ફી નિર્ધારણ અંગેના હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારતી ખાનગી શાળાઓ, રાજ્ય સરકાર દાખલ કરશે કેવિયેટ

ગાંધીનગર: ગુજરાતની ખાનગી શાળાઓ ફીમાં બેફામ લૂંટ મચાવી રહી હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. જેની સામે રાજ્ય સરકારે ફી નિર્ધારણ કાયદો બનાવ્યો છે અને ગુજરાત હાઈકોર્ટે આ કાયદાને લીલીઝંડી આપી પણ આપી દીધી છે. જોકે હાઈકોર્ટના ચુકાદાને ખાનગી શાળાઓ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. હવે આ કેસમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રાથમિક શિક્ષણના અગ્ર સચિવ સુનયના તોમરે આ સંદર્ભે એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અરજી દ્વારા ગુજરાત રાજ્ય સરકારને સાંભળ્યા વિના સુપ્રીમ કોર્ટ કોઈ હુકમ ન કરે તે અંગે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં દાદ માગશે.

ચૂડાસમાએ કહ્યું કે, ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી કરાયેલી જે તે શાળાની ફી કરતાં વધુ ફી જો કોઈ શાળાએ વસૂલી હશે તો તેને વર્ષ 2017-18ના શૈક્ષણિક સત્ર એટલે કે ચાલુ શૈક્ષણિક સત્રમાં જ શાળા સંચાલકોએ લીધેલી ફી વાલીઓને સરભર કરવાની રહેશે. ફી નિર્ધારણ કાયદા અંગે હાઈકોર્ટના ચુકાદાને પગલે ફી નિર્ધારણ એક્ટની જોગવાઈ મુજબ ચાલુ શૈક્ષણિક સત્રમાં જ ફી અંગેના કાયદાનો શાળાઓ દ્વારા અમલ થાય તેની કાર્યવાહી કરવા રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સરકારે સૂચના આપી છે.

ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, શાળાના સંચાલકોને ફીનું વાજબીપણું સિદ્ધ કરવા માટે તક આપવામાં આવેલી છે પરંતુ મનફાવે તેમ ફી વસૂલ કરશે તો તેને રાજ્ય સરકાર સહન કરશે નહીં. ફી નિયમનનો સરકાર અમલ કરવા જઈ રહી છે ત્યારે વાલીઓને ધીરજ અને સંયમથી કામ લેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે જ ફી નિયમનના મુદ્દાઓ સંચાલકો શાળાના નોટિસ બોર્ડ પર મૂકે તે જરૂરી હોવાનું પણ અગ્ર સચિવ   તોમરે કહ્યું હતું.

Related Stories

error: Content is protected !!