જજ જયંત પટેલની બદલીની કોઈ ભલામણ કેન્દ્ર સરકારને મળી નથી: કાયદા મંત્રી

નવી દિલ્હી: સરકારે બુધવારે કહ્યું હતું કે જસ્ટિસ જયંત પટેલની બદલી અંગે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ તરફથી સરકારને કોઈ ભલામણ મળી નથી. પટેલને ચીફ જસ્ટિસ ન બનાવાતા અને અલ્હાબાદ હાઈકોર્ટમાં ખસેડવાનો નિર્ણય લેવાતા તેમણે રાજીનામું આપી દીધું હોવાનું મનાય છે.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશને કહ્યું હતું કે જસ્ટિસ પટેલની બદલી સામે તે સુપ્રીમ કોર્ટ સમક્ષ યોગ્ય કાનૂની પ્રક્રિયા કરશે.

કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જસ્ટિસ પટેલના રાજીનામાના વિવાદમાં પડવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે કેન્દ્રને તેમની બદલી અંગે કોઈ જ ભલામણ મળી નથી.

જયંત પટેલ ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે કામગીરી કરી રહ્યા હતા અને બાદમાં તેમને ફેબ્રુઆરી-૨૦૧૬ના રોજ કર્ણાટક હાઈકોર્ટમાં શિફ્ટ કરાયા હતા. જજ પટેલ પોતે સીનિયર હોવા છતાં તેમને કોઈ જ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ન બનાવાતા તેઓ નારાજ હતા તેવું મનાય છે.

આવા સંજોગોમાં તેમને કર્ણાટકમાંથી ખસેડીને અલ્હાબાદ હાઈકોર્ટમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હોવાના અહેવાલ વહેતા થયા હતા. સોમવારે તેમણે રાજીનામું આપી દીધું હતું.

error: Content is protected !!