આયુષ્યમાન ભારત યોજના હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ લાભાર્થીની વિનામૂલ્યે સારવાર કરાઇ

અમદાવાદ : ગરીબ અને વંચિત લોકો સુધી આરોગ્ય યોજનાનો લાભ પહોંચે અને બીમારી વખતે નાણાકીય મુશ્કેલીનો સામનો કર્યા વગર જરૂરિયાત મુજબની આરોગ્ય સુવિધાઓ સુલભ બને તે માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા ૨૩ મી સપ્ટેમ્બરના રોજ ઝારખંડ રાજ્ય
ખાતેથી આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરાઈ. આ યોજનાનો હેતુ દેશના છેવાડાના ૧૦.૭૪ કરોડ નાગરિકોને આરોગ્યની સુવિધા પૂરી પાડવાનો છે. અત્યાર સુધી દેશમાં ૪૭,૦૦૦ લોકો આ યોજનાનો લાભ લઇ ચૂક્યાં છે. ગુજરાતમાં પણ ૪૪.૮૫ લાખ પરિવારને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે વધુને વધુ લોકો આગળ આવી રહ્યા છે જે આ યોજનાની અસરકારકતા બતાવે છે. આ યોજના હેઠળ રૂા. ૫,૦૦,૦૦૦ લાખ સુધીની આરોગ્ય સુવિધાઓ મફત પુરી પાડવામાં આવશે. આ યોજનાની વ્યવસ્થા ગોઠવાઇ રહી છે. દેશની જેમ ગુજરાતમાં પણ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થઇ ચૂકી છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ યોજનાના પ્રથમ લાભાર્થી તરીકે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણશીપુર ગામના કાળા હરીનું પથરીનું ઓપરેશન થઇ ચૂક્યું છે. કાળુભાઈ ને પેશાબની નળીમાં ૧૫ એમ.એમ.ની પથરી થઇ ગઇ હતી. આયુષ્યમાન ભારત યોજના હેઠળ તેમની સિવિલ હોસ્પિટલમાં દવા કે ઓપરેશનના એકપણ રૂપિયાના ખર્ચ વગર સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. કાળુભાઈ એ આ અંગે કહ્યું કે, તેઓ તેમના ગામમાં રોજના રૂ. ૨૦૦ ના ભાવે રોજિંદી દહાડી કરે છે. એકવાર તેઓ ખેતરમાં હતાં અને તેમને અચાનક પેટમાં દુઃખાવો જણાયો. તેઓ ખેતરમાં જ બેસી ગયા. પેટ ભારેભારે લાગતું હતું તેથી તેઓને થયું કે પેશાબ કરી લઉં તો આ દુઃખાવો ઓછો થશે. પરંતુ તેઓ પેશાબ કરી જ ન શક્યાં. ઘણી તાકાત પછી માંડમાંડ પેશાબ થતો હતો અને દુઃખાવો અસહ્ય થતો હતો.

દુઃખાવો વધતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્રારા વિજાપુરની હોસ્પિટલ ખાતે તેઓને લઇ જવામાં આવ્યાં. ત્યાં પ્રાથમિક નિદાન કરી વધુ સારવાર માટે કાળુભાઈ ને ગાંધીનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં. ગાંધીનગરની હોસ્પિટલમાં પણ સારવાર શક્ય ન હોવાથી તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં. જ્યાં તેઓને યુરોલોજી વિભાગમાં વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં. અહીં તેઓની એક અઠવાડિયા સુધી સારવાર કર્યા બાદ પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન થતાં કાળુભાઈ ને હવે તેમની પીડામાંથી મુક્તિ મળી છે.

૪૩ વર્ષની ઉંમર ધરાવતાં કાળાને ત્રણ દિકરીઓ છે..જેમાંથી બે શાળામાં ભણે છે અને એક તો હજૂ બહુ નાની છે. માત્ર મજૂરી કરીને આવડા મોટા પરિવારનું માંડ ગુજરાન ચાલતું હોય ત્યારે ઓપરેશન તથા દવાના રૂા.૧,૦૦,૦૦૦ થાય તેવી પ્રાઈવેટ હોસ્પિટલની સારવાર મારા જેવા ગરીબ માણસને કેવી રીતે પાલવે તેમ ગળગળા સ્વરે પોતાની વેદનાને રજૂ કરતાં કાળાએ કહ્યું હતું. મારા જેવા માટે તો એક સાંધે અને તેર ટૂટે તેવી વરવી સ્થિતિ હોય ત્યારે ક્યાં જવું એ સૂઝતું ન હોય તેવા વખતે આયુષ્યમાન ભારત યોજના મારા માટે આશિર્વાદ સમાન પુરવાર થઇ છે.

