વડોદરા ગુજરાત રિફાઇનરીના કર્મચારીનું મોત નીપજતા યોગ્ય વળતરની માગ સાથે હજારો કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર

વડોદરા: ગુજરાત રિફાઇનરીમાં બે દિવસ પૂર્વે એક કર્મચારીનું ફરજ દરમિયાન માથામાં લોખંડનો સળીયો વાગતા મોત નીપજ્યું હતું. મેનેજમેન્ટ દ્વારા મૃતક કર્મચારીને યોગ્ય વળતર આપવાનો કોઈ નિર્ણય ન લેતા સોમવારે 4000 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા. પરિણામે કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

માહિતી પ્રમાણે ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા સંદીપભાઈ પરમાર ઉપર લોખંડનો રોડ પડતા ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેને માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કર્મચારી સંદીપભાઈ પરમારનું મોત નીપજ્યા બાદ કર્મચારી સંગઠને મેનેજમેન્ટને કર્મચારીના પરિવારને યોગ્ય વળતર આપવા માટે રજૂઆત કરી હતી. કર્મચારી સંગઠને કંપની મેનેજમેન્ટ ઉપર આક્ષેપ મુક્યો હતો કે, કર્મચારીઓને સેફ્ટીના ગુણવત્તાયુક્ત સાધનો આપવામાં આવતા નથી. મોતને ભેટેલ કર્મચારી સંદિપ પરમાર હેલ્મેટ પહેરીને કામ કરતો હતો. પરંતુ, હેલ્મેટ તકલાદી હોવાના કારણે માથામાં લોખંડનો સળિયો પડતા ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે. કંપની મેનેજમેન્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારી સંગઠનની રજૂઆત બાદ પણ મૃતકના પરિવારને યોગ્ય વળતર ચૂકવવાની જાહેરાત ન કરતા સોમવારે સવારથી 4000 જેટલા કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા.

કર્મચારીઓ વીજળીક હડતાળ ઉપર ઉતરી જતાં મેનેજમેન્ટના અધિકારીઓએ દોડધામ કરી મૂકી હતી અને કર્મચારીઓને પુનઃ ફરજ ઉપર હાજર થવા માટે સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, કર્મચારીઓએ મૃતકના પરિવારને યોગ્ય વળતર જ્યાં સુધી આપવામાં નહીં આવે ત્યાં સુધી કામ ઉપર નહીં જવાનો અડગ નિર્ણય લીધો હતો. મળેલી માહિતી પ્રમાણે કર્મચારીઓને સમજાવવા કંપનીના ડીજીએમ પ્યાલી ચક્રવર્તી દોડી ગયા હતા અને કર્મચારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓ કોઇ અજુગતુ પગલું ન ભરે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

error: Content is protected !!