અમેઠીમાં જનતાને ક્યાંય વિકાસ દેખાતો નથી અને ગુજરાતમાં વિકાસ થયો છે, તે રાહુલ ગાંધીને દેખાતો નથી : ભરત પંડયા

ગાંધીનગર: ગુજરાત ભાજપા પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી ઉત્તરપ્રદેશના અમેઠીથી ચૂંટાઈને આવે છે અને ગાંધી પરિવાર પણ દાયકાઓથી આ સીટ ઉપરથી સાંસદ રહ્યા છે. આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા આઝાદીના ૭૦ વર્ષ પછી અમેઠીમાં પ્રજા ઉપયોગી અને આધુનિક કલેકટર કચેરીનું ખાતમુર્હત કર્યુ હતુ. કોંગ્રેસે ક્યારેય વિકાસને મહત્વ આપ્યું નથી. અમેઠીમાં દાયકાઓ સુધી ચુંટાનાર અમેઠીના વિકાસના કામનો હિસાબ આપી શકતા નથી અને ગુજરાતમાં જ્યાં નર્મદાનું પાણી બારે મહિના વહે છે અને વિકાસનું પ્રતિક સાબરમતી રીવરફન્ટ પર કાર્યક્રમ કરીને “ગુજરાતમાં વિકાસ દેખાતો નથી તેવી હાસ્યાસ્પદ વાત કરે છે.”
ગુજરાતની તેમની મુલાકાતો હંમેશા જૂઠ્ઠાણાઓ ફેલાવનારી અને રમૂજ પેદા કરનારી રહી છે. રાહુલ ગાંધીના જૂઠ્ઠાણા અને નાટકોની કોઈ અસર ગુજરાતની જનતા પર થશે નહીં. કારણ કે, ગુજરાતની જનતા શાણી અને ડાહી છે. ભાજપ સરકાર જનહિત-દેશહિતના નિર્ણયો અને યોજનાઓનો અમલ કરે છે. તેથી ૨૨ વર્ષથી સત્તા વગર તડફડતી કોંગ્રેસ પાગલ થઈ છે.
રાહુલ ગાંધીના પ્રવાસ અંગે ભરત પંડયાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી એક બાજૂ એમ કહે છે કે, જી.એસ.ટી. અમારી સોચ છે. જી.એસ.ટી. કાઉન્સીલમાં કોંગ્રેસના રાજયના નાણામંત્રી પણ સભ્યો હોય છે. સર્વાનુમતે નિર્ણય લેવાતા હોય છે. એકબાજુ જીએસટી અમારી સોચ છે તેમ કહે છે, બીજી બાજુ ભાજપા સામે જીએસટી મુદ્દે જુઠ્ઠા આક્ષેપ કરે છે, રાહુલ ગાંધી જીએસટી મુદ્દે બેધારી નીતિ અને બેમોઢાની વાત કરે છે. તેમની જીએસટી માટેની સમજ કેટલી છે ? તેઓ જી.એસ.ટી.માં ૫ પ્રકારના વેરા હોય છે તેમ કહે છે. ખરેખર ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકા આમ ચાર પ્રકારના વેરા હોય છે. બધાં જ ટેક્ષ દૂર કરીને જી.એસ.ટી. લાવવાની વાત કરી તેમાં ટેક્ષના નામોમાં ઈન્કમટેક્ષ પણ બોલ્યાં, રાહુલ ગાંધીની જી.એસ.ટી. માટેની સમજણપણ વેપારીઓમાં પણ હાસ્યાસ્પદ થઈ છે.
પંડયાએ કહ્યું હતું કે, સરદાર પટેલની કરમસદની ભૂમિ પર જાવ ત્યારે અમે કહ્યું કે, સરદાર પટેલને ૪૧ વર્ષ સુધી ભારત રત્ન એવોર્ડ ન હતો આપવાં દીધો તેની માફી માંગીને ગુજરાતની જનતાને જવાબ આપતાં જાવ પણ તેનો જવાબ આપવાનો હતો તેમણે આપ્યો નથી. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીના કોંગ્રેસના કેન્દ્રના શાસનમાં ગુજરાતને હળાહળ અન્યાય થયો તેનો જવાબ આપતાં નથી.
