છેક 1990થી અમરનાથ યાત્રા પર હુમલા થયા છે: ગૃહ મંત્રાલય

નવી દિલ્હી, દેશગુજરાત

લોકસભામાં આજે એક પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હંસરાજ આહિરે જણાવ્યું હતું કે 1990 થી 2017 સુધીના તાજા કરવામાં આવેલા આંકડા અનુસાર અમરનાથ યાત્રા પર કુલ 36 હુમલાઓ થઇ ચૂક્યા છે.

લોકસભામાં સભ્યો સુભાષ પટેલ અને અજય મિશ્રા ટેનીએ આ અંગે સવાલ પૂછ્યો હતો.  હંસરાજ આહિરે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરની રાજ્ય સરકાર સાથે મળીને અમરનાથ યાત્રાની સુરક્ષા અત્યંત કડક કરવા માટે વધારાના સુરક્ષા દળ નિયુક્ત કરવા સંભવિત દરેક પગલાં લઇ રહી છે.

1990 થી અત્યારસુધી અમરનાથ યાત્રા પર જે 36 આતંકવાદી હુમલા થયા તેમાં 53 યાત્રીઓના મૃત્યુ થયા છે અને 167 યાત્રીઓ ઘાયલ થયા છે.

અમરનાથ યાત્રાનો સમય અમરનાથ શ્રાઈન બોર્ડ વર્ષ દરમિયાન પડેલા બરફની માત્રા અનુસાર નક્કી કરતું હોય છે. જો કે આ યાત્રા પરંપરા અનુસાર રક્ષાબંધનના દિવસે પૂર્ણ થઇ જાય છે. આમ દર વર્ષે યાત્રાના કુલ સમયમાં ફેરફાર થતો રહેતો હોય છે.

error: Content is protected !!