સુરત: જાણીતા સાહિત્યકાર, કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું નિધન

સુરત: જાણીતા સાહિત્યકાર, કવિ અને પત્રકાર ભગવતીકુમાર શર્માનું આજે (બુધવારે) નિધન થતા સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ છે. લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહેલા ભગવતીકુમાર શર્માએ સુરતમાં આવેલા તેમના નિવાસસ્થાને આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો જન્મ 31 મે, 1934માં થયો હતો.  આજે 84 વર્ષની વયે તેમનું નિધન થયું છે. ભગવતીકુમાર શર્માએ ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂકી વાર્તાઓ, કવિતાઓ, લેખો તથા ગઝલો માટે જાણીતા છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન 80થી વધારે પુસ્તકો પણ લખ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભગવતીકુમાર શર્માના સુરતમાં થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોક અને દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી તેમજ સદ્દગતને શ્રધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સદ્દગતને ભાવાંજલી આપતા કહ્યું કે, “ભગવતી કુમાર શર્માના નિધનથી સાહિત્ય જગત અને પત્રકાર ક્ષેત્રને ન પુરાય તેવી ખોટ પડી છે.”

ભાગવતી કુમાર શર્માના નામે અનેક એવોર્ડ અને પુરસ્કારો છે. જેમાં તેમને 1977માં કુમાર સુવર્ણ ચંદ્રક, 1984માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક,  1988માં અસૂર્યલોક નવલકથા માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1999માં સુરતમાં આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડી.લિટ્ટની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ 1999માં ભગવતીકુમાર શર્માને નચિકેતા પુરસ્કાર, 2003માં કલાપી પુરસ્કાર, 2011માં પત્રકારત્વ માટે હરીન્દ્ર દવે સ્મૃતિ પુરસ્કાર અને સાહિત્યમાં યોગદાન માટે વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર તેમજ 2017માં તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાહીત્યરત્ન એવોર્ડ મળ્યો હતો.

ભગવતીકુમાર શર્માએ સાહિત્ય જગતમાં પોતાની કિર્તી એવી રીતે દર્શાવી કે તેમના સ્વર્ગવાસ બાદ પણ તેમના દ્વારા લખાયેલું સાહિત્ય સાહિત્ય જગતમાં ઝળહળતું રહેશે.

error: Content is protected !!