સુવિધા અને સુંદરતાના મિશ્રણ સમો સુરતનો કેબલ બ્રીજ બીજી ઓક્ટોબરે ખુલ્લો મુકાશે, વાંચો તેની ખાસિયતો

સુરત,શુક્રવાર: રૂા.૧૪૩.૬૪ કરોડના ખર્ચે તૈયાર થઈ ચૂકેલા સુરતના અડાજણ અને અઠવાલાઈન્સને જોડતા નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ પર વાહન ચલાવવા સુરતવાસીઓ તૈયાર થઇ જાઓ. કારણ કે બ્રિજની બંને તરફ વાહન વ્યવહાર ધરાવતા રાજ્યના આ પહેલા ટુ-વે કેબલ સ્ટેઈડ બ્રિજ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય’ કેબલ સ્ટેઈડ બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૨જી ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યું છે.

મુખ્યમંત્રી રૂ.૩૦.૯૧ કરોડના ખર્ચે સુરત-ડુમસ જતાં માર્ગ પર નવી કોર્ટ બિલ્ડીંગ જંકશન પર ફલાય ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કરશે. સુરતીઓ જેની કાગડોળે રાહ જોઇને બેઠા હતા તે કેબલ બ્રિજની સુરતને ભેટ ધરવા માટે મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લા મૂકાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ વન-વે છે, જ્યારે સુરતનો બ્રિજ ટુ-વે છે. ભરૂચના બ્રિજમાં કેબલ પર ૪૦ ટકા લોડ અને સ્ટ્રકચર પર ૬૦ ટકા લોડ હોય છે. જેને ‘એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ’ તરીકે પણ ઓળખવામાં આવે છે સુરતના બ્રિજનો સંપૂર્ણ લોડ કેબલ પર જ નિર્ભર છે. જેથી તાપી નદી પરનો આ કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આ જ પ્રકારનો બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.

ચાર લેન ધરાવતાં આ બ્રિજની લોડ ટેસ્ટીંગ સહિતની ફાઈનલ ટચિંગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે. તાપી નદી પર અડાજણ સ્ટાર બજારથી અઠવાલાઈન્સને જોડતાં કેબલ બ્રિજના લોકાર્પણની સુરતવાસીઓ ઘણા સમયથી કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારના ૫ લાખથી વધારે લોકોને અઠવા, ડુમસ, વેસુ તથા પીપલોદ જવા એક મહત્વનો લિંક રોડ મળ્યો છે. અઠવા અને અડાજણ વિસ્તારની ટ્રાફિક સમસ્યાને આ બ્રિજ મહદ્ અંશે દૂર કરશે અને વાહનચાલકો માટે આશીર્વાદરૂપ બનશે.

શહેરના ૧૦૦થી વધુ બ્રિજોમાં બે પિલર વચ્ચે સામાન્ય રીતે ૫૦ મીટરથી વધુ જગ્યા રાખવામાં આવી નથી, ત્યારે આ અનોખા કેબલ સ્ટેઈડ બ્રિજમાં ૧૫૦ મીટરનો સ્પાન મુખ્ય બે પિલર પર સપોર્ટ વગર જ ઉભો છે, જે આ કેબલ બ્રિજની ખાસિયત છે.

– બ્રિજ પર બંને તરફ વાહનો અવર જવર કરી શકશે:

દેશનું ડાયમંડ સિટી, ટેક્ષટાઈલ સિટી પછી બ્રિજ સિટી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર સુરતમાં આજ સુધીમાં ૧૦૦ થી પણ વધુ બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. સુરતનો કેબલ બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે સુરત રાજ્યના પહેલા કેબલ બ્રિજના નિર્માણનો જશ ખાટી જશે.
આ બ્રિજની લંબાઈ ૧૩૪૪ મીટર, પહોળાઈ ૨૧ મીટર, સ્પાનની લંબાઈનો રેશિયો ૧:૫ અને ટાવરની ઊંચાઈનો રેશિયો ૧:૧૦ નો રહેશે, ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા પિલર તેમજ બંને તરફ વાહન વ્યવહાર માટે ૪ લેન ધરાવે છે.

– લોડ ટેસ્ટીંગમાં આ બ્રિજ પાસ થયો છે:

કેબલ સ્ટેઈડ બ્રિજને જાહેરજનતા માટે ખૂલ્લો મૂકતા પહેલા એલ એન્ડ ટીની ગાઇડલાઇન પ્રમાણે બ્રિજ પર ૨૩ ટન રેતી ભરેલી એક ટ્રક એવી કુલ રેતી ભરેલી ૧૨ ટ્રકોનું ૨૭૭ ટન વજન મૂકી બે દિવસ સુધી લોડ ટેસ્ટીંગ હાથ ધરાયું હતું. ચાર દિવસ સુધી બ્રિજમાં થતાં ફેરફારોનું સતત રીડિંગ લેવામાં આવ્યું હતું.

