સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં 3000 મીટર સુધીના પ્લોટમાં 50 % ઓછી કિંમતે પ્લોટ ફાળવાશે

ગાંધીનગર: રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધે તે આશયથી જી.આઇ.ડી.સી. દ્વારા અપાતાં ૩૦૦૦ મીટર સુધીના પ્લોટમાં ૫૦ % ઓછી કિંમતે પ્લોટ ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે (બુધવારે) મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ આ નિર્ણય અંગે વધુ વિગતો આપતાં કહ્યુ કે, રાજ્યમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગો દ્વારા વધુને વધુ રોજગારની તકો ઉભી થાય તેમજ રાજ્યમાં જે મોટા ઉદ્યોગો ચાલી રહ્યાં છે તેને અનુરૂપ આનુષાંગિક (એન્સીલરી) ઉદ્યોગો સ્થપાય તો રાજ્યના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો થાય તે માટે આ મહત્વનો નિર્ણય કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં રાજ્ય સરકારના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જી.આઇ.ડી.સી.) દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ જી.આઇ.ડી.સી. સંકુલો ઉભા કરવામાં આવ્યા છે. અને વધુ નવી જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ સંકુલો ઉભા કરવા જી.આઇ.ડી.સી.ને રાજ્ય સરકાર દ્વારા જમીન વેચાણ આપવામાં આવે છે. જી.આઇ.ડી.સી.ને આ જમીન વેચાણ આપવાની અને જમીનની કિંમત કરવાની હાલની જે પદ્ધતિ હતી તે પદ્ધતિ મુજબ જમીનની વેચાણ કિંમત કરાતાં જી.આઇ.ડી.સી.ને કેટલીક જગ્યાએ ઉંચી કિંમત ચુકવવી પડતી હતી અને તે જી.આઇ.ડી.સી.માં જે એકમો સ્થપાય તેને વધારે કિંમતની જમીન ફાળવવામાં આવતી હતી જેને કારણે નાના ઉદ્યોગ સાહસિકોને કારખાના બનાવવા માટેનું ખર્ચ-રોકાણ વધી જતું હતું.

નીતિન પટેલે ઉમેર્યુ કે, અત્યાર સુધી જી.આઇ.ડી.સી.ને ફાળવવામાં આવતી જમીન, તેની કિંમત અને પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરાયો છે. હવેથી જી.આઇ.ડી.સી.ને જે જમીન ફાળવવામાં આવશે તે જમીનમાંથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ જી.આઇ.ડી.સી. આ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે ફાળવશે તો તેની જમીનની કિંમત રાજ્ય સરકાર ૫૦ % ઓછી વસુલશે એટલે કે, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ હવે સરકાર દ્વારા જી.આઇ.ડી.સી.ને ફાળવવાની જમીનની જે કિંમત નક્કી થઇ હોય તેમાં ૫૦ % રાહત આપશે તેથી આવા નાના ઉદ્યોગ સાહસિકોને જી.આઇ.ડી.સી.માં પ્લોટ અડધી કિંમતે
મળશે.

તેમણે ઉમેર્યું કે, જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ૩૦૦૦ મીટરથી વધુ મોટા પ્લોટ જે ઉદ્યોગોને આપવામાં આવશે તેની ૧૦૦ % કિંમત ભરપાઇ કરવાની રહેશે એટલે ૩૦૦૦ મીટર સુધીના પ્લોટ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને અડધી કિંમતે આપવામાં આવશે. અને મોટા ઉદ્યોગો પાસે ૧૦૦ % રકમ વસૂલ કરાશે. આથી સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સસ્તા ભાવની જમીન મળવાથી તેઓ મોટા પ્રમાણમાં ઉદ્યોગ નાંખવા પ્રેરાશે. જેનાથી સ્વ- રોજગારીમાં મોટો વધારો થશે અને હજારો યુવક-યુવતીઓને મોટા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થશે.

error: Content is protected !!