયો છે.

ચુકાદો આપતા મિશ્રાએ કહ્યું કે, એડલ્ટરી છૂડાછેડાનો આધાર બની શકે, પરંતુ અપરાધ બની શકે નહીં. જોકે નોંધનીય છે કે, બંધારણીય બેન્ચમાં સામેલ વધુ 3 જજ જસ્ટિસ આર.એફ.નરીમાન, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ પોતાનો ચુકાદો આપવાનો હજુ બાકી છે.

ઉલ્લેખનીય છે કે, આઇપીસીની કલમ-497 માત્ર એવા પુરુષને અપરાધી માને છે, જેના કોઇ બીજાની પત્ની સાથે સંબંધ છે. પત્નીને તેમાં અપરાધી માનવામાં આવતી નથી. આ પ્રકારના કેસમાં પુરુષને પાંચ વર્ષ સુધીની જેલ સજાની જોગવાઈ છે. આ સાથે જ જો કોઇ પુરુષ કોઇ પરિણીત મહિલા સાથે તેની સંમતિથી શારીરિક સંબંધો બનાવે છે, પરંતુ તેના પતિની સંમતિ લેતો નથી તો તેને પાંચ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે, પરંતુ જ્યારે પતિ કોઇ બીજી મહિલા સાથે સંબંધ બાંધે છે તો તેને પોતાની પત્નીની સંમતિની કોઇ જરૂર હોતી નથી.

error: Content is protected !!