તાતા મોટર્સ નેનોનું સ્થાનિક બજાર માટે ઉત્પાદન ક્રમશઃ બંધ કરે તેવી શક્યતા

મુંબઈ, દેશગુજરાત: રતન તાતાનું સ્વપ્ન જે દુનિયાની સૌથી સસ્તી કાર ભારતમાં ઉપલબ્ધ કરાવવાનું હતું અને જેમાંથી તાતા નેનોનો જન્મ થયો તે કારનું ઉત્પાદન તાતા મોટર્સ હવે ધીમેધીમે બંધ કરવા જઈ રહ્યું છે.

આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ એ છે કે નેનોના વેચાણમાં છેલ્લા એક થી બે વર્ષમાં બિલકુલ વધારો થયો નથી. આ ઉપરાંત આવનારા વર્ષોમાં ભારતમાં કાર ઉત્પાદન માટે કેટલાક કડક ધારાધોરણો પણ અમલમાં આવવાના છે જેની સાથે નેનો ઓછી કિંમતે મળનારી કારની ઓળખ લઇને તાલ મિલાવી શકે તેમ નથી.

વર્ષ 2019માં ભારતમાં બનતી તમામ કારોએ ક્રેશ ટેસ્ટ પાસ કરવાનો ફરજીયાત બની જશે જેના માટે નેનો તૈયાર નથી.

આ ઉપરાંત 2020માં ભારત VI નિયમો પણ લાગુ પડી જશે જેનાથી ગ્રાહકો પોતાની કારમાં શું સુવિધાઓ ઈચ્છે છે તે વધારે મહત્ત્વ ધરાવશે અને તે ઉપરાંત હેચબેકનો નિયમ પણ ભારત VI હેઠળ ફરજીયાત બનતા નેનોમાં એ સુવિધા આપવી શક્ય નહીં હોય.

આ ઉપરાંત ગત વર્ષના મે મહિનામાં તાતા નેનોની માત્ર 355 કાર જ વેંચાઈ હતી જે તેના વેચાણમાં 58 ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે. ત્યાર બાદ સતત છ મહિના વેચાણનું આ સ્તર જળવાઈ રહ્યું હતું.

દુનિયાની સૌથી સસ્તી કાર ઉત્પાદિત કરવાની મહેચ્છા ધરાવવાને બદલે તાતા મોટર્સ હવે નફા અને માર્જીનમાં વધારો કરવાના દબાણને પહોંચી વળવાનું નક્કી કરી ચુક્યું છે અને આથી જ તે નેનોમાં હવે વધારે રોકાણ કરવા માંગતુ નથી.

જો કે તાતા મોટર્સ વિદેશોમાં નેનોની નિકાસ કરવાનું ચાલુ રાખશે. શ્રીલંકા અને અન્ય માર્કેટોમાં નેનો સારો દેખાવ કરી રહી છે.

error: Content is protected !!