નવેમ્બર-2017થી જુલાઈ- 2018 સુધીમાં લગ્નનાં માત્ર 45 મુર્હુત

ગાંધીનગર: દિવાળીના તહેવાર બાદ 15 દિવસ પછી લગ્નસરાની સિઝન શરુ થતી હોય છે. જોકે, ચાલુ વર્ષે લગ્નનાં મુર્હુત ઓછા હોવાથી વર અને કન્યાના પક્ષોને કેટલીક સમસ્યાનો સામનો કરવો જ રહ્યો.

હિન્દુ સમાજમાં દેવ દિવાળી બાદથી 15 ડીસેમ્બર આસપાસ કમૂરતાં શરુ થાય તે પહેલા લગ્નના મુર્હુત લેવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે 31 ઓક્ટોબરે દેવ દિવાળી પછી 23 નવેમ્બર સુધી એકપણ લગ્ન માટેનું યોગ્ય મુર્હુત નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોવાને કારને ડીસેમ્બર અને જાન્યુઆરીમાં માત્ર 5 જ લગ્ન છે.

જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સારા લગ્ન મુર્હુત માટે અમુક નક્ષત્રની અસર જોવામાં આવતી હોય છે. તિથિ, વાર, ઘટી-પલ, લગ્ન નવમાંશ, યોગનો સંયોગ થાય અને ગુરુ, શુક્ર ઉદિત હોવા, વૃદ્ધિ કે ક્ષય તિથિ ના હોય, છ માસ દરમિયાન જે નક્ષત્રોમાં હોય તે પણ લેવામાં આવતા નથી. આવા વિચિત્ર સંયોગને કારણે જ ચાલુ વર્ષે લગ્નના મુર્હુતો ઓછા છે.

નવેમ્બર મહિનામાં 3 તારીખ, ડીસેમ્બરમાં 5 સહીત 9 માસમાં માત્ર 45 જ લગ્ન મુર્હુતો છે.

આ વર્ષે દેવદિવાળી 31 ઓક્ટોબરે છે. કહેવાય છે કે, દેવદિવાળી બાદ દેવો શયનકાલનો ત્યાg કરીને ઉઠી જય છે. તેના બીજા દિવસે જ તુલસી વિવાહ થાય છે અને ત્યારબાદ લગ્નોના મુર્હુત લેવામાં આવે છે.

31 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધીમાં ગુરુ અસ્ત છે. એટલે આ સમયમાં લગ્નના મુર્હુત લેવામાં આવતા નથી. નક્ષત્ર, તિથિ અને સંયોગના કારણે 23 નવેમ્બરે લગ્નનું પ્રથમ મુર્હુત છે.

સામાન્યપણે 15 જાન્યુઆરી બાદ લગ્નના મુર્હુત લેવામાં આવતા હોય છે. પરંતુ આ વર્ષે 16 ડીસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી શુક્ર અસ્ત હોવાથી આ સમયગાળામાં એકપણ લગ્ન મુર્હુત નથી.સૂર્ય ધન કે મીન રાશિમાં હોય તેમજ ફાગણ સુદ આઠમથી હોળી (હોળાષ્ટક) હોવાથી આ સમયે પણ મુર્હુત લેવાતા નથી.

લગ્નના મુર્હુત માટે છોકરીઓની કુંડળીઓ પણ જોવાતી હોય છે. કુંડળીમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, શુક્ર, મંગળ, છઠ્ઠે, આઠમે કે બારમે સ્થાને આવતા હોય તો લગ્નનું સારું મુર્હુત હોવા છતાં લગ્નની તારીખ લેવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે, 9 માસ દરમિયાન એપ્રિલ મહિનામાં લગ્ન માટે સૌથી વધારે 8 મુર્હુતો છે. જાન્યુઆરી મહિનામાં એકપણ લગ્ન મુર્હુત નથી.

લગ્ન માટે કઈ તારીખે સારું મુર્હુત ?

23, 28, 29 – નવેમ્બર

3, 4, 10, 11, 12 – ડીસેમ્બર

5, 18, 19, 20, 21, 24, 25 – ફેબ્રુઆરી

3, 4, 5, 6, 12, 13 – માર્ચ

19, 20, 24, 25, 26, 27, 28, 30 – એપ્રિલ

1, 2, 4, 8, 9, 11, 12 – મે

18, 23, 29 – જૂન

2, 5, 6, 7, 10, 15 – જુલાઈ

ઉલ્લેખનીય છે કે, લગ્નના મુર્હુત ઓછા હોવાથી જે દિવસે લગ્ન મુર્હુત સારું હશે તે દિવસે મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાશે. જેના કારણે તે તારીખોમાં વાડી, ફાર્મ હાઉસ અને જમણવારની વ્યવસ્થા ગોઠવવામાં યુગલોના પરિવારજનોને મુશ્કેલી પડશે, તે વાત નિશ્ચિત છે. સારા મુર્હુતોમાં વધારે લગ્ન પ્રસંગ હોવાથી મહાનગરમાં ઠેર-ઠેર ટ્રાફિકના દ્રશ્યો સર્જાય તો પણ નવાઈ નહીં.

error: Content is protected !!