અન્ય બ્રિજ કરતાં આ રીતે જુદો છે કેબલ બ્રિજ:
– કુલ 88 ટન વજન ધરાવતા ૧૬૩૨ કેબલનો ઉપયોગ
– દરેક કેબલ જુદી જુદી સંખ્યાના નાના સ્ટે કેબલોનાં સમૂહથી બનેલો છે.
– બે મુખ્ય પિલર પર ૧૫૦ મીટર લાંબો સ્પાન
– બ્રિજની કુલ લંબાઇ ૯૧૮.૨૧ મીટર
-૮૫૦૦ ઘન મીટરથી વધુ કોન્ક્રીટનો ઉપયોગ
-૬૫ હજારથી વધુ સિમેન્ટ બેગ વપરાઇ
-૨ હજાર ટન જેટલા સ્ટ્રક્ચરલ સ્ટીલનો વપરાશ
– બ્યુટિફીકેશન માટે કોનિકલ સ્ટ્રીટ લાઈટ પોલ મુકાયા
-પોલ પર કારમાં કરાતા પીયુ કોટિંગ પેઈન્ટનો ઉપયોગ
– અલગ અલગ કેપેસીટી ધરાવતી એલઈડી પ્રકારની લાઈટિંગ
– બ્રિજ ઉભો છે તે બંને તરફ ૧૧૫ ફૂટ હાઈટના બે ‘પાઈલોન’
– એક પાઈલોનમાં બંને તરફ ૧૦-૧૦ એમ બંને પાઈલોનમાં ૨૦-૨૦ કેબલનો ઉપયોગ

કેબલ સ્ટેઈડ બ્રિજના લોકાર્પણની સાથોસાથ સુરત મહાનગરપાલિકાના રૂા.૬૮૧.૫૫ કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીશ્રી સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં લોકાર્પિત થનાર વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ કરશે.

મુખ્યમંત્રીશ્રી કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બ્રિજના અડાજણ તરફના છેડે સિટી બસ, ફાયરના વાહનો અને સાધનોને ફ્લેગ ઓફ, બ્રિજના અડાજણ તરફના છેડે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશની ગ્રાંટમાંથી ફાળવવામાં આવેલી શબવાહિનીને ફલેગ ઓફ આપશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આગામી ૨જી ઓક્ટો.-ગાંધી જયંતિ દિને સુરતવાસીઓને નવલા નજરાણા સમાન કેબલ સ્ટેઈડ બ્રિજ અને કરોડોના વિકાસકામોની ભેટ ધરશે. તેઓ રૂા.૧૪૩.૬૪ કરોડના ખર્ચે નિર્મિત કેબલ સ્ટેઈડ બ્રિજ સહિત કુલ રૂ.૨૯૧.૭૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસકામોનું ખાતમૂહુર્ત કરશે, જેમાં ટ્રાફિક સેલ દ્વારા રૂ.૮૦ કરોડના ખર્ચે પ્રથમ ચરણમાં ૧૦૦ સિટી બસ અને બીજા ચરણમાં ૨૦૦ સિટી બસની સેવા ઉપલબ્ધિનું કામ તેમજ બ્રિજ સેલના રૂ.૩૦.૯૧ કરોડના ખર્ચે સુરત- ડુમસ જતાં માર્ગ પર નવી કોર્ટ બિલ્ડીંગ જંકશન પર ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે કુલ રૂ. ૫૩૩.૮૩ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિકાસકામોનો સમાવેશ થાય છે. જેમાં સુડા અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂ.૧૭૯.૩૧ કરોડના ખર્ચે નિર્મિત થનાર તાપી નદી ઉપર વાલક નજીક બ્રિજ બનાવવાનું કામ, સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા રૂ.૨૭૫.૯૧ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈ.ડબલ્યુ.એસ.-૨ કેટેગરીના ૩૮૬૮ આવાસ બનાવવાનું કામ, ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ.૩૨.૭૫ કરોડના ખર્ચે પરવટ ગામની બાજુમાં લિંબાયત ઝોન ઓફિસ પાસેના મીઠીખાડી ઉપરના બ્રિજને સંલગ્ન વેહીકયુલર એપ્રોચ બનાવવાના કામનો સમાવેશ થાય છે. તેમજ વિવિધ ઝોન વિસ્તારમાં રૂ.૪૫.૫૧ કરોડના અન્ય વિશેષ ૧૦ કામોનું લોકાર્પણ અને રૂ.૩૭.૧૬ કરોડના ૨૨ કામોના ખાતમૂહુર્તની તકતીઓનું અનાવરણ કરશે.

મુખ્યમંત્રીશ્રી સાથે મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, મેયરશ્રી ડો. જગદીશભાઈ પટેલ પણ જોડાશે.

error: Content is protected !!