સુરતની નિશિતા પુરોહિત AIIMSની રાષ્ટ્રિય સ્તરની MBBS પ્રવેશ પરીક્ષામાં 100% સાથે અવ્વલ

નવી દિલ્હી, દેશગુજરાત: સુરતની નિશિતા પુરોહિતે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ (AIIMS)ની MBBS એન્ટ્રન્સ એક્ઝામ ટોપ કરી છે. નિશિતાને 100% પર્સેન્ટાઈલ્સ મળ્યા છે.

હાલમાં જ જાહેર થયેલા CBSCના પરિણામોમાં નિશિતાએ 91.4% માર્ક્સ મેળવ્યા હતા. નિશિતા નેશનલ લેવલની બાસ્કેટબોલ ખેલાડી પણ રહી ચુકી છે. નિશિતાએ કોટાના એલન કોચિંગ સેન્ટરમાં કોચિંગ લીધું હતું અને આ સેન્ટરે AIIMSની એન્ટ્રન્સ ટેસ્ટના ટોપ 10 વિદ્યાર્થીઓ પોતાના જ ઇન્સ્ટીટયુટમાં ભણ્યા હોવાનો દાવો કર્યો છે.

નિશિતાએ પોતાની સિધ્ધી પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તે ટોપ કરશે એવી તેને આશા ન હતી પરંતુ તે AIIMSમાં સિલેક્ટ થઇ જશે તેવો વિશ્વાસ જરૂર ધરાવતી હતી. નિશિતા દિલ્હીની AIIMSમાં રેડિયોલોજી ભણવા માંગે છે.

આ સફળતા માટે નિશિતા તેના માતા-પિતા તેમજ ઇન્સ્ટીટયુટનો આભાર માને છે. નિશિતા રોજ 6 કલાક ઇન્સ્ટીટયુટમાં ભણતી અને 6 કલાક ઘરે અભ્યાસ કરતી હતી. તેના કહેવા અનુસાર ક્લાસનું શિક્ષણ તેને ખુબ કામ આવ્યું હતું, ત્યારબાદ હોમવર્ક અને રિવિઝને પણ ખુબ મદદ કરી હતી. તેણે નોટ્સ લખી હતી પરંતુ તેના પર તેણે ખુબ ઓછો મદાર રાખ્યો હતો.

નિશિતા તેના માતા ઉપરાંત અમેરિકા રહેતા તેના ભાઈનો પણ આભાર માને છે. નિશિતાના કહેવા અનુસાર તેનો ભાઈ કાયમ તેનો પ્રેરણાસ્ત્રોત રહ્યો છે. આ સમગ્ર અભ્યાસ દરમિયાન નિશિતા ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયાથી દુર રહી હતી અને વ્હોટ્સ અપનો ઉપયોગ માત્ર ટીચર્સના સંપર્કમાં રહેવા માટે કરતી હતી.

AIIMSની MBBS એન્ટ્રન્સ એકઝામમાં કુલ 2,84,737 વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી 4905 વિદ્યાર્થીઓ ક્વોલીફાય થયા છે. આ વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ નવી દિલ્હી, પટના, ભોપાલ, ભુવનેશ્વર, ઋષિકેશ, રાયપુર અને જોધપુરના AIIMSમાં કરશે.

error: Content is protected !!