કચ્છમાં બની રહ્યું છે ઇઝરાયેલના સહ્યોગથી દેશનું પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર

ભુજ, દેશગુજરાત: ભારતનું પ્રથમ ખારેક સંશોધન કેન્દ્ર ઇઝરાયેલ સરકારના સહયોગથી કચ્છ જિલ્લામાં નિર્માણ પામી રહ્યું છે. ભારત સરકારે ખારેક સંશોધન કેન્દ્ર બનાવવા માટે કચ્છ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. ખારેક સંશોધન કેન્દ્ર આગામી બે મહિનામાં કાર્યરત થવા જઇ જશે.

ભુજથી 10 કિલોમીટર દૂર લાખોંદ રોડ પર આવેલા કુકમા ગામ નજીક 10 એકરના વિસ્તારમાં આનું કાર્ય ચાલી રહ્યું છે.

કચ્છ જિલ્લો ખારેક માટે જાણીતો છે. અહીં મોટા પ્રમાણમાં ખેડૂતો ખારેકનું ઉત્પાદન કરે છે, ત્યારે જિલ્લામાં શરુ થનાર ખારેક સંશોધન કેન્દ્ર ખેડૂતો માટે ફાયદારૂપ નીવડશે.

ગુજરાત સરકારના બાગાયતશાસ્ત્ર વિભાગના નિયામક સેરસિયાના જણાવ્યા પ્રમાણે, ‘ઇન્ડો-ઇઝરાયેલ વર્કપ્લાન સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટ(ખારેક) ફાર્મ’ નામના આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારે રૂા.4.5 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જે ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવી રહેલા ખારેક સંશોધન ભવનનું મોટાભાગનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે.ઇઝરાયેલનું ગરમ હવામાન જેમ ખારેકને માફક આવે છે તેમ કચ્છનું હવામાન ખારેકને અનુકૂળ રહે તેમ છે. તેથી, આ પ્રોજેક્ટ માટે કચ્છ પર પસંદગી ઉતારવામાં આવી છે. કચ્છમાં મોટા પ્રમાણમાં ખારેકનું વાવેતર કરવામાં આવે છે. જોકે, ખારેકની નિકાસ માટેની સુવિધા માટે જરૂરી માર્ગદર્શન નહીં મળવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.આગામી દિવસોમાં ખારેક સંશોધન કેન્દ્રમાં પેકિંગ હાઉસ સુવિધા શરૂ થવાથી કચ્છના ખેડૂતોને ખારેકની નિકાસ માટે જરૂરી માર્ગદર્શનની સાથે મદદ મળી રહેશે. ખારેક તૈયાર થઇ ગયા પછી તેના પર થતી પ્રોસેસ અંગે પણ ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ખારેક કેન્દ્રને લીધે ખારેકની નિકાસમાં વૃદ્ધિ થશે અને કચ્છ દુનિયાભારમાં જાણીતું બનશે.

ખારેક સંશોધન કેન્દ્રમાં એક સાથે 50 ખેડૂતોને માર્ગદર્શન આપી શકાય તેવું તાલીમ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે.

કચ્છમાં ચોમાસા દરમિયાન પડતા ભારે વરસાદથી ખારેકને નુકસાન પહોંચે છે ત્યારે વરસાદથી થતાં ખારેકના પાકનું નુકસાન કઇ રીતે અટકાવવું તે અંગે તેમજ ખારેકને લાંબા સમય સુધી કઇ રીતે સંગ્રહિત કરી શકાય તે અંગે ખેડૂતોને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

error: Content is protected !!