વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન પામવા માટે દેશની 10 ખાનગી અને 10 સરકારીને ચેલેન્જ રૂપે સિલેક્ટ કરાશે: મોદી

ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આઇઆઇટી ગાંધીનગરનું લોકાર્પણ કરતા આઇઆઇટીયનોને હાકલ કરી હતી કે, દુનિયામાં ટોપ 500 યુનિવર્સિટીઓમાં પણ દેશની યુનિવર્સિટીનું નામ નથી. આ કલંક મીટાવવા માટે અને વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન પામવા માટે દેશની 10 ખાનગી અને 10 સરકારી યુનિવર્સિટી ને એક ચેલેન્જ રૂપે સિલેક્ટ કરાશે અને આ માટે સરકાર રૂા. 1000 કરોડનનું ભંડોળ પણ ફાળવવા તૈયાર છે.

મોદીએ રવિવારે ગાંધીનગર જિલ્લાના પાલજ ખાતે વૈશ્વિક સ્તરની આઇઆઇટી શૈક્ષણિક સંકુલનું રાષ્ટ્રપર્ણ કર્યુ હતું. વડાપ્રધાન મોદીએ આજની 7 અૉક્ટોબરની તારીખને યાદ કરીને કહ્યું હતું કે, 26 જાન્યુઆરી 2001ના રોજ ભયંકર ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ સ્થિતિ એવી બની કે જે મારા જીવનની રાહ ન હતી તેને અપનાવવી પડી અને 7 અૉક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી રીકે શપથ લીધા. હું શાસન વ્યવસ્થાનો જાણકાર પણ નહોતો અને વિધાનસભા પણ જોઇ નહોતી પણ મહેનત કરવામાં કમી નહીં રાખું તેવા દૃઢ વિશ્વાસ સાથે આગળ વધ્યો અને આજે દેશે મને નવી જવાબદારી આપી છે.

ટેકનૉલૉજી જીવનનો એક ભાગ બની ગઇ છે તેમ જણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લાં 50 વર્ષમાં દેશમાં ટેકનૉલૉજીમાં મોટો ફેરફાર થયો છે. દેશને જો પ્રગતિ કરવી હશે તો હિન્દુસ્તાનના તમામ લોકોને આ ટેકનૉલૉજી સાથે જોડાવું અનિવાર્ય છે. આઝાદીના સમયમાં મહાત્મા ગંધીએ સાક્ષરતા અભિયાન ઉપર ભાર મૂક્યો હતો. આજે સુરાજ્યમાં ડિજિટલ અભિયાન ઉપર ભાર મુકાયો છે અને એટલા માટે ભારત સરકારનો પ્રયાસ છે કે, દરેક પેઢી ડિજિટલ બને. ગ્રામીણ ભારતના છ કરોડ પરિવારમાંથી એક વ્યક્તિને ડિજિટલ સાક્ષર બનાવવાનું બીડું ઉઠાવ્યું છે. ડિજિટલ શિક્ષા માટે કોઇ ઉંમરનો બાધ નથી. ટેકનૉલૉજીના સમયમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સતર્ક રહીને પ્રયાસ કરવો પડશે.

તેમણે કહ્યું કે, દેશમાં ડિજિટલ ડિવાઇડ પેદા ના થાય તે ખાસ ધ્યાન રાખવું પડશે. યુઝર્સ ફ્રેન્ડલી બનો, ડિજિટલ ઇન્ડિયા એ ગુડ ગવર્નન્સની, ટ્રાન્સપરન્સીની નિશાની છે.’ દેશમાં ઓપ્ટીકલ ફાઇબરનું અભિયાન શરૂ થયું છે. ભાવિ પેઢીને સારી શિક્ષા આપવા ડિજિટલના માધ્યમથી શક્ય બન્યું છે.’ ડિજિટલ લીટરસી છે તો વેલ્યુએડિશન કરી શકાય છે, કેશ લેસ સોસાયટી માં પણ તેનો મોટો રોલ છે.
વડા પ્રધાને બુલેટ ટ્રેન વિશે વિરોધીઓ દ્વારા થતીં ટીકાઓ અંગે જવાબ આપતા કહ્યું હતું કે, જો આઇઆઇટીના નવા કેમ્પસ અંગે ચૂંટણીના દિવસોમાં 400 એકર જમીન આપી હોત તો જેમ બુલેટ ટ્રેનનો આજે વિરોધ કરી રહ્યા છે તેમ કહેતા હોત કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું મકાન તો સાવ નબળું છે અને મોદી આઇઆઇટી બનાવવા નીકળી પડયા છે. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનમાં આઇઆઇટી એક બ્રાન્ડ બની ગયું છે પણ તેની અંદરનું કેમ્પસ શિરમોર બની રહે તે મહત્વનું છે. કેમ્પસ એક તાકાત છે જ્યારે ફેકલ્ટી બીજી તાકાત છે. અહીંની 75 ટકા ફેકલ્ટી વિદેશથી ટ્રેઇન થઇને આવી છે. આ સંજોગોમાં આઇઆઇટી ગાંધીનગરે ઇનોવેશનમાં કોઇપણ બીડું ઝડપી લેવું જોઇએ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ગુજરાતે છેલ્લાં 10 વર્ષમાં ગર્વ કરી શકે તેવા ગ્લોબલ લેવલના ઇન્સ્ટીટયૂટ દેશને આપ્યા છે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દેશમાં ક્યાંય નથી, એક માત્ર ગુજરાતમાં છે. આઇઆઇટીઇ યુનિવર્સિટી કે જેમાંથી બેસ્ટ ક્વોલિટીના ટીચર્સ નીકળે છે, તેમાં ગુજરાત પહેલું રાજ્ય છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી, પોલીસ એકેડેમી-રક્ષા શક્તિ યુનિવર્સિટી, જે તમામ ગુજરાતની ધરતી પર છે. અને આઇઆઇટી ગાંધીનગર એક કલ્ચર પેદા કરે અને ઇનોવેશનનો રસ્તો પકડીએ. 2022 સુધીમાં એવા તૈયાર થઇ જાવ કે આપણા સ્વાતંત્ર્યના 75 સાલમાં આપણે દુનિયાને બતાવી શકીએ અને ભારત દુનિયાનું હબ બને.

 

error: Content is protected !!