રાજયમાં સ્વાઇન ફલુ રોગ નિયંત્રણ, સર્વેલન્સ, સારવાર માટે સમગ્ર તંત્ર કાર્યરત : મુખ્યમંત્રી

ગાંધીનગર, દેશગુજરાત: રાજયમાં સ્વાઇન ફલુ રોગના નિયંત્રણ તથા રોગ ફેલાતો અટકાવવાની જનજાગૃતિના રાજય સરકાર દ્વારા લેવાઇ રહેલાં પગલાંઓ અંગે રાજયના જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના કમિશનરો સાથે તાકીદની
વીડિયો કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, મુખ્ય સચિવ જે.એન.સિંઘ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર, અગ્ર સચિવ જયંતિ રવિ અને આરોગ્ય કમિશનર તેમજ વરિષ્ઠ આરોગ્ય અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયાં હતાં.

આરોગ્ય મંત્રીએ પત્રકારોને માહિતી આપતાં કહ્યું કે, મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યમાં સ્વાઇન ફલુના આ રોગચાળાના રોગ નિયંત્રણ, સર્વેલન્સ અને સમયસરની સારવાર માટે સમગ્ર તંત્ર ગંભીરતાથી અને યુધ્ધના ધોરણે કાર્યરત થયું છે તેની વિગતો આપી હતી. મંત્રીએ ૧૦૪ હેલ્પલાઇનનો બહોળો પ્રચાર-પ્રસાર કરીને સ્વાઇન ફલુ – તાવ અંગેની જાણકારી માટે જાહેર સ્થળોએ આયુર્વેદિક ઉકાળાનું વિના મૂલ્યે વિતરણ આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કરવા અને દરેક જિલ્લામાં સરકારી દવાખાનાઓમાં સ્વાઇન ફલુ રોગના નિયંત્રણ માટે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ આ બેઠકની વિસ્તૃત વિગતો આપતાં કહ્યું કે, આગામી દિવસોમાં સ્વાઇન ફલુ અટકાયત અને નિયંત્રણ આયોજન સુચારુરૂપે થાય તે માટે મુખ્યમંત્રીએ આ તાકીદની બેઠક યોજી હતી. તમામ જિલ્લામાં થયેલ કામગીરીની વિગતો તેમણે મેળવી જણાવ્યું છે કે, આ રોગને નાથવા માટે “ પરીશ્રમની પરાકાષ્ઠા ” સુધી ફરજો બજાવવા, ઘરે ઘરે સર્વેલન્સ સઘન બનાવવા આરોગ્ય કર્મીઓને અને જરૂર જણાયે આશા વર્કર, આંગણવાડી વર્કર્સ અને મેલેરિયા સર્વેલન્સ કર્મયોગીઓની સેવાઓ લેવા પણ સૂચનાઓ આપી છે.

આગામી તહેવારોના દિવસોમાં યોજાતાં મેળાઓમાં બિમાર વ્યક્તિઓ ન જાય અને અન્ય મેળાવડાઓમાં બિમાર વ્યક્તિઓ ન જાય અને બાળકો બિમાર હોય તો વાલીઓ તેવા બાળકોને શાળાએ ન મોકલવા ખાસ ભારપૂર્વક મુખ્યમંત્રીની અપીલની તેમણે જાણકારી આપી હતી. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વાઇન ફલુનો પહેલા કેસ આ સીઝનમાં જાન્યુઆરીમાંનોંધાયો ત્યારથી જ સમગ્ર રાજયનું આરોગ્ય તંત્રે એકદમ તકેદારી રાખીને કામકાજ કરવાનું શરૂ કર્યું છે.

૧૩૪૪ સ્વાઇન ફલુ પોઝીટીવ દર્દીઓ પૈકી ૪૬૬ દર્દીઓ સાજા થયા તથા ૭૦૮ દર્દીઓ સારવાર હેઠળ

તા.૧-૧- ૨૦૧૭ થી તા.૧૧-૮- ૨૦૧૭ સુધી રાજયમાં કુલ ૧૩૪૪ દર્દીઓ સ્વાઇન ફલુ માટે પોઝીટીવ મળેલ છે જેમાંથી ૪૬૬ દર્દીઓ સાજા થઇ ઘરે ગયેલ છે તથા ૭૦૮ દર્દીઓ સારવાર હેઠળ છે અને મેડીકલ કોલેજના તજજ્ઞોના સીધી નીરિક્ષણ નીચે શ્રેષ્ઠ કક્ષાની સારવાર તેમને અપાઇ રહેલ છે. રાજયમાં સ્વાઇન ફલુની સારવાર માટે કુલ ૨૦૦૦ થી વધુ પબ્લીક હેલ્થ ઇન્સ્ટીટયુટ આવેલા છે જેમાં પુરતા પ્રમાણમાં સ્વાઇન ફલુ અટકાયત માટેની સારવાર આપવામાં આવતી દવાનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

