ધોરણ ૩ના ૬.૫ લાખ વિદ્યાર્થીઓ માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ શરૂ કરાશે

ગાંધીનગર:ધોરણ ૨માં ભણતાં બાળકો આગામી વર્ષે ધોરણ ૩માં પ્રવેશે ત્યારે શિક્ષણના મૂળભૂત પાયા સમાન વાચન, લેખન અને ગણનના મૂળભૂત કૌશલ્યને હાંસલ કરીને ધોરણ ૩માં પ્રવેશે અને તેમનો શૈક્ષણિક પાયો મજબૂત થાય તેવા ઉમદા હેતુ સાથે ધોરણ ૨ના બાળકોની નિદાન કસોટીના તારણના આધારે સમગ્ર રાજ્યમાં ૧૧ ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન તમામ એટલે કે ૬.૫ લાખ વિદ્યાર્થીઓના ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ હાથ ધરાશે. ૧૧ ફેબ્રુઆરીથી જ આ કાર્યક્રમ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં શરૂ થશે.

તા. ૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરી દરમિયાન ધોરણ ૨માં ભણતાં અંદાજે ૬.૫ લાખ કરતા વધુ બાળકોની ભાષા અને ગણિત વિષયની મૂળભૂત બાબતોને ચકાસતી નિદાન કસોટી લેવામાં આવી હતી. આ કસોટીનો હેતુ બાળકોની સિધ્ધિ માપવાનો કે ગ્રેડ આપવાનો ન હતો પરંતુ તે બાળકને શું શીખવામાં તકલીફ પડે છે તે જાણવાનો અને ત્યારબાદ વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ ઉપચારાત્મક શિક્ષણ આપવાનો હતો. ઉલ્લેખનીય છે કે, ધોરણ ૨ના વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણનો આવો કાર્યક્રમ સમગ્ર દેશમાં પ્રથમવાર યોજાઇ રહ્યો છે. રાજ્યકક્ષાએથી ધોરણ ૨ના વિદ્યાર્થીઓ માટે જે નિદાન કસોટી લેવાયેલી તેમાં ભાષામાં શબ્દવાચન, વાક્યવાચન, વાચન અર્થગ્રહણ ઉપરાંત શ્રુતલેખન અને મુક્ત લેખન જેવી બાબતોનો સમાવેશ કરાયો હતો. તે જ રીતે ગણિતમાં સંખ્યા ઓળખ, નાની-મોટી સંખ્યા, સંખ્યાની પેર્ટન, સ્થાનકિંમત, સરવાળા-બાદબાકી, મૌખિક ગણિતના વ્યવહારૂ કોયડા જેવી વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

રાજ્યની તમામ શાળાઓના અંદાજે ૬.૫ લાખ વિદ્યાર્થીઓની કસોટી બાદ તમામ વિદ્યાર્થીની પ્રશ્નવાર ડેટા એન્ટ્રી કરવામાં આવી હતી. આ ડેટાના આધારે દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત રીપોર્ટ કાર્ડ તૈયાર કરીને શિક્ષકોને આપવામાં આવશે, જેથી શિક્ષકો જે તે વિદ્યાર્થીની ક્ષમતા જરૂરિયાત મુજબ ચોક્કસ પ્રકારનું ઉપચારાત્મક કાર્ય કરી શકશે. હાલની પ્રાથમિક માહિતીનું પૃથ્થકરણ કરતાં જાણવા મળ્યું છે કે, ધોરણ ૨ના ૮૦ ટકા જેટલા વિદ્યાર્થીઓ સાદા વાક્યો વાંચી શકે છે. સરકારની નેમ છે કે, બાકી રહી ગયેલા ૨૦ ટકા વિદ્યાર્થીઓ પણ અત્યારથી જ ધ્યાન કેન્દ્રિત કરીને તેમને વાંચતા શીખવવું. જેથી કરીને ૩જા ધોરણમાં તેમનો પાયો મજબૂત થાય.

ગુજરાતી અને ગણિતમાં ૨જા ધોરણના અંતે વિદ્યાર્થીઓએ જેટલું શીખી લેવું જોઇએ તે તમામ અધ્યયન નિષ્પત્તિઓનું સઘન ઉપચારાત્મક શિક્ષણ શાળાકક્ષાએ શિક્ષકો કરશે. જેથી આગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ ૩માં દાખલ થનાર દરેક વિદ્યાર્થી જરૂરી પૂર્વજ્ઞાન સાથે આવે અને ૩જા તથા તે પછીના ધોરણમાં વિવિધ સંકલ્પનાઓ સરળતાથી શીખી શકે.

૧૧ ફેબ્રુઆરીથી શરૂ થનાર ઉપચારાત્મક શિક્ષણ કાર્ય માટે શિક્ષકોને સ્૫ષ્ટ માર્ગદશર્ન મળી રહે તે માટે રાજ્યકક્ષાએથી જરૂરી સાહિત્ય, તાલિમ અને માર્ગદશર્ન પૂરું પાડવામાં આવશે. ઉપચારાત્મક કાર્યક્રમ દરમિયાન માર્ચ માસમાં વચગાળાનું મૂલ્યાંકન અને કાર્યક્રમના અંતે એપ્રિલ માસમાં નિષ્ણાંત થર્ડ પાર્ટી દ્વારા બાહ્ય મૂલ્યાંકન કરાશે.

error: Content is protected !!