3.37 કરોડની જુની ચલણી નોટો સાથે 3 આરોપીઓને ઝડપી પડતી સુરત પોલીસ

સુરત: સુરતના વેસુ વીઆઈપી રોડ પર જૂની નોટ બદલવા કારમાં પૈસા લઈને પહોંચેલા 3 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. કારમાંથી પોલીસે 3 કરોડ 37 લાખની 500 અને 1000ની જૂની ચાલણી નોટો જપ્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે,  8મી નવેમ્બર 2017ના રોજ સાંજે 8:00 વાગ્યે જ ચલણમાંથી 500 અને 1000ના દરની જૂની નોટો રદ્દ કરવામાં આવી હતી. જે બાદ તેને બેંકમાં જમા કરાવવા માટે 2 મહિના જેટલો સમય પણ આપવામાં આવ્યો હતો. પરંતુ કાળુંનાણું  ધરાવતા અમુક લોકો તે સમયે મોટી રકમ બેંકમાં જમા કરાવી નહોતી. જેના કારણે આજે પણ જૂની નોટની હેરાફેરી સામે આવી રહી છે.

સુરતના જૂની ચલણી નોટ બદલાવ માટે કાર લઈને 3 શખ્સો આવી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે ખટોદર પોલીસે વોચ ગોઠવી   વીઆઇપી રોડ પરથી પસાર થતી ઇન્ડિકા કાર (જીજે 5 સીજી 0531)ને ઝડપી પાડી ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન પોલીસે કારમાંથી 1000 ના દરની અને 500 ના દરની જૂની નોટોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. નોટબંધી પહેલાના ચલણ પ્રમાણે પકડાયેલી આ જૂની નોટોની કિંમત 3 કરોડ 37 લાખ થાય છે. જૂની ચલણી નોટો સાથે ઝડપાયેલા 3 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ પોલીસે આ જૂની ચલણી નોટ કોને આપવાના હતાં અને બદલમાં કેટલા રૂપિયા લેવાના હતા તે અંગે ત્રણેય આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં (1) ગંગાસિંગ ખીમસિંગ રાજપૂત (ઉ.વ.33) રહે આશાપુરી ગોપાલાનગર બારડોલી, (2) શેખ લતીફ શેખ રફિક (ઉ.વ.30) રહે આશિયાના નગર ગાંધી રોડ બારડોલી અને (3) મોહમ્મદ જાવેદ મોહમ્મદ અલી શેખ (ઉ.વ.30) ઉમરવાડા ટેનામેનટ સલાબતપુરાનો સમાવેશ થાય છે.

પોલીસે જપ્ત કરેલી જૂની નોટોમાં 500ના દરની કુલ નોટ 24 હજાર નોટ, જેની કિંમત 1 કરોડ 20 લાખ થાય છે તેમજ 1000ના દરની કુલ નોટ 21 હજાર 600 જે કુલ 2 કરોડ 16 લાખની થાય છે. આ સાથે જ મોબાઈલ ફોન નંગ 3, ટાટા ઈન્ડિકા કાર સહિતનો જથ્થો કબ્જે કરી ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!