ડૉ.બાબાસાહેબની સંકલ્પભૂમિ પર જાય છે. ત્યારે કોંગ્રેસે હંમેશા તેમની અવગણના, અન્યાય, અપમાન કર્યું છે. તેનો જવાબ રાહુલ ગાંધી આપે કે ડૉ.બાબાસાહેબને કેમ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો ન હતો ?તેમનું તૈલચિત્ર કેમ સંસદમાં મુક્યું ન હતું?  ડૉ.બાબાસાહેબના પંચતીર્થ જન્મભૂમિ, કર્મભૂમિ, સંકલ્પભૂમિ, નિર્વાણભૂમિ અને લંડનમાં રહેલું ઘર પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છાશક્તિ અને ભાજપ સરકારના કારણે માન-સન્માન સાથે વિકાસતીર્થ બન્યાં છે. કોંગ્રેસે ક્યારેય તેમના માટે આવું વિચાર્યું પણ નથી.
શ્રી પંડયાએ જણાવ્યું હતું કે, અમે પહેલીથી જ કહીએ છીએ કે, કોંગ્રેસ નર્મદા વિરોધી છે. વિકાસ વિરોધી અને ગુજરાત અને ગુજરાતના નેતૃત્વ વિરોધી છે. રાહુલ ગાંધીના કાર્યક્રમમાં ગુજરાતના ઐતિહાસિક અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની મુલાકાત લેવાને બદલે વિસ્થાપિતોની મુલાકાત લેશે. આ એ જ બતાવે છે કે, કોંગ્રેસનો ઈરાદો અને કામગીરી હંમેશા નર્મદા વિરોધી રહ્યાં છે. સંસદમાં દિગ્વીજયસિંહ અને જ્યોતિરાદિત્ય નર્મદા વિરોધી, ગુજરાત વિરોધી પ્રવચનો કેમ કરે છે. કોંગ્રેસના નેતાઓ નર્મદા વિરોધી લોકોની હંમેશા મુલાકાત લેતા હોય છે. કોંગ્રેસ હજૂ પણ નર્મદા વિરોધી બદઈરાદા સાથે જ નર્મદાને નડવાનું કામ કરે છે.
પંડયાએ કહ્યું હતું કે, કોંગ્રેસની હિમાચલ સરકાર વિધવા બહેનોને રૂ. ૪૫૦ પેન્શન આપે છે. ગુજરાત સરકાર 1000 રૂ. પેન્શન આપે છે. છતાંય ત્યાં જઈને ગુજરાતને બદનામ કરે છે. રોજગારીના આંકડા ખોટા આપે છે. 9.13 કરોડ લોકોને મુદ્રા યોજના દ્વારા ૩.૪૫ લાખ કરોડ રોજગારી માટે લોન આપવામાં આવી છે. ઈ.પી.એફ.ઓ.પ્રોવિન્ડ ફંડ માટે ૨૦૧૪માં ૩.૨૬ કરોડ લોકોની નોંધણી થઈ હતી અત્યારે ૪.૮૦ કરોડ લોકોની નોંધણી થઈ છે. ૧.૫૪ કરોડ લોકો નોકરી મળી હોય તો જ લોકો પ્રોવિડન્ડ ફંડમાં નામ નોંધાવે. આ તો માત્ર ખાલી બે યોજનાના આંકડા રજૂ કર્યાં છે. જેનાથી ૧૧ કરોડ સીધો રોજગાર મળ્યો છે અને તેમના ધંધા કે નવા રોજગારથી પ્રત્યક્ષ રીતે કરોડો લોકોને રોજગારી મળી છે તેમ પંડ્યાએ અંતમાં કહ્યું હતું.

error: Content is protected !!