ભારતના વડાપ્રધાન પોતે એક સામાન્ય પરિવારમાંથી આવે છે તેથી તેમને ગરીબોની વેદનાનો અહેસાસ છે. એ તો જેણે ભોગવ્યું હોય તેને જ ગરીબોની વેદનાનો વિચાર આવે અને આવી વેદનાની અનુભૂતિમાંથી આવી યોજનાનો જન્મ થતો હોય છે. ભારતના વડાપ્રધાનને આવો વિચાર આવ્યો અને તેને ખરા અર્થમાં ધરાતલ પર વાસ્તવિકરૂપમાં મૂર્તિમંત કર્યો તે માટે નરેન્દ્રનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તેમણે કહ્યું કે, તેઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યાં ત્યારે આવી કોઇ યોજનાનો ખ્યાલ નહોતો પરંતુ કેઝ્યુઆલ્ટી વિભાગના સી.એમ.ઓ. ડો. જનક સોનીના માર્ગદર્શન હેઠળ મને સૌ પ્રથમ આયુષ્યમાન ભારતનું કાર્ડ કાઢી આપવામાં આવ્યું અને તેને આધારે જ મારી નિઃશૂલ્ક સારવાર થઇ છે. કાળા કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં પ્રાઈવેટ હોસ્પિટલ જેટલી જ કાળજીથી મારી સેવા- સુશ્રુષા કરવામાં આવી છે. આ ઉપરાંત જમવાની પણ બેડ પર મફત સુવિધા મને પુરી પાડવામાં આવી હતી. સી.એમ.ઓ. ડો. જનક સોનીએ કહ્યું કે, “આયુષ્‍યમાન ભારત યોજનામાં ૧૩૫૩ જેટલા રોગની વિના મૂલ્યે સારવાર કરવામાં આવે છે. આ યોજના હેઠળ રૂા. ૫,૦૦,૦૦૦ સુધીની સારવાર કરવામાં છે. સિવિલ હોસ્પિટલમાં આવતાં દર્દીને સૌ પ્રથમ તેના આધાર કાર્ડ કે રેશન કાર્ડને આધારે વર્ષઃ ૨૦૧૧ ના વસતિ ગણતરીના સામાજિક- આર્થિક પાસા મુજબ સર્ચ કરીને જે-તે દર્દી બી.પી.એલ. લાભાર્થીની યાદીમાં નામ ધરાવતો હોય તો તેને આયુષ્યમાન ભારતનું કાર્ડ વિના મૂલ્યે કાઢી આપવામાં આવે છે. આ સિવાય પ્રધાનમંત્રીના કાર્યાલય દ્વારા પણ આ અંગેનું સાહિત્ય મોકલવામાં આવ્યું હતું તેમા આયુષ્યમાન ભારત માટેનો યુનિક નંબર દર્શાવેલો હોય છે જેને આધારે સરળતાથી બી.પી.એલ. લાભાર્થીની વેબસાઇટ પરથી સરળતાથી શોધી તુરંત જ આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવામાં આવે છે.”

ડો. સોનીએ વધુમાં કહ્યું કે , “આયુષ્યમાન ભારત કાર્ડ કુટુંબ દીઠ નહીં પણ વ્યક્તગત રીતે આપવામાં આવે છે પરંતુ એક કુટુંબની કાર્ડની મર્યાદા રૂા. ૫,૦૦,૦૦૦ લાખની રહેશે. આ યોજનામાં “માં” યોજનામાં ન સમાવેલા રોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને તેને
આધારે સારવાર આપવામાં આવે છે.” કાળુભાઈ જેવા ગરીબ લોકો માટે આ યોજના આશિર્વાદરૂપ બની છે. આ યોજના અંગેધીમે –ધીમે જાગૃતિ આવવાથી તેનો વ્યાપ વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હજારો જરૂરિયાતમંદ લોકો આવતાં હોય છે તે ધ્યાનમાં રાખીને ઓ.પી.ડી. ખાતે જ આયુષ્યમાન ભારત માટેનું હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. આ માટે આયુષ્યમાન ભારત માટે અલગથી સ્ટાફની પણ નિમણૂંક કરવામાં આવી છે, જે આવનાર દર્દીને આ અંગે જરૂરી મદદ કરે છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. આયુષ્યમાન ભારત યોજનાથી કાળુભાઈ ને તો રાહત મળી છે પરંતુ હજુ પણ અનેક-અનેક લોકોના દુઃખ દર્દ તેનાથી દૂર થવાનો છે તેમાં કોઇ શંકા નથી.

error: Content is protected !!