અબડાસા સામૂહિક દુષ્કર્મ કાંડમાં મુખ્ય આરોપી સહીત 8ની જામીન અરજી ફગાવાઈ

ભુજ, દેશગુજરાત : સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર નલિયા સામૂહિક દુષ્કર્મ કેસના મુખ્ય આરોપી એવા નલિયાના શાંતિલાલ દેવજી સોલંકી (દરજી) ઉર્ફે મામાની જામીન અરજી જિલ્લા ન્યાયાલયે ફગાવી દઈ કડક વલણ જાળવી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, દુષ્કર્મ કેસમાં ધરપકડ કરાયેલા 8 પૈકીના કોઇપણ આરોપીને જિલ્લા સ્તરેથી જામીન આપવામાં આવ્યા નથી.

આ કેસમાં સંડોવાયેલા એક આરોપી દ્વારા જામીન માટે હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી છે. અબડાસા કાંડના સૂત્રધાર ગણાતા આરોપી શાંતિલાલ સોલંકી માટે અત્રેની અધિક સેશન્સ જજની અદાલત સમક્ષ નિયમિત જામીન અરજી મૂકવામાં આવી હતી. ન્યાયાધીશ એ.આઇ. રાવલે બન્ને પક્ષની દલીલો સાંભળવા સાથે આધાર-પુરાવા તપાસી જામીન અરજી નામંજૂર કરી હતી. આ સુનાવણીમાં સરકારી પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

ન્યાયાધીશે કેસની ગંભીરતા ઉપરાંત આરોપીની શરૂઆતથી દુષ્કર્મ કેસમાં ભૂમિકા વગેરે પાસાં કેન્દ્રમાં રાખીને આ આદેશ કર્યો હતો.  આ કેસમાં કુલ આઠ આરોપીની ધરપકડ કરાઇ છે. જે તમામની જામીન અરજી જિલ્લા સ્તરેથી હવે રદ થઇ ચૂકી છે. તો રાજ્યની હાઇકોર્ટ દ્વારા પણ જેને જામીન અપાયા નથી તેવા ગાંધીધામના  આરોપી વસંત કરશનદાસ ભાનુશાલી ચાન્દ્રાએ હવે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની સુનાવણી આગામી તા. 14મી ઓગસ્ટે હાથ ધરાશે. આ કેસનો અન્ય આરોપી અજિત રામવાણીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી, જેની કાર્યવાહી ચાલી રહી છે.

error: Content is protected !!