રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે શું આરએસએસમાં કોઈ છોકરીને શોર્ટ્સ પહેરતા જોઈ છે? સુષ્મા સ્વરાજે આપ્યો જવાબ

અમદાવાદ, દેશગુજરાત: રાહુલ ગાંધીના છોકરીઓને શોર્ટ્સ પહેરવા અંગેના નિવેદન અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો છે. ગુજરાત ભાજપના ‘સંવાદ’ કાર્યક્રમમાં જામનગરની એક મહિલાએ સુષ્મા સ્વરાજને પૂછ્યું કે, ‘રાહુલ ગાંધીએ તાજેતરમાં પૂછ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)માં કોઈ છોકરીને શોર્ટ્સ પહેરતી જોઈ છે? નેતાઓને આવી વાત કરવાનું શોભે નહીં, આ અંગે તમારું શું કહેવું છે?’ આ સવાલના જવાબમાં સુષ્મા સ્વરાજે કહ્યું, ‘આ વિષયમાં મારું પણ એ જ કહેવું છે. નેતાઓને આ પ્રકારની ભાષા ન શોભે. રાહુલ કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ છે અને તેના અધ્યક્ષ બનવાની પણ ચર્ચા ચાલી રહી છે. જો તેઓ અમને પૂછે કે આરએસએસમાં મહિલાઓને શોર્ટ્સ પહેરવાની પરવાનગી શા માટે નથી? તો હું જરૂર તેમને જવાબ આપું અને તાર્કિક જવાબ આપું, પરંતુ જે અયોગ્ય અને અભદ્ર ભાષામાં તેમણે તે સવાલ પૂછ્યો છે, તેના પરથી મને લાગે છે કે તે અભદ્ર સવાલનો જવાબ આપવો યોગ્ય જ નથી અને તેથી જ હું તે સવાલનો જવાબ આપવા માગતી નથી’.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત પ્રવાસ દરમિયાન બીજા દિવસે મંગળવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા આરએસએસને આડ હાથ લીધો હતો. રાહુલે કહ્યું કે, ભાજપ અને આરએસએસની વિચારસરણી છે કે, જ્યાં સુધી મહિલાઓ ચુપ છે ત્યાં સુધી બરાબર છે. પરંતુ જો મહિલાઓ પોતાનું મોં ખોલે તો તેઓને તુરંત જ ચુપ કરાવી દેવામાં આવે છે. આરએસએસમાં કેટલી મહિલાઓ છે? શું શાખા (આરએસએસ)માં મહિલાઓને ક્યારેય શોર્ટ્સમાં જોઈ છે? મે તો નથી જોઈ.

કોંગ્રેસના વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમમાં રાહુલે કહ્યું કે, જ્યારે તમે સેલ્ફી લ્યો છો ત્યારે તમે ચીનની મદદ કરો છો. કારણ કે, ફોન પર લખેલું હોય છે ‘મેડ ઇન ચાઈના’. તમે આવું શા માટે કરી રહ્યા છો? કારણ કે, આપણા દેશનું ધ્યાન આપણા નેતૃત્વનું ધ્યાન નોકરી પર નથી.

ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના શોર્ટ્સવાળા નિવેદનને લઈને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ગુજરાત ભાજપના મહિલા મોરચાના પ્રમુખ સહીત અન્ય નેતાઓએ વળતો જવાબ આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલને કહ્યું કે, ભારતમાં શોર્ટ્સ પહેરવું એ મહિલા સશક્તિકરણની નિશાની હોય તો એક મહિલા તરીકે હું આ વાતને નામંજૂર કરું છું. સ્મૃતિએ ઉમેર્યું કે, રાહુલ ગાંધીનું નિવેદન સંઘમાં જોડાયેલી મહિલાઓ સહીત સંઘના કાર્યકરોની  બહેનો, પત્નીઓ અને ભાભીઓ માટે અભદ્ર નિવેદન છે.

error: Content is protected !!