2002નાં રમખાણો: ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટની રાહત

નવી દિલ્હી, દેશગુજરાત: ગુજરાત સરકારને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના એ આદેશને પલટાવ્યો હતો જેમાં ગોધરા રમખાણો બાદ વર્ષ 2002 દરમિયાન ક્ષતિગ્રસ્ત થયેલાં ધાર્મિક સ્થળોના પુનર્નિર્માણ અને મરમ્મત માટે રાજ્ય સરકારને ખર્ચ આપવા જણાવવામાં આવ્યું હતું.  મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા અને ન્યાયાધીશ પી.સી. પંતની બેન્ચે મંગળવારે હાઈકોર્ટના આદેશની પડકારતી રાજ્ય સરકારની અરજી સ્વીકારીને આ આદેશ આપતાં રમખાણોમાં ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોના નવીનીકરણ-મરમ્મત માટે ગુજરાત સરકારને ખર્ચ આપવો પડશે નહીં.

જો કે, બેન્ચે સાથોસાથ એમ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની રહેણાક અને વ્યાવસાયિક મિલકતોને નુકસાન માટે 50 હજારની રાહતની યોજના ધાર્મિક મિલકતોને પણ લાગુ પડી શકે છે.

રાજ્ય સરકાર તરફથી પેશ થયેલા અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, બંધારણની કલમ-27 હેઠળ કરદાતાને અધિકાર આપવામાં આવ્યો છે કે તેના પાસેથી કોઈ ધર્મને પ્રોત્સાહન આપવા માટે કર લઈ શકાય નહીં, તેથી ધર્મસ્થળોના નિર્માણ માટે સરકારી ખજાનામાંથી રકમ આપવી યોગ્ય રહેશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે સત્તાવાર રીતે એવી નીતિ બનાવેલી છે કે તે ધર્મસ્થળોને થયેલા નુકસાનની ભરપાઈ કરશે નહીં. રાજ્ય સરકારે 2001ના ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલાં ધાર્મિક સ્થળો માટે પણ કોઈ વળતર આપ્યું ન હતું.

હાઈકોર્ટના મામલામાં અરજીકર્તાની સંસ્થા ઈસ્લામિક રિલીફ સેન્ટરના વકીલે આ દલીલનો વિરોધ કરતાં એમ કહ્યું હતું કે, ધાર્મિક સ્થળોની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે. જો કે, અદાલત આ દલીલથી સહમત થઈ ન હતી.

બાદમાં અધિક સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, અમારી અરજીને મંજૂર કરવામાં આવી છે એ ઉપરાંત રાજ્ય સરકારે કોર્ટને એમ પણ કહ્યું હતું કે રમખાણો દરમ્યાન નુકસાન પામેલાં ધાર્મિક સ્થાનો, દુકાનો, ઘરોની મરમ્મત અને પુન:નિર્માણ માટે સહાયતા રકમ આપવા ઈચ્છુક છે. અદાલતે સરકારની આ યોજનાનો સ્વીકાર કર્યો હતો એમ મહેતાએ જણાવ્યું હતું.

error: Content is protected !!