મિડિયા વોચઃ હિંદુ – મુસ્લિમ કપલને હોટેલનો રુમ વાસ્તવમાં કેમ ન અપાયો હતો

બેંગ્લોર, દેશગુજરાત: છેલ્લા બે દિવસથી રાષ્ટ્રીય મીડિયા તેમજ સોશિયલ મીડિયામાં બેંગ્લોરમાં બનેલી એક ઘટના પર ખુબ ચર્ચા થઇ રહી છે. મોટાભાગે આ ચર્ચા એકતરફી રહી છે જ્યારે તેની બીજી બાજુ અત્યારસુધી ખાસ પ્રકાશમાં આવી નથી.

કેરળમાં રહેતા શફીક સુબૈદા હક્કીમ અને તેમની પત્ની દિવ્યા ડી વી, દિવ્યાના ઇન્ટરવ્યુ માટે બેંગ્લોર આવ્યા હતા. દિવ્યાએ LLM કર્યું છે અને અહીં તે PhD કરવા માંગે છે. અન્નીપુરમ મેઈન રોડ, જે બેંગ્લોરના હ્રદયસમા વિસ્તારમાં આવેલો છે ત્યાંની ઓલિવ રેસિડન્સી હોટલમાં તેમણે અમુક કલાક માટે રૂમ માટે માંગણી કરી હતી. પરંતુ આ હોટલના રિસેપ્શનિસ્ટે આ કપલને રૂમ એમ કહીને ન આપ્યો કે પતિ-પત્ની બંને મુસ્લિમ અને હિંદુ હોવાથી તેને અપાયેલી સુચના અનુસાર તેમને રૂમ આપવામાં નહીં આવે.

શફીક અને દિવ્યાએ એવો આરોપ પણ લગાવ્યો છે રિસેપ્શનિસ્ટે તેમને એમ કહ્યું હતું કે હિંદુ અને મુસ્લિમ એકસાથે ક્યારેય રહી ન શકે. જ્યારે તેમણે હોટલના નિયમો બતાવવાનું કહ્યું ત્યારે રિસેપ્શનિસ્ટે તેમને આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી.

આ ઘટનાને ઉપર જણાવ્યા અનુસાર છેલ્લા બે દિવસથી મેઈન સ્ટ્રીમ મીડિયામાં સેક્યુલર ભારતને લગાવવામાં આવેલા ડાઘ તરીકે ચગાવવામાં આવી રહી છે. શફીક હક્કીમ અને દિવ્યા પોતાના દાવામાં સાચા છે કે તેમના આઈડી પ્રૂફ જોઇને હોટલના રિસેપ્શનિસ્ટે તેમના અલગ અલગ ધર્મને કારણે રૂમ આપવાની મનાઈ કરી હતી. પરંતુ આમ કરવા પાછળ હોટલના રિસેપ્શનિસ્ટ પાસે પણ કેટલાક કારણો છે.

રિસેપ્શનિસ્ટના કહેવા અનુસાર એક તો એમને મલયાલમ ભાષા સમજાતી ન હોવાથી આ કપલ ખરેખર શું કહી રહ્યું છે તે તેઓ સમજી નહોતા શક્યા.

આ ઉપરાંત ભૂતકાળમાં અન્ય લોજમાં એવા ઘણા કિસ્સા બન્યા છે કે કેરળના ગામડેથી આવેલા હિંદુ મુસ્લિમ કપલ્સ આવી રીતે અમુક કલાકો માટે રૂમ ભાડે લે અને પછી એ રૂમમાં લટકી જઈને આત્મહત્યા કરી લે. આથી આ પ્રકારની ઘટનાને લીધે તેમને સુચના આપવામાં આવી છે કે આવું કોઇપણ કપલ આવે તો તેમને રૂમ ન આપવો.

આ ઉપરાંત હોટલના કર્મચારીઓનું એમ પણ કહેવું છે કે કપલ પાસે કોઈ મોટો બેગેજ પણ ન હતો. સામાન્યતઃ મોટો બેગેજ ન હોવાના સંજોગોમાં કોઇપણ હોટલ ફેમીલી રૂમ આપતી નથી.

આમ દેશનું ઈલેક્ટ્રોનિક મીડિયા એક સાઈડની સ્ટોરી જ ઉછાળી રહ્યું છે.

error: Content is protected !!