અછતગ્રસ્ત વિસ્તારોના ખેડુતોને મદદરૂપ થવા રાજય સરકાર પાસે પુરતું ફંડ ઉપલબ્ધ : કેન્દ્ર સરકારે પણ પુરતી સહાય કરી છે : કૌશિક

ગાંધીનગર:મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં દુષ્કાળગ્રસ્ત તાલુકાઓના ખેડુતોને સહાયરૂપ થવા માટે રાજય સરકાર પાસે પુરતુ ફંડ ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકારે પણ રાજયના ખેડુતોના હિત માટે નાણાની ફાળવણી કરી છે જે મુજબ અત્યારે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારનુ મળી કુલ ૨૩૫૫ કરોડનું ભંડોળ થાય છે. આ અંતર્ગત રાજય સરકારે સંબંધિત જિલ્લા કલેકટરશ્રીઓના હવાલે રૂપિયા ૧૧૭૬ કરોડ મુકી દીધા છે જેનું ચુકવણૂં હાલ થઇ રહ્યું છે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યું કે, રાજયમાં થયેલ અપુરતા વરસાદના કારણે તથા પાક નિષ્ફળ જવાના કારણે અમુક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા જરૂરી હોઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી સંવેદનશીલ સરકારે કેન્દ્ર સરકારના ધારા ધોરણ મુજબ ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ઉપરાંત ઓછો વરસાદ ધરાવતાં વધુ ૪૫ તાલુકાઓ માટે પણ રાજય સરકારે સવિશેષ કાળજી લઇને પોતાના બજેટમાંથી રૂપિયા ૮૦૦ કરોડનું ખાસ પેકેજ જાહેર કર્યુ છે. જે અંતર્ગત અછતગ્રસ્ત ૫૧ તાલુકાઓમાં રૂપિયા ૧૪૦૦ કરોડ અને ખાસ પેકેજ હેઠળના ૪૫ તાલુકાઓ માટે રૂપિયા ૮૦૦ કરોડની ઇન પુટ સબસીડી રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવી રહી છે. સાથે સાથે કેન્દ્ર સરકારના ધારા ધોરણો મુજબ પશુપાલકોને સહાયરૂપ થવા રાહત દરે ઘાસ વિતરણ ગૌશાળા/પાંજરાપોળ/કેટલ કેમ્પમાં આશ્રય લઇ રહેલ પશુઓ માટે સબસીડી આપવામાં આવી રહી છે. તેમજ રોજગારી માટે મનરેગા યોજના હેઠળ રોજગારી પણ પુરી પાડવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યુ કે, આમ રાજય સરકાર પાસે ડીઝાસ્ટર ફંડ હેઠળ ઉપલબ્ધ રકમના ૫૦ ટકા લેખે રૂપિયા ૧૧૭૭ કરોડ થાય તેને ગણતરીમાં લઇને કરીને કેન્દ્ર સરકાર દ્વારા ઘટતી રકમની ફાળવણી કરવાની હોય છે. તે મુજબ વધારાના રૂપિયા ૧૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમ રાજય સરકાર હસ્તકની રકમ રૂપિયા ૨૩૫૫ કરોડ ઉપરાંત કેન્દ્ર સરકારે વધારાના રૂપિયા ૧૨૭ કરોડ ફાળવ્યા છે. રાજય સરકાર પાસે સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફંડ હેઠળ ઉપલબ્ધ રકમમાં ૯૦ ટકા જેટલો હિસ્સો કેન્દ્ર સરકાર પાસેથી મળ્યો છે. વખતોવખત કેન્દ્ર સરકારે રાજય સરકારને અછતની પરિસ્થિતિને પહોંચી વળવા પુરતી મદદ કરશે.

મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં આવેલી ગૌશાળા / પાંજરાપોળ / કેટલ કેમ્પના પશુઓને ચુકવવામાં આવતી સહાયમાં પ્રતિ દિન પશુ દિઠ રૂ. 10/-નો વધારો કરવાનો પણ નિર્ણય કર્યો છે. જે મુજબ હવેથી, ગૌશાળા/પાંજરાપોળ/કેટલ કેમ્પમાં આશ્રિત પશુઓ માટે પશુ સહાય પેટે પ્રતિદિન પ્રતિ પશુ રૂ. 35/- ચુકવવામાં આવશે.

error: Content is protected !!