રાજ્યભરમાં 14મી જાન્‍યુઆરીથી પ્રાણી કલ્‍યાણ પખવાડિયું ઉજવાશે

ગાંધીનગર: રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષે જાન્‍યુઆરીના બીજા પખવાડિયામાં તા. ૧૪ થી ૩૧મી જાન્‍યુઆરી-૨૦૧૮ દરમિયાન પ્રાણી કલ્‍યાણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ પખવાડિયા દરમિયાન અબોલ પશુધન પ્રત્‍યે પ્રેમભર્યું માયાળુ વર્તન રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે. જનતાને જાગૃત કરી પ્રાણીઓ પ્રત્‍યે પ્રેમ દાખવી પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગીતા અને આર્થિક ઉપયોગીતા અંગે પ્રાણીઓના યોગદાન અંગેની બાબત ધ્‍યાને લઇ પ્રાણીઓ આપણા જીવન સાથે સંકળાયેલ હોઇ તેને મહત્‍વ આપવા લોક સંદેશ જનતા સુધી પહોચાડવા આ પખવાડિયાની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતા દ્વારા આ પ્રમાણેની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પખવાડિયા દરમિયાન પશુપાલન ખાતાનાં ક્ષેત્રિય કક્ષાના અધિકારીઓ દ્વારા પ્રાણી કલ્‍યાણનું કામ કરતી સંસ્‍થાઓની મુલાકાતો યોજીને પ્રાણીઓ પ્રત્‍યે માયાળુ વર્તન રાખવા સંબંધિતોને માર્ગદર્શન આપવામાં આવે છે. ખાતા તેમજ પ્રાણી કલ્યાણ માટે કામ કરતી વિવિધ સંસ્‍થાઓ દ્વારા સર્જીકલ કેમ્‍પ, પશુવંધ્‍યત્‍વ નિવારણ કેમ્‍પ, મેળા વિગેરેનું આયોજન કરી પશુઓના આરોગ્‍યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને કેન્‍દ્રમાં વધુમાં વધુ પશુઓ લાભ લઇ શકે તે માટે સંનિષ્‍ઠ પ્રયત્‍નો હાથ ધરવામાં આવે છે. પ્રાણીકલ્‍યાણ અને પ્રાણીઓ પ્રત્‍યે પ્રેમ દયા રાખવા મહત્વ આપવું અને પ્રાણીઓની આપણા જીવનમાં ઉપયોગિતા વિશે ચર્ચાઓ, વકૃત્‍વ સ્‍પર્ધાઓ, સ્‍કૂલ, કોલેજ તેમજ શાળાઓ અને કન્‍યા કેળવણી મંડળો, નગરપંચાયતો, ગ્રામ પંચાયતોના સંકલનમાં રહી યોજવા માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે.

પ્રાણી દ્વારા સંચાલિત વાહનમાં વધુ વજન ન ભરવા, ઋતુચક્ર પ્રમાણે પ્રાણીઓની બેઠક સુવિધા ઉભી કરવા, પ્રાણીઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા તેમજ પ્રાણીઓની પીડા મૂકિત અંગે લોકોને સમજ આપી ઈરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં ભરવા જણાવવામાં આવે છે. આ અંગેની કાયદાકીય જોગવાઇઓ વિષે લોકોને વાકેફ કરવામાં આવે છે. આ પખવાડિયાની ઉજવણી દરમિયાન માનવસર્જિત બનાવો ટાળવા જેવાં કે રસ્‍તામાં રખડતા પ્રાણીઓ ખોરાકમાં પ્‍લાસ્‍ટીકની કોથળીઓ ખાય છે, તેથી આવી કોથળીઓ ખાવાને કારણે પશુના આરોગ્‍યને ખુબજ નુકસાન થાય છે. કેટલાંક સંજોગોમાં પશુનું મૃત્‍યુ પણ થવાની શક્યતા રહેલી છે. તે બાબત પર વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો કે રસોડાનું વેસ્ટેજ પ્‍લાસ્‍ટીકની કોથળીમાં ભરીને જાહેર રસ્‍તા પર ન ફેંકે તે અંગે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવે છે.

