સંસદના ચોમાસુ સત્રમાં 16 નવા બીલ રજુ કરાશે

નવી દિલ્હી: અમરનાથમાં આતંકી હુમલો, ડોક્લામમાં ભારત- ચીન સરહદ વિવાદ, કથિત ગૌરક્ષકો સાથે જોડાયેલી ઘટનાઓ અને દાર્જિલિંગમાં અશાંતિ સહિતના મુદ્દે કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટી કેન્દ્ર સરકારને 17 જુલાઈ સોમવારથી શરુ થતા સંસદના ચોમાસુ સત્રમાં ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ દરેક મુદ્દે વાતચીત કરવાની ખાતરી સાથે 16 નવા કાયદા રજૂ કરવા જઈ રહી છે.

સંસદીય કાર્ય રાજ્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે, સંસદના ચોમાસુ સત્રમાં કેટલાય મહત્વપૂર્ણ વિષયો સામે આવશે. નિયમ પ્રમાણે અમે સદનમાં દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. સદન ચર્ચા કરવા માટેનું સ્ટેજ છે ત્યારે અમે પૂરી આશા રાખીએ છીએ કે વિપક્ષ સકારાત્મક ભૂમિકા નિભાવે. આ સાથે જ નકવીએ કહ્યું કે, ચોમાસુ સત્ર દરમિયાન સંસદમાં કેટલાક જરૂરી બીલ રજુ કરવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનું કહેવું છે કે તેમનો પક્ષ સુરક્ષાને લગતા મુદ્દા પર ખાસ કરીને ભાર આપશે અને કાશ્મીર, ખેડૂતો, ગૌરક્ષકોના હુમલા,ચીન સાથે સીમા વિવાદ સહિતના મુદ્દા સંસદમાં વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવશે.

લોકસભા અને રાજ્યસભમાં 16 બીલ રજૂ કરાશે જેમાં જમ્મુ-કાશ્મીરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બીલ અને નાગરિકતા સુધારા બિલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જમ્મુ- કાશ્મીરમાં જીએસટી લાગુ કરવાના સંદર્ભે બે બીલ્લ સિવાય પંજાબ નગર નિગમ કાનૂન સંશોધન બીલ 2017 પણ રજુ કરવામાં આવશે જેમાં ચંડીગઢ નગર નિગમને મનોરંજન અને રમતગમત ક્ષેત્ર પર જીએસટી મુજબ કર લગાવવાનો અધિકાર આપવામાં આવે તેવી જોગવાઈ છે.

error: Content is protected !!