મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ અનેક ઐતિહાસિક સોપાનોનું સર્જન કરશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગયા નવેમ્બર મહિનામાં જાપાન પ્રવાસે ગયા ત્યારે જ અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલવેના સપનાને સાકાર કરવા ખાસ શીંન્કાન્સેન હાઇસ્પીડ રેલવેમાં ટોકિયોથી કોબે સુધી જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુસાફરી કરી અને કાવાસાકીના બૂલેટ ટ્રેનના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને જાપાનના વડાપ્રધાન  શિન્ઝો આબે અમદાવાદના સાબરમતી ખાતે મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરશે ત્યારે વૈશ્વિક ફલક ઉપર ભારત-જાપાનનો પરસ્પર સહયોગ આ ક્ષેત્રે નવી દિશા ખોલી આપશે. ખાસ કરીને આ પ્રોજેકટ અનેક ઐતિહાસિક સોપાનોનું સર્જન કરશે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેકટ દ્વારા દેશના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત કોઇ પ્રોજેકટને આટલી સુવિધાપૂર્ણ અને આકર્ષક નાણા સહાય મળી રહી છે. આ સમગ્ર પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂપિયા એક લાખ કરોડથી વધુનો ગણવામાં આવે છે. આ પ્રોજેકટના ૮૦ ટકાથી વધુ નાણા સહાય જાપાન સરકાર આપવાની છે. આ સહાય એટલી આકર્ષક અને સુવિધાપૂર્ણ છે કે, કોઇને પણ આશ્ચર્ય થાય ! જાપાન સરકાર રૂ.૮૮ હજાર કરોડ જેટલી આર્થિક સહાય અત્યંત નહીવત એવા ૦.૧ ટકાના વ્યાજ દરે ભારતને આપશે એટલું જ નહીં આ લોનની પુન:ચૂકવણીનો સમય ૫૦ વર્ષ જેટલો લાંબો રાખવામાં આવ્યો છે અને ગ્રેસ પીરિયડ એટલે કે પુન:ચૂકવણીના છૂટના વર્ષોનો ગાળો પણ ૧૫ વર્ષ રાખવામાં આવ્યો છે. આટલી મોટી રકમ વર્લ્ડ બેન્ક કે એવી કોઇ એજન્સી પાસેથી લેવામાં આવે તો ૫ થી ૭ ટકાનો વ્યાજ દર અને પુન:ચૂકવણી ગાળો ૨૫ થી ૩૫ વર્ષનો હોઇ શકે. એનો અર્થ એ થયો કે ભારતને આ પ્રોજેકટ માટે જે નાણાકીય સહાય જાપાન તરફથી મળશે તે લગભગ ‘ઝીરો કોસ્ટ’ હશે.

માત્ર આર્થિક સહાય ક્ષેત્રે જ આ પ્રોજેકટ ઇતિહાસ સર્જશે એવું નથી; અનેક ક્ષેત્રે આ પ્રોજેકટથી નવા અધ્યાયની શરૂઆત થશે. જેમ કે હાઇસ્પીડ ટ્રેન નિર્માણ-સંચાલન ક્ષેત્રે કૌશલ્યવાન માનવબળ ઉભું કરવા વડોદરા ખાતે વર્ષ-૨૦૨૦ સુધીમાં ટ્રેઇનીંગ ઇન્સ્ટીટયુટની સ્થાપના થશે. જે ૪,૦૦૦ જેટલા કર્મચારી ગણને તાલીમ આપી તૈયાર કરશે, અને એવું કૌશલ્યવાન માનવબળનું સર્જન કરશે જે માત્ર હાઇસ્પીડ પ્રોજેકટનું સંચાલન જ નહીં, દેશમાં નવા પ્રોજેકટ પણ પોતાની સજ્જતાથી સાકાર કરી શકશે. આજ રીતે શ્રમિકોને પણ તાલીમ આપવામાં આવશે. નવી ટેકનોલોજી સાથે સજ્જ શ્રમિકો દરિયાના પેટાળમાં ટનલ બાંધવા જેવા અત્યાધુનિક કાર્યક્ષેત્રોથી માત્ર પરિચિત જ થશે એવું નથી. કૌશલ્ય પણ ઝળકાવી શકશે.

