રાજ્યસભામાં સાંસદોની ગેરહાજરીથી વડાપ્રધાન નારાજ, અમિત શાહે સાંસદોને ઠપકો આપ્યો

નવી દિલ્હી, દેશગુજરાત: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે સોમવારે રાજ્યસભામાં પક્ષના સાંસદોની ગેરહાજરીને ગંભીરતાથી લઈને સભ્યોને કહ્યું કે ભવિષ્યમાં આ બાબતનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને સદનોમાં ભાજપના સભ્યોની ગેરહાજરીને લઈને નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપે મંગળવારની બેઠક બાદ આગામી કાર્યક્રમોની ઘોષણા કરી હતી. સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું કે, અમિત શાહે રાજ્યસભામાં સાંસદોની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. શાહે કહ્યું કે દરેક સાંસદોને સદનમાં હાજર રહેવું જોઈએ હતું દરેક સાંસદોએ ત્રણ લાઇનની વ્હીપનું પાલન કરવું જોઈએ. સદનની શરૂઆતથી અંત સુધી સદનમાં રહેવું જોઈએ. આ ઉપરાંત માહિતી મળી છે કે, સોમવારે રાજ્યસભામાં મતદાનના સમયે ગેરહાજર સાંસદોને અમિત શાહે જાહેરમાં ચેતાવણી આપતા કહ્યું કે તેઓને અલગથી બોલાવવામાં આવશે. આ લોકશાહી માટે સારું નથી. તમે જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છો. આ બાબતને લઈને ખોટો સંદેશો ફેલાયો છે.

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય પછાતવર્ગ કમીશનને સંવિધાનિક સ્થાન આપવાનો મુદ્દો ફરી અટક્યો છે. સોમવારે કેટલાય મંત્રીઓની ગેરહાજરીને કારણે વિપક્ષ રાજ્યસભામાં સંશોધન દરખાસ્ત પસાર કરવામાં સફળ થયું હતું. વિપક્ષે નિયમ ત્રણને બીલમાંથી દૂર કરાવ્યા બાદ જ પોતાની સહમતી આપી હતી. સદને વિપક્ષના સંશોધનોની સાથે બીલને મંજુરી આપી દીધી. બીલ હવે ફરીથી લોકસભામાં મોકલવામાં આવશે. 123માં બંધારણ સુધારણા બિલ દ્વારા પછાત વર્ગ માટે રાષ્ટ્રીય કમિશનની રચના કરવામાં આવનાર છે.

ભાજપે પોતાની મંગળવારની બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી અનંત કુમારે કહ્યું કે, પક્ષ તરફથી 15થી 30 ઓગસ્ટ સુધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંકલ્પ યાત્રામાં 2022ના ભારતના વિકાસને લઈને ચર્ચા કરવામાં આવશે.

error: Content is protected !!