ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ 2018માં 10 એમઓયુ ઉપર હસ્તાક્ષર

ગાંધીનગર: સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, સમાજમાં નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને સન્માન સાથે રોજગારી અપાવવાના ઉદ્દેશ્ય સાથે સરદારધામ દ્વારા આયોજીત ત્રણ દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનો આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરિયા સહિતના મહાનુભાવોએ દિપપ્રાગ્ટય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પ્રસંગે દેશ અને વિદેશના પ્રથમ હરોળના 10,000થી વધુ પાટીદાર ઉદ્યોગપતિઓને સંબોધન કરતાં ગગજીભાઇ સુતરિયાએ કહ્યું હતું કે, પાટીદાર સમાજે નારી શક્તિ અને સામાજીક એકતા દ્વારા સમાજ નિર્માણથી દેશ નિર્માણનું અભિયાન શરૂ કર્યું છે. પાટીદારો આ પ્રકારની સમીટનું આયોજન કરનાર પ્રથમ સમાજ છે અને મીશન 2026 અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઇને આઇએએસ અધિકારી સુધી 10,000 પાટીદાર યુવાનોને વહીવટીતંત્રમાં મોકલવાના ઉદ્દેશ્યને સાકાર કરવા માટે દેશ-વિદેશના 10,000 જેટલાં પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા અન દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે.

આપણા દિકરા-દિકરીઓ ભટકી ન જાય તથા તેઓ સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બંન્નેની ફરજ છે. સરદારધામ માત્ર એક સંસ્થા નહીં, પરંતુ વિચાર છે અને આ સપનાને સાકાર કરવા માટે સમસ્ત પાટીદાર સમાજ, ઉદ્યોગપતિઓ ભેગા મળીને કામ કરશે અને મજબૂત સમાજના નિર્માણમાં યોગદાન આપશે.

સમાજ સેવાથી રાષ્ટ્રસેવા દ્વારા શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સમાજ વર્ગોને સૌના સાથ સૌના વિકાસના ભાવથી પ્રેરિત થવાનું આહવાન કરતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, સમાજ સમાજ વચ્ચે અંતર ઘટાડી હર કોઇ શિક્ષિત-દિક્ષીત- રોજગાર પ્રાપ્ત બને પીડિત-શોષિત- વંચિત પ્રત્યેકને વિકાસના અવસર મળે તે માટે સમાજના વર્ગોમાં રચનાત્મક અભિગમ આવશ્યક છે.

રૂપાણીએ સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા યોજાયેલી આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટનો સંકલ્પ, સમાજ કલ્યાણ-ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, અન્ય સમાજના વર્ગો માટે પણ સમાજ સેવાથી રાષ્ટ્રસેવાનો પથ આ સમિટ દર્શાવશે. પાટીદાર સમાજ પ્રામાણિક, પરિશ્રમી અને વિકાસને સમર્પિત સમાજ છે. તેમણે ઉમેર્યું કે, ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતા પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોને ઊદ્યોગ-સ્વરોજગાર અને સરકારની સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે તે યુવાનોને જોબ સીકર નહિ, જોબ ગીવર બનાવશે જ.

રાજ્યની વિકાસયાત્રાના પાયામાં પાટીદાર સમાજના પ્રદાનનો ઉલ્લેખ કરતાં રૂપાણીએ કહ્યું કે, ઊદ્યોગ સાહસિકતા, નવું સાહસ કરવાની હિંમત, જોશ અને ધગશને પરિણામે જ આ સમાજ MSME, મેન્યુફેકચરીંગ સેકટર, જેવા ઊદ્યોગ ક્ષેત્રે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર પણ આવા સમાજ સેવા કાર્યમાં પ્રોત્સાહન પુરૂં પાડશે. ‘‘સબ સમાજ કો લિયે સાથ મેં આગે હૈ બઢતે જાના’’ના ભાવ સાથે યુવાનોને કામ-યોગ્ય સન્માન અને સ્થાન આપી ગાંધી-સરદારના ગુજરાતને ગૌરવ પ્રતિષ્ઠા અપાવવા મુખ્યમંત્રીએ આવી સમિટના આયોજનને બિરદાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સાચ અર્થમાં સર્વગ્રાહી વિકાસથી ‘‘ચલો જલાયે દિપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ નો મંત્ર સૌ સમાજ-વર્ગો સરકાર સાથે મળીને પાર પાડશે તેવી મનસા વ્યકત કરી હતી. સરદારધામના મહામંત્રી જશવંતભાઇ પટેલ દ્વારા જીપીએસસી અને યુપીએસસી સ્પર્ધાત્મક પરિક્ષાઓના તાલીમ કેન્દ્ર માટે કરાયેલા રૂ. 5 કરોડના દાનને પણ રૂપાણીએ બિરદાવ્યું હતું.

આ અવસરે પંચામૃતશકિત યોજના અન્વયે મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં નવયુવકોને નવા ઊદ્યોગ સ્થાપવા, સ્વરોજગાર. ઉચ્ચ સ્પર્ધાત્મક પરિક્ષાઓનું માર્ગદર્શન વગેરે માટેના એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. આ હેઠળ સિવિલ સર્વિસિસ, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, સરકારી યોજનાઓનું માર્ગદર્શન, મહેસુલ માર્ગદર્શન અને કાનૂની માર્ગદર્શનનો સમાવેશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ વિશ્વભરના પાટીદાર પરિવારોનો સેતુ બની છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો. આ સમિટથી સમાજના યુવાનોને ઊદ્યોગ-શિક્ષણ- સ્વરોજગારી ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે તેમ તેમણે કહ્યું હતું. નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમાજ દ્વારા ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહાઅભિયાનને સફળતાની શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય સમીટમાં દેશ-વિદેશના પ્રખર વક્તાઓ દ્વારા 6000 ઉદ્યોગપતિઓની કોન્ફરન્સને સંબોધન કરવામાં આવશે તેમજ ત્રણ લાખથી વધુ લોકો કોન્ફરન્સ અને એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત લેશે તેવું આયોજન કરાયું છે. સમીટના પ્રથમ દિવસે સરદારધામ દ્વારા પાટીદાર ઉદ્યોગરત્ન એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી અને સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓને સન્માનવામાં આવ્યાં હતાં.

આ અવસરે અમેરિકાથી ડો. કિરણ પટેલ અને ડો. વિઠ્ઠલ ધડુક તથા ગણપતભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ, ઊર્જામંત્રી સૌરભભાઇ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી કુમાર કાનાણી, ધારાસભ્યો પરેશ ધાનાણી, ભૂપેન્દ્રભાઇ પટેલ, વિવેકભાઇ પટેલ તેમજ પાટીદાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!