યુનિવર્સિટી ઓફ જાપાન પોતાના ખર્ચે માસ્ટર્સ કોર્સમાં ૨૦ બેઠકો ભારતને ઓફર કરશે, જેથી કૌશલ્યવાન યુવાનો આ ક્ષેત્રે વધુ સજ્જતા કેળવી શકશે. આથી એક ડગલું આગળ જાપાન સરકાર ભારતીય રેલવેના ૩૦૦ અધિકારીઓને આ પ્રોજેકટ માટે ખાસ તાલીમ આપશે. જે આગળ જતા અન્ય અધિકારી / કર્મચારીઓને તૈયાર કરશે. આ પ્રોજેકટથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મેઇક ઇન ઇન્ડિયાના અભિયાનને નવું બળ મળશે. કારણ કે, આ પ્રોજેકટમાં મોટાભાગના નાણા ભારતમાં જ વાપરવામાં આવશે કે રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેકટથી બાંધકામ ક્ષેત્રે રોકાયેલા ૨૦ હજાર શ્રમિકોને રોજગારી મળશે.

અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ ટ્રેન પ્રોજેકટ ટેકનોલોજીકલ એડવાન્સ છે. ઉચ્ચસ્તરિય સુરક્ષાના માપદંડો સાથેના ૫૦ વર્ષના ઇતિહાસમાં શીંકાન્સેન ટેકનોલોજી અંતર્ગત ટ્રેનનો મોડા પડવાનો વાર્ષિક દર એક મિનિટથી ઓછો છે. એટલું જ નહીં અકસ્માત કે અન્ય કારણોસર મુસાફરોનો મૃત્યુદર શૂન્ય છે. આ જ દર્શાવે છે કે, સુરક્ષા-સલામતીના હાઇ સ્ટાન્ડર્ડ આ પ્રોજેકટ ધરાવે છે. આ ટેકનોલોજી ડિઝાસ્ટર પ્રિવેન્શન સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ છે જેથી ભૂકંપ જેવી કૂદરતી આપત્તિ સામે પ્રોજેકટ ટક્કર ઝીલી શકવા સક્ષમ છે.

આ ટ્રેનમાં ઓછામાં ઓછા ઘોંઘાટથી સાનુકુળતા સાથે મુસાફરી કરી શકાશે. રોટેટીંગ સીટ ધરાવતી આ ટ્રેનમાં દિવ્યાંગો માટે ખાસ સીટની વ્યવસ્થા હશે. આ ટ્રેનમાં વેક્યુમ ટોઇલેટની સુવિધા છે. મહિલાઓ અને દિવ્યાંગો માટે ટ્રેઇનમાં વિશેષ સુવિધા ઉભી કરાઇ છે. આ ટ્રેન ઇકો ફ્રેન્ડલી હશે. પ્રત્યેક કિલોમીટરે એરોપ્લેન કરતાં ચોથા ભાગનો અને મોટરકાર કરતા ૨/૭ ભાગનો કાર્બન ડાયોકસાઇડ બહાર ફેંકશે. જ્યારે પ્રતિ કિલોમીટરે એરોપ્લેન કરતા ત્રીજા ભાગની અને મોટરકાર કરતાં પાંચમા ભાગની ઉર્જા વપરાશ કરશે. દરિયાના પેટાળમાં સાત કિ.મી.ની ટનલ ધરાવતી આ ટ્રેન ભારત-જાપાન વચ્ચેના પરસ્પરના સહયોગના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ અંકિત કરશે.

Related Stories

error: Content is protected !!