યુએસ-ઇન્ડિયા સ્ટેટ અને અર્બન ઇનિશિયેટિવ હેઠળ અમેરીકાના કોલોરાડો રાજ્યનું ઊર્જા, વિભાગનું પ્રતિનિધિ મંડળ વ્યૂહાત્મક ભાગીદારી માટે ગુજરાતના પ્રવાસે

ગાંધીનગર:  અમેરિકાના કોલોરાડો રાજ્યનું ઉર્જા વિભાગનું પ્રતિનિધિમંડળ, ગુજરાત રાજ્યમાં વ્યૂહાત્મક ભાગીદારી રચવા યુએસ-ઇન્ડિયા સ્ટેટ અને અર્બન ઇનિશિયેટિવ હેઠળ, ગુજરાત રાજ્યનાં તા.૧૦ સપ્ટેમ્બરથી તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી પ્રવાસે છે. આ પ્રતિનિધિમંડળમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, કોલોરાડો એનર્જી ઓફિસ (સીઇઓ), સીઇઓના પોલિસી એનાલિસ્ટ, કોલોરાડો ઓફિસ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડ (ઓઇડીઆઈટી), નેશનલ રિન્યુએબલ એનર્જી લેબોરેટરી (એનઆરઈએલ), સેન્ટર ફોર  સ્ટ્રેટેજિક ઇન્ટરનેશનલ સ્ટડીઝ (સીએસઆઇએસ), પુબ્લો કાઉન્ટી, યુનિવર્સિટી ઓફ કોલોરાડો, રોકી માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ, એક્સેલ ઊર્જા અને કોલોરાડો સ્કૂલ ઓફ માઇન્સના પ્રતિનિધિઓ જોડાયા છે.

આ પ્રવાસનાં પ્રારંભમા પ્રતિનિધિમંડળે ગુજરાતનાં ઉર્જા મંત્રી સૌરભ પટેલની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત ઉર્જા મંત્રી સૌરભ પટેલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યે ૨૦૧૧ થી સૌર ઉર્જા ક્ષેત્રમાં પોતાનું યોગદાન શરૂ કર્યું, ત્યારથી આજ સુધી પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો એ આપણા દેશમાં રાજ્ય અને કેન્દ્રિય સ્તરે કેન્દ્રસ્થાને છે. ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી અને આપણા વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ક્ષેત્રને વિસ્તારવા માટે સંકલ્પિત હતા. ગુજરાત દ્વારા પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોત ક્ષેત્રમાં અગ્રીમ કામ થયા પછી, અન્ય કેટલાંક રાજ્યોએ તેનું અનુકરણ કર્યું, જેના પરિણામરૂપે આ સોલાર વીજ દરમાં ઘણો ઘટાડો જોવા મળેલ છે. જેને કારણે સમગ્ર દેશમાં આ ક્ષેત્રનો વિકાસ થઇ રહ્યો છે.

ગુજરાત રાજ્ય દ્વારા પવન-સૌર ઊર્જાની સંયુક્ત નીતિ જાહેર કરવામાં આવેલ છે. ટુંક સમયમાં ગુજરાત સરકાર આશરે કુલ ૫૦૦૦ મેગાવોટની અંદાજિત વીજ ક્ષમતાના ૪ થી ૫ સોલર પાર્ક વિકસાવવાનું આયોજન કરી રહી છે. ગુજરાત, આવા નિદર્શન માટે યોગ્ય પસંદગી છે કારણ કે ગુજરાત પાસે ખુબ જ મોટા પ્રમાણમાં ખારી બિનઉપયોગી જમીન ઉપલબ્ધ છે. સરકાર દ્વારા ત્યાં બિનઉપયોગી ખારી જમીન ઉપર પુન:પ્રાપ્ય ઉર્જાસ્ત્રોતો દ્વારા ઊર્જા ઉત્પાદનની વિશાળ ક્ષમતા સાથે દેશના બાકીના ભાગમાં ઉર્જા પૂરી પાડવામાં આવશે. આ કોલોરાડો રાજ્ય માટે બિઝનેસ તક સૂચવે છે.

વધુમાં, હાલ માં જ ૧૦૦૦ મેગા વોટ સોલાર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે ‘એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ’ એટલે કે ઈરાદા પત્રકો મગાવાની કામગીરી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શરુ કરવામાં આવી છે. જેમાં તેમણે અમેરિકાની સોલાર કંપનીઓને રોકાણ કરવા માટે આમંત્રણ આપેલ છે. વધુમાં, તેમણે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ‘સ્કાય’ નામની સૌર ઉર્જા યોજના અમલમાં મુકવામાં
આવેલ છે. જેમાં કોલોરાડો ડેલિગેશનને સહભાગી થવા જણાવેલ છે.

રાજ્યમાં ઇલેક્ટ્રી વ્હીકલ ક્ષેત્રમાં સ્ટ્રેટેજીક બિઝનેસ પાર્ટનરશીપ કરવાની અમૂલ્ય તક છે. કારણ કે, આ વિશાળ ક્ષેત્રના વિકાસ થકી વાહનો માટે વપરાતા આયાતી ક્રૂડ ઓઇલનું ભારણ ઘટાડી શકાશે. વધુમાં, વીજ સ્ટોરેજના પ્રોજેક્ટ થકી દિવસે થયેલ સૌર વીજ ઉત્પાદનનો સંગ્રહ કરી અને રાત્રે તેનો વપરાશ કરવાનો ધ્યેય છે. જેથી કરીને, વીજ પરિવહન અને વીજ વિતરણનું વધુ સારી નિયમન થઇ શકે. ઊર્જા પ્રધાન પટેલના જણાવ્યા અનુસાર ઉર્જા ક્ષેત્રમાં સંશોધન વિકાસ ક્ષેત્રે કોલોરાડો અને પીડીપીયુ તથા અન્ય સંશોધન સંસ્થાઓ વચ્ચે વિદ્યાર્થી વિનિમયની ખૂબ જ ઊંચી સંભાવના છે.

આ કોલોરાડો એનર્જી ડેલિગેશન સાથેના સંવાદ દરમ્યાન, પોલિસી લેવલ ઇસ્યુ ઓફ ગ્રીડ ઈન્ટીગ્રેશન ઓફ રીનેવેબલ એનર્જી, ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસી અને અમલીકરણ વ્યૂહરચનાઓ, ઊર્જા સંગ્રહ ટેકનોલોજી, સૌર ટેકનોલોજી અને નીતિ વિષે અગ્ર સચિવ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને જીઇઆરસીના અધ્યક્ષ તથા ઉર્જા વિભાગના ઉચ્ચતરીય અધિકારિયો દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય ની ઉર્જા ક્ષેત્રના અન્ય વિભાગ ની ઉચ્ચ સ્તરના અધિકારીઓ જેમ કે જીયુવીએનએલ, ગેટકો, જીઆઇપીસીએલ, જીએસઇસીએલ, જેડા, જી.પી.સી.એલ. વગેરે. અને ગુજરાતનાં સંશોધન અને વિકાસ સંસ્થાઓ પી.ડી.પી.યુ., જર્મી, સ્પ્રેરીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, કોલોરાડો પ્રતિનિધિમંડળ બે રાજ્યો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે ઔદ્યોગિક ગૃહો અને અન્ય સંસ્થાઓની પણ મુલાકાત લેશે.

error: Content is protected !!