રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉપલેટા, જસદણ, જેતપુર-નવાગઢ, ભાયાવદર, હળવદ અને થાનગઢ નગરપાલિકા વોર્ડની રચના, સીમાંકન અને બેઠકની ફાળવણીના પ્રાથમિક આદેશ કરાયા

ગાંધીનગર: રાજ્ય ચૂંટણી પંચ ગાંધીનગર દ્વારા રાજકોટ જિલ્લાની ઉપલેટા, જસદણ, જેતપુર-નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાના વોર્ડની રચના, તેમજ મોરબી જિલ્લાની હળવદ, સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાના વોર્ડની રચના, સીમાંકન તથા બેઠકની ફાળવણીનો પ્રાથમિક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી સંબંધિત નગરપાલિકાનું સંલગ્ન અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ વોર્ડની રચના સીમાંકન નિર્ધારીત કરવામાં આવ્યું છે. તેમજ અન્ય અનુસૂચિમાં જણાવ્યા પ્રમાણે વોર્ડવાર બેઠકોની ફાળવણી કરવાનું નિર્ધારીત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિ તથા પછાત વર્ગ (તે પૈકી સ્ત્રી અનામત બેઠક સહિતની) માટેની બેઠકોની ફાળવણી કર્યા પછી સ્ત્રી અનામત બેઠક અને બાકી રહેતી બેઠક બીન અનામત તરીકે ફાળવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના આગવા અભિગમ સ્વરૂપે ગુજરાત નગરપાલિકા અધિનિયમમાં કરેલા સુધારા અન્વયે નગરપાલિકામાં ૫૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

આ પ્રાથમિક આદેશમાં વોર્ડની હદરેખા નક્કી કરવામાં આવી છે અને તે મુજબ બેઠકોની ફાળવણી માટે જે નિર્ણય કરેલ છે તે પ્રસિદ્ધ કરાયો છે અને તે સામે કોઇપણ નાગરિક કે જાહેર જનતાને સલાહ સૂચનો કરવાના હોય તો તે આદેશ પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ, બ્લોક નં.૯, છઠ્ઠો માળ, નવા સચિવાલય, ગાંધીનગર તેમજ તેની એક નકલ સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર અને કલેક્ટરને મોકલી મોકલી આપવાની રહેશે, તેમ રાજ્ય ચૂંટણી આયોગના સચિવની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!