ડ્રાઈવર વગર જ દોડવા લાગ્યું એન્જિન, કર્મચારીએ ફિલ્મીઢબે બાઈક પર 13 કી.મી. સુધી પીછો કરી રોક્યું

કાલબુર્ગી (કર્ણાટક), દેશગુજરાત: કર્ણાટકના કાલબુર્ગી જિલ્લામાં વાડી સ્ટેશનથી એક ઇલેક્ટ્રિક એન્જિન ડ્રાઈવર વગર જ દોડવા લાગ્યું હતું. આ અંગે જાણ થતા રેલ્વે કર્મચારીએ બાઈક પર 13 કી.મી. સુધી પીછો કરી એન્જિનને રોક્યું હતું.

રેલ્વે કર્મચારીએ ફિલ્મીઢબે એન્જિનનો પીછો કર્યો અને તેમાં સવાર થઈને તેને રોકવામાં સફળતા મેળવી હતી.

રેલ્વેના અધિકારીઓએ કહ્યું કે, બુધવારે બપોરે અંદાજે 3:૦૦ વાગ્યે વાડી જંકશન ચેન્નઈ-મુંબઈ ટ્રેન ડીઝલ એન્જિન જોડવા માટે રોકાઈ હતી ત્યારે આ ઘટના બની હતી. વાડીથી મહારાષ્ટ્રના સોલાપુર જવાના રસ્તે વિદ્યુતીકરણના અભાવને લીધે ટ્રેન બોગીમાં ડીઝલ એન્જિન જોડવામાં આવનાર હતું.

અધિકારીઓએ વધ્દુમાં કહ્યું કે, મુંબઈ ટ્રેનમાં નિયમિતપણે ડીઝલ એન્જિન જોડવામાં આવે છે. જે વાડીથી સોલાપુર માટે પોતાના પ્રવાસ પર આગળ વધે છે. પરંતુ આ ગતિવિધિઓ દરમિયાન એન્જિનમાંથી ડ્રાઈવર નીચે ઉતરતા ઇલેક્ટ્રિક એન્જિન આપમેળે ચાલવા લાગ્યું હતું. ઘટનાને કારણે વાડી સ્ટેશન પરથી આગળના સ્ટેશનોને તાત્કાલિક સુચના આપવામાં આવી કે ટ્રેનના પાતાને ખાલી રાખવામાં આવે તેમજ સિગ્નલ પર વાહનવ્યવહાર રોકી દેવામાં આવે. જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય.

અધિકારીઓએ વધુમાં કહ્યું કે, કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે સામેની બાજુથી આવતી ટ્રેનોને જે તે સ્ટેશને રોકવામાં આવી હતી. રેલ્વેના એક કર્મચારીએ બાઈક પર 13 કી.મી. સુધી પીછો કર્યો અને વાડી સ્ટેશન પરથી નીકળેલા એન્જિનને નલવાર સ્ટેશનની નજીકમાં રોકવામાં સફળતા મળી.

error: Content is protected !!