વધુમાં રખડતા કૂતરાઓ તેમજ ડબ્બામાં પુરાયેલા ઢોરોને ખોરાક-પાણી પુરતા મળે તેવો પ્રબંધ જે તે સંસ્‍થાઓ કરે છે કે કેમ તે જાણવા પશુપાલન ખાતાના અધિકારીઓ દ્વારા ઢોર ડબ્બાઓની મુલાકાત યોજી-પશુઓ પરના અત્‍યાચારો રોકવા સંચાલકોને સમજ આપવાની કામગીરી ઝુંબેશ સ્‍વરૂપે હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમની ઉજવણી દરમિયાન પશુપાલન ખાતાના તાંત્રિક અધિકારી/કર્મચારીઓને કોઇ પણ પશુ બિમાર કે ઈજા પામેલ જોવા મળે તો તે સ્‍થળની તાત્‍કાલિક મુલાકાત લઇ સ્‍થળ પર વિનામૂલ્‍યે સારવાર આપવા પશુપાલન ખાતા દ્વારા પરિપત્રો પાઠવી વાકેફ કરવામાં આવે છે. પ્રાણી કલ્‍યાણ અંગેની સંસ્‍થા એનીમલ વેલ્‍ફેર બોર્ડ તથા ખાતા દ્વારા જનજાગૃતિ માટે અપાતા પોસ્‍ટરોને બહોળી પ્રસિદ્ધિ આપી પ્રજામાં પ્રાણી કલ્‍યાણની ઉજવણી અંગે જાણકારી પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત મકર સંક્રાતિના પર્વ દરમિયાન જાહેર જનતા દ્વારા ધાર્મિક લાગણીથી પ્રેરાઇને વધુ પડતુ રાંધેલું અનાજ/લીલોચારો ખાવાથી જાનવરોનું મૃત્‍યુ થવાના કિસ્‍સા નિવારવા લોક સંદેશ અંગે માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે. ગ્રામ્‍ય સ્‍તરે પશુપાલકો પોતાના વાછરડાને દેશી પધ્ધતિથી ખસી ન કરાવે તેમજ ખાતા દ્વારા પીડા રહિત વૈજ્ઞાનિક પધ્ધતિથી ખસીકરણ થાય તે માટે ખસી અંગેના કેસો શોધી પ્રાણી કલ્‍યાણની પ્રવૃતિ કરવામાં આવે છે. પશુપાલન ખાતા દ્વારા યોજાતા પશુ આરોગ્‍ય મેળા વખતે આ અભિયાનમાં પશુઆરોગ્‍ય અંગે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પશુઓને જરૂરી રસીકરણ, ખસીકરણ, જાતીય સારવાર વિગેરેનો લાભ લેવા કેમ્‍પોમાં પોતાના જાનવરો
લાવવા પશુપાલકોને માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત એસ.પી.સી.એ. સંસ્‍થાઓની આ પખવાડિયા દરમિયાન મુલાકાત યોજી તેમના કાર્યમાં સહાયભૂત થવા પશુપલન ખાતા દ્વારા પ્રાયાસો કરવામાં આવે છે. રાજ્યમાં ગ્રામ્‍યકક્ષાએ યોજાતી શિબિરો, ગ્રામસભાઓમાં આ પખવાડિયા દરમિયાન ગૌવંશ હત્‍યા પ્રતિબંધ ધારાના અમલીકરણ અંગે લોકોને સમજ આપવામાં આવે છે. વિવિધ ફળો પકવતા વેપારીઓ દ્વારા વપરાતી કાર્બાઇડ થેલીઓ કચરા સાથે ન નાંખવા લોકજાગૃતિ અંગે સમજ આપવામાં આવે છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, પ્રાણી કલ્‍યાણ પ્રવૃત્તિઓ અંગેની માર્ગદર્શક સૂચનાઓ લોકજાગૃતિના હેતુસર ટીવી, રેડિયોના માધ્‍યમથી પ્રસારિત કરવામાં આવે છે. પ્રાણી કલ્‍યાણ પ્રવૃત્તિ કેળવવા, સજાગતા રાખવા અને આ અભિયાનમાં સહકાર આપવા પશુપાલન ખાતા દ્વારા નાગરિકો-પશુપાલકોને જાહેર અપીલ કરવામાં આવે છે તેમ સંયુક્ત પશુપાલક નિયામક-ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!