સુરતમાં ગણેશજીની 5 ફૂટથી ઉંચી પીઓપીની મૂર્તિ બનાવનાર બે મૂર્તિકારોની ધરપકડ

સુરત, દેશગુજરાત: સુરત પોલીસ કમિશનર દ્વારા સાર્વજનિક ગણપતિ મહોત્સવ દરમિયાન પ્રદુષણથી લઈને વિસર્જન સુધીના વિવિધ પ્રશ્નોને નિવારવા 5 ફૂટથી ઉંચી પ્લાસ્ટર ઓફ પેરીસ (પીઓપીની) મૂર્તિ બનાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર 2 મૂર્તિકારો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

ખટોદરા જીઆઇડીસી વિસ્તારમાં સોમ કાનજીની વાડી પાસસે સાંઈ આર્ટ નામથી ગણેશજીની પ્રતિમા બનાવનાર મૂર્તિકાર વિશ્વજીત રવીન્દ્ર વૈરાગીએ ગણેશજીની બેઠક સાથેની મૂર્તિ બનાવી હતી. જે અંગે સ્થાનિક પોલીસને જાણ થતા અડાજણ વિસ્તારના રહેવાસી મૂર્તિકાર વિશ્વજીતની ધરપકડ કરવામાં આવી હતી.

બીજી તરફ કતારગામ વિસ્તારમાં આવેલા લેક ગાર્ડન ઓસે જીતેન નંદકિશોર ફંદે પણ 5 ફૂટથી ઉંચી ગણેજીની પ્રતિમા બનાવતા તેની સામે પણ હુકમનો ભંગ કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી કતારગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવની ઘડીઓ ગણાય રહી છે. સુરતમાં દરવર્ષે નાની-મોટી 65,000 મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં 10 હજાર જેટલી મોટી મૂર્તિઓ હોય છે. પરંતુ તેમાંથી મોટાભાગની મૂર્તિ પીઓપીમાંથી બનાવવામાં આવી હોવાથી તેનું નદી કે તળાવમાં વિસર્જન કરતી વખતે પ્રદુષણ ફેલાતું હોવાથી સમસ્યા ઉભી થાય છે. જે બાબતને ધ્યાને લઈને દરવર્ષે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે. પીઓપીની મૂર્તિની વધુમાં વધુ ઉંચાઈ 5 ફૂટ અને માટીની મૂર્તિની વધુમાં વધુ ઊંચાઈ 9 ફૂટ સુધીની જ રાખવા અંગે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે.

error: Content is protected !!