દુનિયાએ ભ્રષ્ટાચાર નિર્મૂલનની માત્ર વાતો કરી, ગુજરાતે ખરેખર ઘટાડો કર્યો :સૌરભ પટેલ

ગાંધીનગર:દુનિયામાં ભ્રષ્ટાચાર નિર્મુલનની માત્ર વાતો થઇ છે પરંતુ, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વહીવટમાં ટેકનોલોજીનો મહતમ ઉપયોગ કરીને ભ્રષ્ટચારમાં ખરેખર ઘટાડો કર્યો છે. વિધાનસભા ગૃહમાં રાજ્યપાલશ્રીના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની પહેલા દિવસની ચર્ચાના સમાપને ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, કિસાનો ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલે છે, રોજગારીની વિપુલ તકો ઉભી થાય છે એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર આવતી રહે છે. ગુજરાતમાં મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ છે પરિણામે લોકોને ઓછી આપદા પડે છે અને એટલે જ ગુજરાત આખા દેશમાં સર્વશ્રેષ્ઠ છે.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવું નેતૃત્વ બીજી વાર ન મળે એમ કહીને મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એવી તાકાત છે કે આખું વિશ્વ આજે ભારતને સન્માનનીય દ્રષ્ટિએ જોઈ રહ્યું છે. તેમણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા અંગે બોલતા કહ્યું હતું કે, ગુજરાત આજે આ ગ્લોબલ સમિટના કારણે દાઓસ ઓફ ધી ઈસ્ટ તરીકે ઓળખાવા લાગ્યું છે. ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઈ એ કહ્યું કે, દુનિયામાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો થાય છે પરંતુ ગુજરાત સરકારે તો મક્કમ નિર્ધાર કરીને નેસ્ત નાબૂદ કરી દીધો છે. ટૅક્નોલૉજીના માધ્યમ દ્વારા ભ્રષ્ટાચાર ઘટાડયો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ટેકનોલોજી થકી લીઝની ૬૦૦થી વધુ ઓક્શન કરીને પારદર્શિતા લાવ્યા છીએ તેમણે કહ્યું કે, બોલવાથી કંઈ થતું નથી એ માટે દ્ઢ નિર્ધાર અને કામ કરવાની પ્રબળ ઈચ્છાશક્તિ જોઈએ જેના લીધે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ખેડૂતોને ૭-૧૨ અને ૮-અના ઉતારા ઓનલાઈન આપ્યા છે અને જમીનની એન.એ. પ્રક્રિયા પણ ઓનલાઇન કરીને નાગરિકના સમયની બચત થઈ છે અને પારદર્શિતા આવી છે. ઇલેક્ટ્રિસિટી ડ્યુટી માટે માફી આપવા પણ ઓનલાઇન પદ્ધતિ અમલી કરી છે જે ૨૪ કલાકમાં પ્રક્રિયા પૂર્ણ થશે.

શ્રી પટેલે કહ્યું કે, રાજ્યમાં સ્વરોજગારીનું પ્રમાણ વધે તે માટે રાજ્ય સરકારે શોપ એકટના કાયદામાં ઐતિહાસિક સુધારો કરવાનો નિર્ણય કર્યો છે અને આવશ્યક ચીજવસ્તુ માટેની નાની મોટી દુકાનો ૨૪ કલાક ખુલ્લી રહેશે એ માટેનું વિધેયક આ સત્રમાં જ લાવ્યા છીએ. એ જ દર્શાવે છે કે, નાના વેપારી માટે સરકાર કેટલી ચિંતિત છે. મીનીમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સના માધ્યમથી અમારી સરકાર કાર્યરત છે. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ભરતીઓ સંપૂર્ણ પારદર્શિ બનાવી છે. ભરતી પ્રક્રિયામાં પણ પેપર ફૂટયું તો, તાત્કાલિક પરીક્ષા રદ કરીને નવેસરથી પ્રક્રિયા હાથ ધરીને હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન અને અન્યાય ન થાય તે માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

શ્રી સૌરભભાઈ એ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં ન થયો હોય એટલો ઓછો વરસાદ આ વર્ષે થયો છે. તે સમયે અછતગ્રસ્ત વિસ્તારોને મદદરૂપ થવા તથા મૂંગા અબોલ પશુઓને સહાયરૂપ થવા ૭ કરોડ કિલોથી વધુ ઘાસ વિતરણ કર્યુ છે. ૯૬ તાલુકાના ૧૬ લાખ ખેડૂતોને રૂપિયા ૧૫૫૭ કરોડની ઈનૂપાટ સહાય પણ સત્વરે ચૂકવી દેવાય છે. સાથે-સાથે મગફળી કઠોર તથા અન્ય પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરીને ૩ લાખ ખેડૂતોને ખરીદીના નાણા સીધે સીધા તેમના ખાતામાં આરટીજીએસ દ્વારા જમા કરાવી દેવાયા છે.

રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓ અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણયોના પરિણામે એગ્રીકલ્ચર ગ્રોથ અન્ય રાજ્યો કરતાં મોખરે છે. શ્રી પટેલે નેનોને અપાયેલ સબસિડી અંગે વિપક્ષ દ્વારા કરાતા આક્ષેપોને વખોડતા કહ્યું કે નેનોને 33 હજાર કરોડ નહીં પણ ૧૦૦૦ થી ૧૫૦૦ કરોડની સહાય ગુજરાતે આપી છે. રોજગારી આપવામાં ખાનગી કંપનીઓનો પણ સિંહફાળો છે ત્યારે, રાજ્ય સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહિત કરતી નવી નીતિઓ અને પ્રોત્સાહનને કારણે સ્થાનિક કક્ષાએ નાના ઉદ્યોગો સ્થાપાતા ગુજરાત ઓટો હબ બન્યું છે. વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપની દ્વારા કરાયેલા એક હજાર કરોડના રોકાણના કારણે અન્ય ઓટોમોબાઈલ કંપની પણ આવી રહી છે. રાજ્ય સરકારની પોર્ટ પોલિસીના કારણે ૩૫ ટકા કાર્ગોનો હિસ્સો ભારતનો છે.

તેમણે કહ્યું કે ટેક્સ્ટાઇલ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકારે ટેક્સ્ટાઇલ પોલીસી બનાવી છે અને પ્રોત્સાહનો આપ્યા છે એના પરિણામે ૨૫,૦૦૦ સ્પિંડલ સ્થાપવાનો નિર્ધાર કર્યો હતો. એની સામે રાજ્યમાં ૪૦,૦૦૦ સ્પિંડલ કાર્યરત થયા છે. આઈટીઆઈમાં પણ નવા અભ્યાસક્રમ અમલી કર્યાં છે. અને એપ્રેન્ટીસને તાલીમ આપી છે. ૭૨ હજાર યુવાઓને તાલીમબદ્ધ કર્યા છે.

મંત્રીશ્રીએ ગૃહમાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ-૨૦૦૩થી શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આજે ગુજરાતને વૈશ્વિક સ્તરે રોકાણના રાજ્ય તરીકેની આગવી ઓળખ અપાવી છે. તાજેતરમાં યોજાયેલી નવમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા એ ગુજરાતને ભારતના દાઓસ તરીકેની નવી ઓળખ
અપાવી છે.

ખેડૂત હિત માટે કાર્યરત વર્તમાન સરકારે ૧ લાખ ૧૬ હજારથી વધુ નવા વીજ જોડાણો આપ્યા છે. આ ઉપરાંત આવતા માર્ચ સુધીમાં માગો ત્યારે વીજ જોડાણ આપવાના લક્ષ્ય સાથે અમારી સરકાર કાર્ય કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં રૂપિયા ૧૮૦૦ કરોડની સબસીડી ખેડૂતોને આપવામાં આવી છે. સૂર્ય શક્તિ કિસાન યોજના(સ્કાય) હેઠળ ઉત્પન્ન થતી દૈનિક વીજળીનું ઓનલાઈન નિરીક્ષણ પણ કરવામાં આવે છે. પાંચ ટકાના રોકાણમાં લાખોની મૂડી બચાવી શકાય છે. તાજેતરમાં ગરીબી રેખા નીચે આવતા ૬.૫૦ લાખ કુટુંબોના વીજ બિલ માફ કરવામાં આવ્યા છે. જુના બંધ વીજ જોડાણો માત્ર રૂપિયા ૫૦૦ ભરીને પુનઃ ચાલુ કરી શકાશે તેમ પણ મંત્રીશ્રીએ વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા ઉમેર્યું હતું.

ગુજરાત મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે. કેન્દ્રની ઉજ્જવલા યોજના હેઠળ ગુજરાતમાં ૧૫ લાખથી વધુ વિનામૂલ્યે ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકારને યુ.એસ.એ, ફ્રાન્સ, રશિયા, જાપાન જેવા વિશ્વના અગ્રણી દેશો સ્વીકારતા થયા છે. સોલાર વીજ ઉત્પાદનના હેતુથી સ્થપાયેલ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સને વિશ્વના લોખંડના ૧૦૦થી વધુ દેશોએ સમર્થન આપ્યું છે જે આપણા સૌ માટે ગૌરવ સમાન છે તેમ, મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું.

દેશના સવર્ણોના વિકાસ માટે પ્રથમવાર ૧૦ ટકા આર્થિક અનામત આપવા બદલ વડાપ્રધાનશ્રીને અભિનંદન પાઠવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે ગુજરાતમાં સમગ્ર દેશમાં પ્રથમવાર સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાની પહેલ કરી તે આપણા સૌ માટે ગૌરવસમાન અને અભિનંદનને પાત્ર છે.

error: Content is protected !!