આરોગ્ય કર્મીની ૧૭,૦૦૦ જેટલી ટીમો, ૪૦,૦૦૦ આશા અને ઉષા બહેનો, ૫૦૦૦ એમ.બી.બી.એસ. ડૉકટરો અને ૩૦૦૦ આયુષ ડૉકટરો ફરજ પર

રાજયની અંદર આરોગ્ય કર્મીની કુલ ૧૭,૦૦૦ જેટલી ટીમો ફરજ બજાવી રહી છે. તદઉપ્રાંત રાજયમાં ૪૦,૦૦૦ આશા બહેનો અને ઉષા બહેનો પણ પાયાની કામગીરી કરી રહેલ છે. આ કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઇ ૩ કરોડ વ્યક્તિઓનુ સર્વેલન્સ કરવામાં આવ્યું છે. રાજયમાં ૫૦૦૦ થી વધુ એમ.બી.બી.એસ. ડૉકટરો અને ૩૦૦૦ થી વધુ આયુષ ડૉકટરો ફરજ બજાવી રહયાં છે. આમ, સમગ્રતયા આ વિશાળ માનવબળ સ્વાઇન ફલુને નાથવા માટે ફરજ બજાવી રહેલ છે. સ્વાઇન ફલુના દર્દીઓની સારવાર માટે રાજયની ૨૩ મેડીકલ કોલેજો અને તમામ જિલ્લા હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં પથારીની સંખ્યા છે અને ગંભીર પ્રકારના દર્દીઓમાં આઇસોલેશન કરવા માટે ૬૮૦ જેટલા આઇસોલેશન બેડ અને તેમાં તાલીમબધ્ધ સ્ટાફ નર્સ અને તબીબો ઉપલબ્ધ છે.

રાજયની ૯ મેડીકલ કોલેજમાં વિનામૂલ્યે ટેસ્ટીંગ લેબોરેટરી 

રાજયની ૯ મેડીકલ કોલેજમાં ટેસ્ટીંગ લેબોરેટરી આવેલી છે અને આવા દર્દીઓનું ટેસ્ટીંગ પૂર્ણ કરવામાં અંદાજે ૧૨ કલાક જેટલો સમય થાય છે. દર્દીની સારવાર અને તેના કુટુંબીજનો અને આજુબાજુના ઘરોમાં સર્વે કરી શંકાસ્પદ વ્યક્તિઓને કીમોપ્રોફાઇલેકસીસ કરવામાં આવે છે.  રાજયની ખાનગી મોટી હોસ્પિટલોમાં દાખલ થયેલ દર્દીઓનું ટેસ્ટીંગ આ ૯ લેબોરેટરીમાં વિનામૂલ્યે કરવામાં આવી રહી છે.

દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં

રાજયમાં દવાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં રાજયની હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. જેમાં કેપ.ઓસલ્ટામીવીર, ૭૫ મી.ગ્રા. ની ૧૧ લાખ, ૪૫ મી.ગ્રા.વાળી ૧.૪૦ લાખ, અને ૩૦ મી.ગ્રા.વાળી ૩.૪૦ લાખ તેમજ નાના બાળકો માટે સીરપ ઓસલ્ટામીવીર ૧૦૦૦ સંખ્યામાં ઉપલબ્ધ છે. આમ, દવાની કોઇ અછત સમગ્ર રાજયમાં વરતાતી નથી.

પ્રાઇવેટ કેમીસ્ટો પાસેથી એક જ પ્રીસ્ક્રીપ્શનમાં દવા મળી રહે તેવું આયોજન

પ્રાઇવેટ કેમીસ્ટો સાથે પણ આ દવાઓ સરળતાથી મળી રહે તે હેતુસર તેને ત્રણ પ્રીસ્ક્રીપ્શનથી આપવાની જુની પધ્ધતિને સરકારે બદલી હવે ફકત એક જ પ્રીસ્ક્રીપ્શનથી મળે તેવું આયોજન કરેલ છે અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર દ્વારા તેનું રોજેરોજના વપરાશનું મુલ્યાંકન કરવામાં આવે છે તેમજ તમામ દવાની દુકાનોમાં ઉપલબ્ધતાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

૧૭.૫૦ લાખ જેટલા લોકોને વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાઓ અપાયા

આયુર્વેદ વિભાગ તરફથી વ્યક્તિઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુસર આશરે ૧૭.૫૦ લાખ જેટલા લોકોને વિના મૂલ્યે આયુર્વેદિક ઉકાળાઓ આપવામાં આવેલ છે. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન રાજય સરકારની સાથે કદમથી કદમ મીલાવી આ સ્વાઇન ફલુને નાથવામાં મદદરૂપ થાય છે. તેવી જ રીતે પ્રાઇવેટ કેમીસ્ટ એસોસીએશન પણ આ કામગીરીમાં સહભાગી બનેલ છે.

error: Content is protected !!