લીલી પરિક્રમા : ટ્રેનની છત પર બેસી મુસાફરી કરતા 3 શ્રદ્ધાળુઓને લાગ્યો વીજ કરંટ

જૂનાગઢઃ જૂનાગઢમાં ગિરનાર પર્વતની ફરતે લીલી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે શનિવારથી લીલી પરિક્રમા શરૂ થઈ છે. લીલી પરિક્રમા માટે જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં લઈને રેલવે વિભાગ દ્વારા સ્પેશિયલ ટ્રેન પણ શરુ કરવામાં આવી હોવા છતાં કેટલાક મુસાફરો ટ્રેનના ડબ્બા પર બેસીને મુસાફરી કરતા હોય છે. જૂનાગઢ પહોંચવા માટે ભાવિકો જીવના જોખમે ટ્રેનની છત ઉપર બેસીને મુસાફરી કરતા હોય છે. મુસાફરો દ્વારા કરાતી આ જોખમી મુસાફરી અંગે શનિવારે મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર પણ વિડીયો પ્રસારિત થયા હતા. ત્યારે જીવના જોખમે ટ્રેનની છત પર બેસીને મુસાફરી કરતા ભાવિકોને અકસ્માત નડ્યો હતો. 3 ભાવિકોને બિલખા સ્ટેશન નજીક વીજકરન્ટ લાગતાં ઈજાગ્રસ્ત થયા હતા.

ટ્રેનની છત પર બેસીને જતા દરમિયાન કરંટ લાગતા ઉનાના વડવીયલા ગામના જયેશ નાનુ વંશ, દેલવાડા ગામના જગદીશ અરજણ વંશ અને ભીખા કાના જેઠવા ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કરંટ  લાગવાની આ ઘટનામાં ત્રણેય ભાવિકને માથાના ભાગે ઈજા પહોંચી હતી.  દુર્ઘટના બાદ તંત્ર દ્વારા મુસાફરોને આવી જોખમી મુસાફરી ન કરવા માટે સુચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે, લીલી પરિક્રમા 19 નવેમ્બરથી શરુ થવાની હતી, પરંતુ પરિક્રમાના સ્થળે બે દિવસ પહેલા એક લાખ જેટલા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતા શનિવારે (17 નવેમ્બર)ના દિવસથી જ વનવિભાગ દ્વારા જંગલના દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે.  પરિક્રમના શરુ થવાની સાથે જ ભવનાથમાં 2 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા છે.

error: Content is protected !!