સુરત એસઓજીએ ચોટલો કપાવાની ઘટનાનો કેસ ઉકેલ્યો

સુરત, દેશગુજરાત: છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ બનેલા ચોટલા કાપવાની ઘટના અંગે સુરતમાં  પણ ફરિયાદ સામે આવી હતી. શનિવારે સુરતથી લઈને અમદાવાદ સુધીમાં ચોટલા કપાવાની કેટલીય ઘટનાઓ સામે આવી હતી. ચોટલા કાપવાની ઘટના બનતા રાજ્યના સુરત, અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં દહેશતનો માહોલ ઉભો થયો છે. ઠેરઠેર આ વિષયની જ ચર્ચા લોકમુખે સંભાળવા મળી રહી છે.

સુરતના ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારમાં રહેતી રીંકુ દેવી નામની મહિલાનો ચોટલો કપાયો હોવાના વાત સામે આવતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. ઘરના બધા દરવાજા બંધ હતા છતાં રાત્રીના સમયે કોઈ આવીને મહિલાનો ચોટલો કઈ રીતે કાપી જાય તે બાબતને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા. જે અંગે તપાસમાં જોતરાયેલી સુરત SOGએ  ગણતરીના સમયમાં જ  કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એસઓજી દ્વારા રીંકુ દેવીની ઉલટ તપાસ હાથ ધરી કડક પૂછપરછ કરવામાં આવતા રીંકુ દેવીએ કબુલ્યું હતું કે, તેને જાતે જ પોતાના દાંત વડે પોતાનો ચોટલો કાપ્યો હતો અને અન્ય કોઈ તેનો ચોટલો કાપી ગયું હોવાની વાત વહેતી કરી હતી.  જોકે રીંકુએ આવું શા માટે કર્યું તે અંગે પૂછવામાં આવતા રીંકુએ કહ્યું કે હું પાગલ જેવી થઇ ગઈ હતી અને મને કંઈ સમજ પડતી નહોતી એટલે મેં જ મારા દાંત વડે ચોટલો કાપી નાખ્યો હતો.

error: Content is protected !!