રાજ્યમાં મોસમની સરેરાશ સામે ૧૦૦.૮૫ ટકા વરસાદ વરસી ગયો

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતમાં મોસમના સરેરાશનો ૧૦૦ ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યનો સરેરાશ વરસાદ ૮૧૦ મિ.મી. છે; આજે મોસમનો કુલ વરસાદ ૮૧૬.૮૭ મિ.મી. નોંધાયો છે, જે ૧૦૦.૮૫ ટકા થયો છે. રાજ્યમાં સમયસર અને યોગ્ય માત્રામાં વરસેલા વરસાદથી ડાંગર, કપાસ, મગફળી અને કઠોળનું ઉત્પાદન ઘણું સારૂં થશે અને ઘાસચારાની ઉપલબ્ધિ પણ વધશે.

રાજ્યના ૧૨ જિલ્લાઓ એવા છે જ્યાં મોસમના સરેરાશ વરસાદ કરતાં ૧૦૦ ટકાથી પણ ઘણો વરસાદ વરસી ગયો છે. મોરબી જિલ્લામાં ૧૮૬ ટકા, બનાસકાંઠા જિલ્લામાં ૧૮૪ ટકા અને પાટણ જિલ્લામાં ૧૫૯ ટકા જેટલો વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૪૮ ટકા, ગાંધીનગર જિલ્લામાં ૧૪૭ ટકા, સાબરકાંઠા જિલ્લામાં ૧૨૩ ટકા, બોટાદ જિલ્લામાં ૧૨૦ ટકા, મહેસાણા જિલ્લામાં ૧૧૦ ટકા, રાજકોટ જિલ્લામાં ૧૧૦ ટકા, વલસાડ જિલ્લામાં ૧૦૪ ટકા, ગિર-સોમનાથ જિલ્લામાં ૧૦૩ ટકા અને જામનગર જિલ્લામાં મોસમના સરેરાશ વરસાદની સામે ૧૦૦ ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. કુલ ૧૦૫ તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

૨૦૩ જળાશયોમાં ૩,૫૦,૬૨૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ

રાજ્યમાં જુલાઇ તથા ઓગસ્ટમાં; બે ભાગમાં સપ્રમાણ વહેંચણી સાથે યોગ્ય સમયગાળે પુરતા પ્રમાણમાં વરસાદ થતાં જળાશયો પણ સમૃદ્ધ થયા છે. નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ૨૦૩ જળાશયોમાં અત્યારે ૩,૫૦,૬૨૬ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ થયેલો છે, જે રાજ્યના જળાશયોની કુલ સંગ્રહશક્તિના ૬૩ ટકા છે. રાજ્યના ૪૩ જળાશયો અત્યારે પૂર્ણ ક્ષમતાએ; એટલે કે સો એ સો ટકા ભરાયેલાં છે. જ્યારે ૬૧ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા જેટલું પાણી ભરાયેલું છે. ૨૫ જળાશયો એવા છે કે જેમાં ૫૦ ટકાથી ૭૦ ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે ગુજરાતની જીવાદોરી-સરદાર સરોવર નર્મદા યોજનાના સરદાર સરોવરમાં ૬૦ ટકા પાણી ભરાયેલું છે. ઉકાઇ જળાશયમાં પણ પાણીનો આવરો વધ્યો છે. ગઇ કાલ સાંજથી ૪૪,૦૦૦ ક્યુસેક્સ પાણી આવી રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, રાજ્યમાં ખૂબ જ સારા, સપ્રમાણ અને સમયાંતરે થયેલા વરસાદને કારણે ખરીફ પાકોમાં કટોકટીની અવસ્થાએ પુરતો ભેજ જળવાઇ રહ્યો છે. પરિણામે સિંચાઇની મર્યાદિત સગવડ ધરાવતા વિસ્તારોમાં પણ ખરીફ પાકો પર ખૂબજ સાનુકૂળ અસર થઇ છે. તેમણે જણાવ્યું હતું કે, ઓગસ્ટના છેલ્લા અઠવાડીયા સુધીમાં ડાંગર, મગફળી, સોયાબીન અને કઠોળના પાકોમાં રાજ્યમાં પાછલા વર્ષોની સરેરાશ કરતાં પણ વધુ વાવણી થઇ છે. વધુ વાવેતર માટે ખેડૂતોને અભિનંદન પાઠવતાં તેમણે જણાવ્યું હતું કે, જળસંચય અને પૂરતા જળસ્ત્રોતોને કારણે પુરતો જળસંગ્રહ હોવાથી કપાસ, દિવેલા અને તુવેર જેવા લાંબાગાળાના પાકોને કટોકટીની અવસ્થાએ પિયત પણ આપી શકાશે. સારા વરસાદથી રાજ્યના ભૂમિજળના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાના કારણે આગામી રવિઋતુનું ચિત્ર પણ ખૂબ જ ઉજળું અને આશાસ્પદ ઉપસી રહ્યું છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આ વર્ષે ડાંગર, જુવાર, મકાઇ અને બાજરી જેવા ધાન્યપાકો, મગ, મઠ, અડદ જેવા કઠોળ પાકો તથા મગફળી, સોયાબીન, તલ જેવા તેલીબીયા પાકો અને કપાસનું વાવેતર વધુ થયું છે. હાલમાં તમાકુ અને એરંડાનું વાવેતરચાલું છે; જેના વાવેતર વિસ્તારમાં વધારો થવાની પુરી સંભાવના જોવાઇ રહી છે.

error: Content is protected !!